ગુજરાતી ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહ LGBT સમુદાય માટે નવું શું કરી રહ્યા છે?

| Updated: June 28, 2021 1:01 am

ગુજરાતના એલજીબીટી સમુદાયને ટૂંક સમયમાં એક નવીનતાભરી ભેટ મળવાની છે. સમલૈંગિકો માટે મહત્ત્વના દિવસ ‘પ્રાઈડ ડે’ની પૂર્વસંધ્યાએ ‘વાઈબ્સ ઓફ ઇન્ડિયા’ જણાવે છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં એક વિશિષ્ટ ક્વિર બાગ (એલજીબીટી સમુદાય માટે કોમ્યુનિટી હોમ) શરૂ થવાનું છે. વિશ્વના સૌપ્રથમ ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ દ્વારા આ ક્વિર બાગનો વિચાર રજુ કરવામાં આવ્યો છે.

આ ક્વિર બાગ અમેરિકન એલજીબીટી કોમ્યુનિટી સેન્ટરથી પ્રેરિત છે. વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા માનવેન્દ્ર સિંહે જણાવ્યું કે, “ક્વિર બાગથી એલજીબીટી સમુદાયને ટેકો મળશે, ખાસ કરીને જેઓ નબળી સ્થિતિમાં છે. તેમાં એવા લોકો પણ સામેલ છે જેઓ ઘરેથી ભાગી ગયા છે અથવા એલજીબીટી હોવાના કારણે જેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.”

માનવેન્દ્ર સિંહે જણાવ્યા પ્રમાણે તેમના બોયફ્રેન્ડ ડીઆંદ્રે રિચર્ડસનને આ વિચાર આવ્યો હતો. તેમણે 2013માં લગ્ન કર્યા હતા. તેઓ સૌથી પહેલાં 2009માં મળ્યા હતા. ડીઆંદ્રે રિચર્ડસન મૂળ અમેરિકન છે. તેમને શાહી પરિવાર દ્વારા ‘ડ્યૂક ઓફ રાજપીપળા’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ક્વિર બાગનો મૂળ વિચાર માત્ર ટ્રાન્સજેન્ડર માટે રિટાયરમેન્ટ હોમનો હતો. પરંતુ હવે તે સામુદાયિક કેન્દ્ર હશે. એલજીબીટી સમુદાય માટે ભારત ઐતિહાસિક કેન્દ્ર બનવા તરફ છે. ક્વિર બાગ પહેલેથી ટ્રાન્સજેન્ડર લોકો માટે 10 બેડની ડોર્મેટરી ચલાવે છે.

માનવેન્દ્ર સિંહની 10 એકર જમીન પર ક્વિર બાગ બની રહ્યું છે. એક એનઆરઆઈ ટ્રાન્સ લેડી રિયા પટેલના દાનથી લાઈબ્રેરી બનાવાઈ છે. રિયા ક્વિર બાગમાં એક જૈવિક ફાર્મ પણ વિકસાવી રહ્યાં છે. હાલમાં ગોહિલ અને પટેલ પોતાના નાણાં લગાવી રહ્યા છે. આ અંગે ગોહિલ કહે છે કે “એલજીબીટી લોકો ક્વિર બાગની જમીન એલજીબીટી લોકો લિઝ પર લે તેના માટે તેઓ તૈયાર છે. પરંતુ હજુ સુધી કોઈએ રસ દેખાડ્યો નથી.”

ગોહિલે કોરોનાનો મોટા ભાગનો ગાળો ક્વિર બાગમાં ગાળ્યો છે. રાજપીપળાના રાજવી પરિવાર માટે આ એક જમાનામાં ઉનાળાની સિઝન માટે હવેલી હતી. અહીં ભારતના વાઈસરોય લોર્ડ વેલિંગ્ટન અને જેમ્સ બોન્ડ ફેમ ઇયાન ફ્લેમિંગ પણ મુલાકાતે આવી ગયા હતા. તેઓ કહે છે કે “70 ટકા કામ થઈ ગયું છે. આર્કિટેક્ચરના ઘણા વિદ્યાર્થીઓ આ સ્ટ્રક્ચર જોવા આવી ગયા છે. તેમાં ઓરોવિલેના વિદ્યાર્થીઓનું જૂથ પણ સામેલ છે.”

ગોહિલ હાલમાં કેમ્પસની લાઈબ્રેરીને આખરી ઓપ આપી રહ્યા છે, જેના માટે કેલિફોર્નિયા સ્થિત 85 વર્ષીય એનઆરઆઈ સુરેન્દ્ર બારોટે ડોનેશન આપ્યું છે. બારોટ પણ મૂળ રાજપીપળાના છે. અહીની લાઈબ્રેરીના પુસ્તકો મુંબઈ સ્થિત એલજીબીટી મિત્રોએ આપ્યા છે. તાજેતરમાં ગુજરાત સરકારના એક અધિકારીએ તેમને બાર્બેક્યુ ઓવન આપ્યું છે.

ક્વિર બાગ હનુમંતેશ્વર તરીકે ઓળખાતી સુંદર જગ્યાએ આવેલું છે, આ નામ નજીકના મંદિર પરથી આવ્યું છે. રોગચાળો અંકુશમાં આવે ત્યાર પછી અહીં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્કશોપ પણ યોજાશે.

એસ્ટેટના મેનેજર રિયા પટેલે કહ્યું કે અમે એક સાથે 10 પ્રોજેક્ટ શરૂ કર્યા છે. હાલમાં અમારી પ્રાથમિકતા ચોમાસા માટે સજ્જ થવાની છે કારણ કે ચોમાસામાં અહીં ભારે પાણી આવશે.

36 વર્ષીય રિયા પટેલ ટ્રાન્સજેન્ડર અને એનઆરઆઈ છે. તેઓ મૂળ ખેડાના છે અને ગોહિલ સાથે જોડાતા અગાઉ યુએસમાં સફળ બિઝનેસ ચલાવતા હતા. તેઓ 10થી 15 એકર જગ્યાને ઓર્ગેનિક ફાર્મ બનાવવા કામ કરી રહ્યા છે. તેના માટે જંગી રોકાણ પણ કર્યું છે.

Riya Patel

તેઓ કહે છે કે “હું અહીં આવી ત્યારે આ જમીન ઉજ્જડ હતી. હવે અહીં શાકભાજી અને ફળ ઉગાડવામાં આવે છે. તેનાથી ક્વિર બાગની કામગીરી માટે આવકનો સપોર્ટ મળશે.” ક્વિર બાગના મિશનને આગ વધારવામાં ગોહિલના બોયફ્રેન્ડનો મોટો ફાળો છે. ગોહિલના એક સ્વજને રિચાર્ડસનને “ડ્યુક ઓફ હનુમંતેશ્વર”નું બિરુદ આપ્યું હતું.

તેઓ કહે છે કે હવે અમે અમેરિકન એલજીબીટી કોમ્યુનિટી સેન્ટરનું મોડલ અપનાવી રહ્યા છીએ. કોરોના મહામારીની શરૂઆતમાં રિચર્ડસન અમેરિકા જતા રહ્યા. હવે તેઓ ફ્લોરિડામાં હનુમંતેશ્વર બ્રાન્ડ હેઠળ “મેડ ઇન ઇન્ડિયા” ફેશન પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. તેઓ ક્વિર બાગ માટે વધારે આવક પેદા કરવા પ્રિન્સ ગોહિલ માટે પેઈડ વક્તવ્યોનું આયોજન કરી રહ્યા છે. ભૂતકાળમાં માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ ગોહિલના વક્તવ્ય માટે કોન્ફરન્સ યોજી હતી. તેની આવક ક્વિર બાગ પ્રોજેક્ટ માટે રોકવામાં આવી હતી.

માનવેન્દ્ર સિંહ ગોહિલ કોણ છે?

માનવેન્દ્ર સિંહ ભારત અને વિશ્વના પ્રથમ ગે પ્રિન્સ છે. આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવતા પહેલા તેઓ મુશ્કેલ અને પડકારજનક સમયમાંથી પસાર થયા છે. તેઓ ગે પ્રિન્ટ મેગેઝિન ‘ફન’ના તંત્રી છે, જેનું પ્રકાશન રાજપીપળાના પેલેસમાંથી થાય છે.

23 સપ્ટેમબર 1965ના રોજ જન્મેલા માનવેન્દ્ર પાજપીપળાના રાજવી પરિવારના એકમાત્ર સંતાન છે. તેમના વાલીઓએ 90ના દાયકામાં એક યુવતી સાથે તેમના લગ્ન કરાવ્યા હતા, પરંતુ દેખીતી રીતે જ આ લગ્નજીવન ટક્યું ન હતું. શરૂઆતમાં ખચકાટ પછી ગોહિલના માતાપિતાએ તેમની જાતીય પસંદગી સ્વીકારી હતી. જોકે, રૂઢિચુસ્ત રાજપુત રાજવી પરિવાર એક બાબતમાં સ્પષ્ટ હતું કે માનવેન્દ્ર આ વાત કોઈ સમક્ષ જાહેર નહીં કરે. છતાં 2006માં માનવેન્દ્ર સિંહે પોતાનું જાતીય વલણ જાહેર કર્યું હતું, જેથી પરિવાર અને સમુદાયમાં હોબાળો મચી ગયો હતો.

2006માં ઓપ્રા વિન્ફ્રેએ તેમને પોતાના શો માટે આમંત્રિત કર્યા ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થઈ ગયા હતા. માનવેન્દ્ર આ શોમાં પોતાના રાજવી પરિધાનમાં ગયા હતા અને એલજીબીટી સમુદાય તરફથી આંતરરાષ્ટ્રીય પ્રસંશા મેળવી હતી. ઓપ્રાના શોમાં તેમણે કહ્યું કે “મેં તે સમયે મારું સ્વાતંત્રય જોખમમાં મૂક્યું હતું. તે સમયે હોમોસેક્યુઆલિટી સજાપાત્ર ગુનો હતો અને 10 વર્ષ સુધીની સજા થઈ શકતી હતી.”

તેઓ ઓપ્રાના શોમાં ત્રણ વખત ચમકી ચુક્યા છે, જે કોઈ પણ ભારતીય માટે એક રેકોર્ડ છે. 2008માં માનવેન્દ્રે સ્ટોકહોમ અને સાઓ પાઉલોમાં સજાતીય લોકો માટેની પરેડનું ઉદઘાટન કર્યું હતું. તેઓ રાજપીપળામાં પોતાના પાર્ટનર ડીઆંદ્રે અને છ કૂતરા સાથે રહે છે.

Your email address will not be published.