ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ સ્થિત કોરેટી ગામમાં એક તળાવનું પાણી અચાનક ગુલાબી થઈ ગયુ છે. ગામના લોકો એ જોઈને ચોંકી ગયા, કારણ કે આજસુધી ક્યારેય અહીં પાણી ગુલાબી નથી થયું. હવે આ ખબર ફેલાતા જ આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ગુલાબી પાણીને જોવા માટે આવી રહ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્રને આ ઘટનાના સમાચાર મળતા તેઓ પાણીની તપાસ માટે સ્થળ પર પહોંચ્યા અને પાણીના નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા.
તહસીલ વિકાસ અધિકારી કે.એ.ભાટિયાના જણાવ્યા અનુસાર, “જ્યારે અમને પાણી ગુલાબી થવાની માહિતી મળી, અમે તરત જ તપાસ માટે એક ટીમને ત્યાં મોકલી અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે લોકોને કહેવામાં આવ્યું છે કે હાલમાં આ પાણીનો ઉપયોગ કોઈપણ કારણસર ન કરવો જોઈએ.”
ગામના લોકોનું કહેવુ છે કે, તળાવમાં પાણી કોઈ બીજી જગ્યાએથી નથી આવતું. અહીં વરસાદનું પાણી ભેગું થાય છે જે આખુ વર્ષ ગામના લોકો અને પશુઓના ઉપયોગમાં આવે છે. ગામના લોકો આ ગુલાબી પાણીને નજીકમાં આવેલા મહાદેવના મંદિરનો ચમત્કાર માને છે.
“ગામવાસીઓ માને છે કે આ એક ચમત્કાર છે, પરંતુ, નિષ્ણાતોનું માનવુ છે કે ગામના તળાવમાં ગટરનું પાણી પણ ભેગુ થતુ હશે, જેના કારણે કેમિકલ રિએક્શન થયુ અને પાણીનો રંગ ગુલાબી થઈ ગયો હશે.
આ પણ વાંચો: રાજકોટના હીરાસર ખાતે રૂ.1,405 કરોડના ખર્ચે અપાય રહ્યો છે નવા એરપોર્ટને આકાર