ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર ગુરુગ્રામમાં બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

| Updated: April 26, 2022 1:05 pm

અમદાવાદઃ ગુજરાતના પોલીસ કર્મચારીને લાંચ માંગવા માટે ગુજરાત ઓછું પડતુ હતુ તો છેક હરિયાણા જઈને લાંચ લાગી અને એમા પકડાયા પણ ખરા. ગુજરાતના નર્મદા પોલીસ સ્ટેશનના ઇનચાર્જની હરિયાણાના ગુરુગ્રામ ખાતેના વિજિલન્સ બ્યુરોએ ધરપકડ કરી છે. તેઓના પર બે લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.

રાજપીપળા ટાઉનના નર્મદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જગદીશ ચૌધરી રવિવારે રાત્રે ગુરુગ્રામના સેક્ટર 49માં બે લાખ રૂપિયાની રોકડ લાંચ લેતા પકડાયા હતા. તેઓ આ લાંચ લેવાના બદલામાં નર્મદા જિલ્લામાં આંતરરાજ્ય બનાવટી ડિગ્રીના કેસમાં આરોપીને છોડી દેવાના હતા.

નર્મદા પોલીસે ત્રણ મહિના પહેલા કોલેજોની બનાવટી ડિગ્રી અને માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેના આરોપીઓ દિલ્હી અને ગુજરાતના હતા. તેઓ ગ્રાહકોને વિવિધ સંસ્થાઓના બનાવટી પ્રમાણપત્રો આપતા હતા. પોલીસે આ કૌભાંડની તપાસ માટે ડેપ્યુટી પોલીસ ઓફ સુપરિટેન્ડન્ટના નેજા હેઠળ ટીમ રચી હતી. કુલ 16 જણા પર તહોમતનામુ મૂકાયુ હતુ અને નવને ન્યાયિક હિરાસતમાં મોકલાયા હતા. જગદીશ ચૌધરી આ કેસમાં ઇન્વેસ્ટિંગ ઓફિસર હતા.

 નર્મદા જિલ્લાના પોલીસ સુપરિટેન્ડેન્ટ પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે ચૌધરી 22 એપ્રિલે રજા પર ગયા હતા. તેઓ કોઈપણ કારણ બતાવ્યા વગર રજા પર ઉતરી ગયા હતા. રવિવારે રાત્રે હરિયાણાના સ્ટેટ વિજિલન્સ બ્યૂરોએ સ્થાનિક પોલીસને જણાવ્યું હતું કે લાંચના કેસમાં ઇન્સ્પેક્ટરની ધરપકડ થઈ છે.

બનાવટી માર્કશીટના કેસમાં તહોમતનામુ ફાઇલ કરવામાં આવ્યું છે અને કેસ કોર્ટમાં છે. અમને તે ખબર નથી કે જગદીશ ચૌધરીએ કયા આધારે લાંચ માંગી છે. ચૌધરીએ તેના આયોજન અંગે કોઈને કશું જણાવ્યું ન હતું. હરિયાણા સ્ટેટ વિજિલન્સ બ્યૂરોએ પીઆઇ ચૌધરીના વ્યવહાર અંગે લખ્યું છે અને અમે હવે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ને પણ તેમની સામે શિસ્તભંગના ગલાં લેવા કહીશું, તેમા તેમના સસ્પેન્શનનો પણ સમાવેશ થાય છે.

વિજિલન્સના અધિકારીઓના જણાવ્યા મુજબ ચૌધરીએ બનાવટી ડિગ્રી અને માર્કશીટના આરોપીમાંના એકના સંબંધી અમરીશ પુરી પાસેથી બે લાખની લાંચ માંગી હતી. પુરીના સંબંધીઓએ આ અંગે તરત જ વિજિલન્સનો સંપર્ક કર્યો હતો અને તેના પગલે આ છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

Your email address will not be published.