ભાજપ અને એઆઇએમઆઇએમની સાંઠગાંઠના આ રહ્યા પુરાવા

| Updated: April 28, 2022 2:03 pm

શમશાદ પઠાણ પક્ષની અંદર રહીને પોતાનું સંગઠન બનાવતા હતાઃ સાબીર કાબલીવાલા

અમદાવાદઃ તાજેતરમાં એઆઇએમઆઇએમાં જોડાયા પછી સાગમતટે રાજીનામા આપનારામાં ભૂતપૂર્વ ઉપપ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે આરોપ મૂક્યો છે કે ભાજપ અને એઆઇએમઆઇએમ વચ્ચે સાંઠગાંઠ છે. તેમનું કહેવું છે કે એઆઇએમઆઇએમ ભાજપની બી ટીમ જ છે. તેથી આ પ્રકારની હકીકત તેમના અને તેમની સાથે જોડાયેલા બીજાઓના ધ્યાન પર આવતા તેઓએ એઆઇએમઆઇએમમાંથી રાજીનામુ આપ્યું હતું.

આ પહેલા તેઓએ સાબીર કાબલીવાલા તેમની મનમરજી ચલાવે છે અને કોઈની સાથે સલાહમસલત કર્યા વગર નિર્ણય લે છે તેમ કહી રાજીનામુ આપ્યુ હતુ. પઠાણના આ આરોપ સામે એઆઇએમઆઇએમના વડા સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે શમશાદ પઠાણ પક્ષની અંદર રહીને પોતાનું અલગ જ સંગઠન બનાવતા હતા. તેઓ પક્ષમાં અગિયાર મહિના રહ્યા તે દરમિયાન તેમણે આ જ કામ કર્યુ. હવે પક્ષ છોડીને ગયા પછી તેઓ હવે અમારા પર આક્ષેપ કરે છે, જે હકીકત નથી.

તેઓએ જણાવ્યું હતું કે અમે ફક્ત સાંઠગાંઠનો આરોપ જ મૂકતા નથી, પણ અમારી પાસે તેના પુરાવા પણ છે. તાજેતરમાં મોડાસા નગરપાલિકામાં ભાજપ લાખો રૂપિયાનો ખર્ચ ટેન્ડર વગર કરવા માટેનો ઠરાવ લાવ્યું તો કોંગ્રેસના સાત સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે આઇએમઆઇએમના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાના નગરસેવકોએ તેનું જબરજસ્ત સમર્થન કર્યુ. આનાથી વધારે મોટો પુરાવો કયો હોઈ શકે.

તેઓએ ભાજપનું યોગ્ય બાબત પર સમર્થન કર્યુ હોત તો વાંધો ન હતો, પરંતુ ટેન્ડર વગર જ બધો ખર્ચ કરી નાખવાની ગેરકાયદેસરની બાબતને પણ એઆઇએમઆઇએમે ટેકો આપ્યો તેની સામે અમને વાંધો છે. આ ઠરાવની તરફેણમાં ભાજપના 19 સભ્યોની સાથે એઆઇએમઆઇએમના આઠ સભ્યો હતા, જયારે કોંગ્રેસના સાત સભ્યોએ વિરોધ કર્યો હતો. સામાન્ય નિયમ એવો છે કે પાંચ હજારથી વધારે રકમનો ખર્ચ કરવાનો હોય તો તેના માટે યોગ્ય જરૂરી જોગવાઈઓનું પાલન કરવું પડે છે. અહીં આ પ્રકારની જોગવાઈઓનું જરા પણ પાલન થતું નથી.

આમ એઆઇએમઆઇએમના સભ્યો જો આટલા નીચા સ્તરે ભાજપને સમર્થન આપતા હોય તો પછી ટોચના સ્તરે તો બંને વચ્ચે કેવો સહયોગ હશે તે સમજવુ રહ્યુ. તેથી જ અમે સમયસર જાગી જઈને તેમાથી રાજીનામુ આપી દીધું છે. તેથી એઆઇએમઆઇએમને ભાજપની બી ટીમ કહેવામાં કશું ખોટું નથી. તેથી બંને પક્ષો એકબીજા સામે કાદવ ઉછાળીને તેમની વોટબેન્ક મજબૂત બનાવી રહ્યા છે, પણ તકલીફ બીજાને છે. તેમનું વોટબેન્ક પોલિટિક્સ બીજાને નડી શકે છે.

Your email address will not be published.