રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદની વચ્ચે ચારના મોત થયા છે. રાજકોટના શાપર-વેરાવળ જોડેના વિસ્તારમાં મધ્યપ્રદેશના શ્રમિકના બે બાળકો તણાઈ ગયા હતા. તેઓ કચરો વીણતા હતા અને ગુરુવારે પણ કચરો જ એકત્રિત કરવા નીકળ્યા હતા. પણ ઘરે પરત ફર્યા ન હતા. પાંચ વર્ષના અર્જુન બારિયા અને તેના નવ વર્ષના ભાઈ અશ્વિનનો મૃતદેહ શુક્રવારે તળાવ નજીકથી મળી આવ્યો હતો.
આ ઉપરાંત મોરબી ખાતેના બેલા રંગપર ખાતેના સીરેમિક ઉદ્યોગના બે કામદારો પણ આ સરોવરમાં તણાઈ ગયા હતા. તેઓ સરોવરમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ ટાઉનમાં લાલપુર અંડરપાસ ખાતે ખાનગી યુનિવર્સિટીની બસ ફસાઈ ગઈ હતી. મ્યુનિસિપાલિટીની ટીમે વિદ્યાર્થીઓને બચાવ્યા હતા.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં લોધિકા ખાતે મજૂરોને લઈ જતી ટ્રાન્સપોર્ટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કાર ફોફળ નદીના કોઝવેમાં ફસાઈ ગઈ હતી. કેટલાક લોકો પોતાનું જીવન બચાવવા માટે કારની છત પર ચઢવામાં સફળ રહ્યા હતા. ગામવાસીઓ તેમના બચાવ માટે આવ્યા હતા અને દોરડા ફેંકી તેમને બચાવ્યા હતા.
ગીરના જંગલ અને જૂનાગઢના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા નદીનાળા છલકાઈ ગયા હતા. તેના લીધે જિલ્લા વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તાલુકાઓ અને ગામોના લોકોને સલામત સ્થળે જવા ચેતવણી આપી છે. માણાવદર તાલુકામા 106 મિલીમીટર અને જૂનાગઢ શહેર અને તાલુકામાં 82 એમએમ વરસાદ નોંધાવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ માલિયા હટિના અને વંથળી તાલુકામાં 75 અને 82 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં આનંદપર ડેમમાં ઓઝત જળાશયમાં અવિરત વરસાદના લીધે નવુ પાણી આવ્યું છે. આ જળાશય જૂનાગઢને પાણી પૂરુ પાડે છે. આ જળાશય હવે છલકાવવા લાગતા આનંદપર, સુખપુર અને નાગલપુર ગામમાં ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે જવા અત્યારથી કહી દેવાયું છે.
આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં આગામી અઠવાડિયામાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ ખાતે ભારે વરસાદની આગાહી કરી છે. આને લઈને એનડીઆરએફની ટીમ અત્યારથી જ સાબદી કરી દેવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.