દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન : રાવણના દમદાર અભિનયથી હતા લોકપ્રિય

| Updated: October 6, 2021 2:09 am

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ટીવી સીરીયલ રામાયણમાં લંકાપતિનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું હતું.

અરવિંદ ત્રિવેદી રામાનંદ સાગરની ટીવી સીરીયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવીને ગુજરાત જ નહી સમગ્ર દેશમાં ખુબ જ જાણીતા બન્યા હતા. અરવિંદ ત્રિવેદીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં તેમના દમદાર અભિનય થકી ખુબ જ નામના મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ટીવી સીરીયલમાં પણ અભિનય કર્યો હતો.

અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની હતા. તેઓ અસલ જીવનમાં રામ ભક્ત અને શિવ ભક્ત હતા. ટીવી સીરીયલ રામાયણમાં રાવણની ભૂમિકામાં તેમણે જીવ રેડી દીધો હતો. જયારે ટીવી સ્ક્રીન પર તેમની દમદાર એન્ટ્રી થતી તેમના અભિનયથી લોકોને પણ રાવણની પ્રબળ શક્તિ અને બળનો આભાસ થઇ જતો.

અરવિંદ ત્રિવેદીએ અત્યાર સુધીમાં 250થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં. જે બાદ તેઓ 2002માં ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન પણ રહી ચુક્યા હતા.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના દિવસોમાં રામાયણ સીરીયલ ફરીથી દુરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. ૩૩ વર્ષ પછી પણ આ ટીવી સીરીયલે ટીઆરપીના અનેક રેકોર્ડ તોડ્યા હતા. તે સમયગાળા દરમિયાન પણ અરવિંદ ત્રિવેદીનો ટીવી પર રામાયણ જોતો એક વિડીયો સામે આવ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *