દોષનો ટોપલો પ્રજાના માથે: જયારે ચૂંટણી નજીક આવે ત્યારે જ ગુજરાત બળે, કેમ?

| Updated: April 16, 2022 8:27 pm

રામનવમીના પવિત્ર દિવસે ગુજરાતમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામના જન્મ દિવસની ઉજવણીના ભાગરુપે શોભાયાત્રા પોલીસની મંજુરી લઇને કાઢવાનાં આવી હતી. જેમાની મોટા ભાગની શાંતિપૂર્વક રંગે-ચંગે નીકળી હતી, પરંતુ કમનશિબે ખંભાત અને હિંમતનગરમા શાંતિમાં પલીતો ચપાયો હતો. આ ઘટનામાં એક નિર્દોષ નાગરિક ભોગ બન્યો હતો. સંખ્યાબંધ લોકો ઘવાયા, દુકાનો-વાહનોને આગ ચાંપવામા આવી હતી. કેટલાએ કુટુંબોની ઘરવખરી બળીને ખાખ થઇ અને કેટલાએના ધંધા રોજગાર છીનવાઇ ગયા.

આજે સંખ્યાબંધ કુટુંબોને એક એક ટંકના ખાવાના વાંધા છે. પવિત્ર નગરી દ્વારકામાં પણ આવું એક છમકલું થયું હતું. ખંભાતના આ તોફાનો પૂર્વ આયોજીત અને તેની પાછળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન “કનેકશન” હોવાની માહિતી પોલીસના ઉચ્ચ અધિકારીએ આપી છે. આ અતિ ગંભીર વાત છે. હિંમતનગરના તોફાનોનું કાવત્રુ અમદાવાદના તાત્વોએ ઘડ્યું હોવાની વાત પણ બહાર આવી છે.

અત્રે યાદ આપાવવું જરુરી છે કે, દસકાઓ પહેલા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોમી-તોફાનો છાશવારે થતા. ક્યારેક લશ્કર પણ બોલાવવું પડતું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગોધરાના બનાવ પછી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં ભારે કત્લેઆમ અને આગજનીના અનેક બનાવો બન્યા હતા. જેથી ગુજરાત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ભારે બદનામ થયું હતું તે વાત સહુ જાણે છે.

આ બનાવો પછી સરકારે એવા પગલા ભર્યા કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી સાવ સામાન્ય એકલ-દોકલ છમકલાં સિવાય ગુજરાતે શાંતિનો શ્વાસ લીધો હતો. તે સમયે પણ ભાજપની સરકાર હતી અને આજે પણ ભાજપની જ સરકાર છે.

તાજેતરના આ તોફાનો પાછળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો હાથ હોવાની શંકા જવાબદાર પોલીસ અધિકારીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કરી તે તો અતિ ગંભીર વાત છે, સમગ્ર રાષ્ટ્ર માટે ખતરાની ઘંટી સમાન ગણાય. જવાબદાર પોલીસ અધિકારીએ જ્યારે પત્રકારો સમક્ષ આ શંકા જાહેર કરી છે ત્યારે આ વાતના મુળ સુધી પહોંચવાની જવાબદારી કેન્દ્ર સરકારની બને છે.

આ તોફાનો વિશે જે જાહેર કરાયુ છે તેમાં રામનવમી પહેલા બે-ત્રણ દિવસથી તોફાનો કરવાના કાવત્રાના ભાગરુપે એટલે તેના પ્લાનીંગ માટે મિટીંગો કરવામાં આવતી હતી. આ મિટીંગોની વાત પોલીસ અને સત્તાવાળાઓને હવે ખબર પડી ? આ તોફાનો કરવા બહારથી ગુંડા કે તોફાનો કરી શકે તેવી વ્યક્તિઓને બોલાવી લેવાય હતી તેમ પણ કહેવાયું છે. આજ રીતે ચોક્કસ લોકો પોતે ખંભાતમાં રહ્યા અને તેમના કુટુંબોને બહાર મોકલી દીધા હતા તે ઉપરાંત કેટલીક એવી ઘટના પણ બની હતી જે ભાઇચારા- કોમી એકતા જે દર વખતે બતાવવાનાં આવતી તેને બ્રેક મારવામાં આવી હતી.

આ વાત પ્રજાની સલામતીની જવાબદારી જેમના શિરે છે તેમને હવે એટલે તોફાનો થયા પછી ખબર પડી? અત્યાર સુધી શું કરતા હતા? આજ રીતે જવાબદાર પોલીસ અધિકારી બીજા કેટલાક રહસ્યો હવે ખુલ્લા કરે છે તે મુજબ પાક. અફઘાનિસ્તાનના હાથ-દોરી સંચાર સહિતની બધી વાતો માની લઇએ તો બીજા ઘણા સવાલ ઉભા થાય છે.

ગુજરાત સરકારના પોલીસ ખાતામાં સ્ટેટ ઇન્ટ્લીજન્સ નામની એક લાંબી ચોડી શાખા છે, જેમાં કેટલા આઇપીએસ સહિત એસપી ડીવાયએસપી ઇન્સ્પેક્ટરો સબઇન્સ સમેત મોટું લશ્કર કરોડો રુપિયાના ખર્ચે સમગ્ર રાજ્યમાં પથરાયેલું છે. આ આઇબીની ફરજ પોલીસ અને સરકારની ત્રીજી આંખ બનવાની અને નાની મોટી રાજકીય ઘટના, કોમી પ્રવૃતી, આંદોલનો સમેતની ઘટનાથી વાકેફ રાખવીની છે.

આજ રીતે દરેક જિલ્લાના પોલીસવડાના તાબામાં એલઆઇબી એટલે લોકલ ઇન્ટેલીજન્સ બ્રાન્ચ હોય છે, જેમાં એક પીઆઇ,પીએસઆઇ અને ડઝનથી વધુ પોલીસોનો સ્ટાફ સાથે હોય છે. તેમની ફરજ પણ આઇબી જેવી જ હોય છે. જે જિલ્લાના પોલીસ વડાને આવી ઘટનાઓથી સતત વાકેફ રાખી ત્રીજી આંખ બનતી હોય છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની આઇબી પણ આવી કામગીરી ઉપરાંત પરદેશ સાથે કામ પાડતા ગુન્હગારો, પાંચમી કતારીયા અને કોમી-દેશદ્રોહી પ્રવ્રૃતિ કરતા તત્ત્વો પર નજર રાખી કેન્દ્ર સરકારને વાકેફ કરે છે. ગુજરાતમાં આ બધી એજન્સીઓ અને તેના સેંકડોના સ્ટાફને સરકાર ફરજ પર રાખે છે.

આ બધુ હોવા છતાં આ કોમી બનાવો કેમ બંને છે ?

એક વાત એવી પણ કહેવાય છે કે સ્ટેટ આઇબીએ સરકારી ભાષામાં કહું તો થોડી “હિન્ટ” તો આપી હતી કે જાગતા રહેજો. આઇબીની વાત પર પોલીસ અને ગૃહ ખાતાએ થોડુ ધ્યાન તો આપ્યું લાગે છે કારણકે પોલીસ બંદોબસ્ત ઠીક ગોઠ્યો હતો પરંતુ તે પહેલા લેવા જોઇતા કડક-અસરકારક પગલા લેવામા સત્તાવાળા થાપ ખાઇ ગયા. ઉચ્ચ અધકારિઓ પુરતી કાળજી લેવામા બેદરકાર રહ્યા. આક્ષેપો તો એવા થાય છે કે અસામાજીક તત્વોની સરભરામાં વધુ રસદાખવ્યો તેથી આવા લોકોની ચાલ સફળ થઇ.ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે કે હલકુ લોહી હવાલદારનું. અહીં કોઈક પર જવાબદારીનો ટોપલો તો નાખવો જોઇએને? એટલે આ કિસ્સામાં ખંભાતના પીઆઇ જે.એમ. ચોધરીનો ભોગ લેવાયો અને તેમની બદલી કરવામાં આવી છે.

શું ખંભાતના તોફાનો માટે પીઆઇ ચોધરી એકલા જવાબદાર ?

આ તોફાનોમાં પોલીસે કેટલાક નિર્દોષ લોકોને પકડ્યા છે તેવા આક્ષેપો રાજકીય પક્ષોના આગેવાનો કરી રહ્યા છે. આ તોફાનોની સરકાર જો તટસ્થ તપાસ કરાવવા ઇચ્છતી હોય તો હાઈકોર્ટના સીટીંગ જ્જ દ્વારા તપાસ કરાવવી જોઇએ તેમ આ તોફાનોનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોની માંગ છે. બાકી રાજકીય પક્ષો આ કોમી આગમાં રોટલા શેકવાની તક જતી નહી કરે, તેમાં કોઇ પણ પક્ષ બાકી નથી. ગુજરાતમાં ચૂંટણી આવે છે એટલે કોઇ કસર નહીં છોડે. કોમી આગમાં દાઝેલા લોકોને ઠાલા વચનોની જરુર નથી તેમના ઘા રુઝાય તેની જરુર છે. તેમને નિવેદનો નહીં નક્કર પરિણામ જોઇએ છે. પહેલા એક ફળિયામાં પાસે પાસે રહેતા હતા, એક બીજાની બાજુમાં વેપાર ધંધા કરતા હતા અડધી ચા માથી બે ભાગ કરીને પીતા હતા તે વાતાવરણ પુઃન જોઇએ છે.

Your email address will not be published.