સતત બે દિવસ સુધી થોડા ઓછા કેસ નોંધાયા બાદ, ગુજરાતમાં બુધવારના રોજ ફરી એક વાર કુલ દૈનિક પોઝિટિવ કેસની સંખ્યા 1,000 કરતા વધુ નોંધાઈ હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1,059 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા.
દરમિયાન, ગુજરાતમાં 909 જેટલા કોવિડ-19 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતા અને સાથે જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે કોઈ મૃત્યુ નોંધાયું ન્હોતું. આ સાથે બુધવારે રાજ્ય પર સક્રિય કેસનો ભાર 6,407 પર પહોંચી ગયો છે.
હંમેશાની જેમ બુધવારે પણ ગુજરાતના સૌથી વધુ દૈનિક પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 372 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદ બાદ વડોદરામાં 162 નવા કોવિડ-19 કેસ, રાજકોટમાં 114, સુરતમાં 74, મહેસાણામાં 35 અને અમરેલીમાં 31 કેસ નોંધાયા હતા.
આ સાથે, ગુજરાતમાં કેસોની એકંદર સંખ્યા 12,57,710 પર પહોંચી હતી અને રાજ્યમાં કુલ રિકવરી આંક 12,40,332 પર પહોંચ્યો છે તથા કુલ મૃત્યુઆંક 10,971 પર યથાવત છે.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય દ્વારા છેલ્લા 24 કલાકમાં કુલ 2.26 લાખ ડોઝનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેથી બુધવારે રાજ્ય દ્વારા અત્યાર સુધી સંચાલિત કુલ ડોઝની સંખ્યા 11.73 કરોડ સુધી પહોંચી ગઇ છે.