ગુજરાતમાંથી વહેલી વિદાય લેશે ગરમીઃ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ

| Updated: May 23, 2022 12:20 pm

અમદાવાદઃ ગુજરાતીઓને આ વખતે કાળઝાળ ગરમીમાંથી વહેલા રાહત મળી શકે છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. તેની સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો હોવાનું પણ માનવામાં આવે છે.

હાલમાં વાતાવરણમાં આવેલો પલટો દર્શાવે છે કે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી જશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં લોકોને હાશકારો થયો છે. જો કે રાજ્યમાં હવે હાલમાં ક્યાંય હીટ વેવની આગાહી નથી. હવે રાજ્યના બાકીના સમયગાળા દરમિયાન ક્યાંય અંગ દઝાડતી ગરમી જોવા નહી મળે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ પવન ફૂંકાવવાના લીધે રાજ્યને ગરમીમાંથી રાહત મળી છે. તેની સાથે-સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડે તેવી આગાહી પણ છે. જ્યારે સોમવારે તો દિલ્હી અને નોઇડામાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હાલમાં તો અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડી શકે છે.

આ વખતે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ ગુજરાતમાં મે મહિનાના અંત સુધી ગરમી તો રહેશે, પરંતુ તે કાળઝાળ નહીં હોય. તેમા વધઘટ જોવા મળશે. આ ઉપરાંત કેરળમાં 26મેથી ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમા 10થી 15 જુન તથા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 15થી 21 જુન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે.

રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હિંમતનગરમાં વહેલી સવારથી જ વાતાવારણ વાદળછાયુ બન્યું છે. તેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દિવસે ગરમી હોય છે, પરંતુ વહેલી સવારે પવન અને વાદળોના લીધે ઠંડક જોવા મળી રહી છે.

Your email address will not be published.