હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ મહિલાના વાળ પર થૂંકતો પકડાયો, એક દિવસ બાદ માંગી માફી

| Updated: January 8, 2022 2:18 pm

દેશના સૌથી લોકપ્રિય હેર સ્ટાઇલિસ્ટમાંના એક “જાવેદ હબીબ”નો ટ્વિટર પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા બાદ વિવાદની વચ્ચે ફસાઈ ગયા છે. જેમાં તેઓ હેરકટ દરમિયાન એક મહિલાના માથા પર થૂંકતા જોવા મળ્યા હતા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ટ્રેનિંગ સેમિનાર દરમિયાન હબીબ બધાની સામે એક મહિલાના માથા પર થૂંકતા જોવા મળ્યા હતા. તે કહે છે કે તેના વાળ સૂકા છે. તે મજાકમાં એમ પણ કહેતા સંભળાય છે કે, તેના થૂંકમાં શક્તિ છે. જોકે, અત્યાર સુધી વીડિયો અને તારીખની પ્રામાણિકતાની પુષ્ટિ થઈ શકી નથી.

વીડિયોમાં એક મહિલા સ્ટેજ પર સલૂનની ખુરશી પર બેઠેલી હતી. ટ્રેનિંગ સેમિનારમાં હાજર લોકોને હેરકટિંગ ટિપ્સ આપતી વખતે હબીબ કહે છે, “તુમ્હારે બાલ ગંદે હૈ”. ગંદે ક્યોં હૈં? “ક્યોંકી શેમ્પૂ નહીં લગયા હૈ. ધ્યાન સે સુનો… અગર પાની કી કમી હૈ ના..” ત્યારબાદ હબીબ મહિલાના માથા પર થૂંકે છે, અને ટોળા તરફ આગળ વધે છે, કહે છે, “અબ્બે ઇઝ થુંક મે જાન હૈ.” આ દરમિયાન ત્યાં હાજર લોકો તાળીઓ પાડતા અને હસતા સંભળાય છે.

જોકે, આ સેમિનારના એક દિવસ બાદ જાવેદ હબીબે માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, તે ‘રમૂજી ઇરાદા’ સાથે કરવામાં આવ્યું હતું. આ માફી તેમણે એક વિડિયો દ્વારા માંગી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, વર્કશોપ દરમિયાન આવી બાબતો ઘણીવાર ‘રમૂજી’ ઇરાદાથી કરવામાં આવે છે. પરંતુ તેમણે કહ્યું હતું કે, જો કોઈને ઠેસ પહોંચી હોય તો તેઓ દિલગીર છે.

“મારા સેમિનાર દરમિયાન મેં બોલેલા કેટલાક શબ્દોએ કેટલાક લોકોને નુકસાન પહોંચાડ્યું છે. હું ફક્ત એક વાત કહેવા માંગુ છું કે, આ વ્યાવસાયિક વર્કશોપ છે. જેમાં આપણા વ્યવસાયની અંદરના લોકો ભાગ લે છે. જ્યારે આ સેશન ખૂબ લાંબા હોય છે ત્યારે, આપણે તેમને રમૂજી બનાવવા પડે છે. હું શું કહી શકું? જો તમને ખરેખર દુઃખ થયું હોય, તો હું દિલથી માફી માગું છું. કૃપા કરીને મને માફ કરો. હું દિલગીર છું.”

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય મહિલા પંચે ગુરુવારે જણાવ્યું હતું કે, તેમણે આ ઘટનાની નોંધ લીધી છે અને અધ્યક્ષ રેખા શર્માએ ઉત્તર પ્રદેશના ડીજીપીને પત્ર લખીને આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

એનસીડબ્લ્યુના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે, “આ ઘટના આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પણ કરે છે. જેમાં કોવિડ રોગચાળાને પગલે જાહેરમાં થૂંકવું એ શિક્ષાને પાત્ર ગુનો છે.”

આ દરમિયાન વિડિયોમાં પૂજા ગુપ્તા તરીકે ઓળખાતી મહિલાએ જણાવ્યું હતું કે, હબીબે તેને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવી હતી અને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે, “મેં ગઈકાલે જાવેબ હબીબ સરના સેમિનારમાં હાજરી આપી હતી. તેણે મને વાળ કાપવા માટે સ્ટેજ પર આમંત્રણ આપ્યું હતું. તેણે ગેરવર્તણૂક કરી. તેમણે બતાવ્યું કે જો તમારી પાસે પાણી ન હોય તો તમે થૂંકનો ઉપયોગ કરી શકો છો. મેં વાળ કાપ્યા નથી. હું રસ્તાની બાજુના હેરડ્રેસર પાસેથી વાળ કાપવા જઈશ પરંતુ જાવેદ હબીબ પાસે નહીં”.

Your email address will not be published.