ગુજરાતમાં કાળઝાળ ગરમી, તો બિહાર સહિત અન્ય રાજયોમાં વરસાદથી વિનાશ, સેંકડો ગામોએ જળ સમાધિ લીધી

| Updated: May 21, 2022 3:51 pm

બિહાર, આસામ અને કર્ણાટકમાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે પુરના કારણે આસામમાં સ્થિતિ સૌથી ખરાબ થઈ રહી છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

દેશના કેટલાક ભાગોમાં હીટવેવ, વરસાદ, પૂર અને વીજળીએ કહેર મચાવ્યો છે. કેટલાક ભાગોમાં, જ્યાં લોકો સખત ગરમી સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદથી વિનાશ થયો છે. બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં 33 લોકોનાં મોત થયાં હતાં.

આ દરમિયાન આસામના ચાર જિલ્લા- નાગાંવ, હોજઈ, કછાર અને દરાંગમાં પૂરથી સ્થિતિ ગંભીર બની હતી. અત્યારસુધી અહીં પૂર અને વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ 500 લોકો રેલવેટ્રેક પર રહેવા મજબૂર બન્યા છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમુનામુખ જિલ્લાના બે ગામના 500થી વધુ પરિવારોએ રેલવેટ્રેક પર કામચલાઉ આશરો લીધો છે. એકલા નાગાંવ જિલ્લામાં 3.36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં 1.66 લાખ, હોજઈમાં 1.11 લાખ અને દરાંગ જિલ્લામાં 52709 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયાં છે. સીએમ નીતીશ કુમારે દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારજનોને રૂ. 4 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય હવામાન વિભાગ દ્વારા એવું કહેવાયું છે કે શનિવાર અને રવિવારે કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. એનું કારણ એ છે કે હવે અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે.

કર્ણાટકમાં પ્રી-મોન્સૂનની દસ્તકને કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે સ્થળોએ પાણી ભરાવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી, જેને કારણે નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.

વરસાદને કારણે 23 મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહેસૂલમંત્રી આર. અશોકે કહ્યું કે ચિકમંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈએ બેંગલુરુના વરસાદથી અસરગ્રસ્ત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કર્ણાટકમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે બે દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાએ ઉત્તરા કન્નડ જિલ્લામાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે.

Your email address will not be published.