કોરોના હોય તો પણ ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા આપવી પડશે!

| Updated: January 13, 2022 10:18 am

કોરોનાની ગંભીર કટોકટીનો યોગ્ય રીતે સામનો ન કરી શકવા માટે જાણીતી ગુજરાત સરકાર હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઑફલાઇન કલાસ અને પરીક્ષા ચાલુ રાખવી કે કેમ તે નક્કી કરી શકતી નથી.

પરિણામે રાજ્યની મેડિકલ કોલેજોમાં આડેધડ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડોમાં બેસવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમાંના ઘણા ભયાનક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

એમએસ યુનિવર્સિટી સંચાલિત બરોડા મેડિકલ કોલેજ તેનો ચોંકાવનારો દાખલો છે. કોલેજે પરીક્ષા અંગે જે સુચનાઓ જારી કરી છે તેમાં જણાવ્યું છે કે દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાને સાત દિવસ પૂરા થઇ ગયા હોય તેમને રેગ્યુલર બેચ સાથે બેસવું પડશે. કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોય તેને સાત દિવસ પુરા ન થયા હોય તેમણે લેક્ચર હોલ ડીમાં બેસવું પડશે. રેગ્યુલર બેઠક વ્યવસ્થા અને ડિવિઝનની જાહેરાત ટુંક સમયમાં કરાશે. પરીક્ષા સ્થળ મુખ્ય લેક્ચર હોલ સી અને એલ્યુમ્ની એકઝામિનેશન હોલ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય રીતે સત્તાવાર રીતે સલાહ આપવામાં આવે છે કે કોરોનાનાં દર્દીઓને ઓછામાં ઓછા 14 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું જરુરી છે. જોકે પરીક્ષા સંબંધી સુચનામાં જણાવાયું છે કે તમે સાત દિવસ માટે કોરોના પોઝિટિવ પ્રમાણપત્ર ધરાવો છો તો તમારે સામાન્ય વિદ્યાર્થીઓ સાથે બેસવું પડશે.

વધુ આશ્ચર્યની વાત એ છે કે જે લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય તેને સાત દિવસથી ઓછો સમય થયો હોય તેમણે પણ આઇસોલેશનમાંથી બહાર આવીને પરીક્ષામાં બેસવું પડશે. કહેવાની જરૂર નથી કે કોરોના હોય કે ન હોય,બધા વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં 45,000 નવા કોરોનાના કેસનો ઉમેરો થયો છે. બુધવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 10,000 કેસ નોંધાયા છે.

250 જેટલા વિદ્યાર્થીઓએ તેમની પ્રથમ પરીક્ષા, પેપર 1, ઑફલાઇન આપી હતી. હજુ ત્રણ પરીક્ષા બાકી છે. એક અસંક્રમિત વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરીને વાઇબ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, પરીક્ષામાં હાજર આઠ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હતા અને લેક્ચર હોલ ડીમાં બેઠા હતા.
જ્યારે વાઇબ્સ ઑફ ઇન્ડિયાએ બરોડા મેડિકલ કોલેજના ડીન ડૉ. તનુજા બી જાવડેકરનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે પરીક્ષા ખંડોમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કરતાં જણાવ્યું હતું કે,ત્યાં કોઈ કોરોના પોઝિટિવ વિદ્યાર્થી ન હતા.જો વિદ્યાર્થીઓ પોઝિટીવ હોય તેમને અમે અલગ રાખીએ છીએ. અમે ઉપરથી (ગુજરાત સરકાર) મળેલી સૂચનાઓનું પાલન કરીએ છીએ.
રાજ્યની અન્ય મેડિકલ કોલેજો પણ પરીક્ષાઓ યોજે છે તેવો દાવો કરીને જાવડેકરે રાજકોટ મેડિકલ કોલેજની પરીક્ષાનું ઉદાહરણ આપ્યું હતું.

બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો તેના પહેલા ઓક્ટોબરના મધ્યમાં તેમની પ્રારંભિક પરીક્ષાઓનું શેડ્યૂલ આપવામાં આવ્યું હતું. હવે કોરોનાએ ત્રીજી લહેરનું રુપ લીધું છે.

Your email address will not be published.