કેમ મનાવાય છે શિતળા સાતમનો તહેવાર?ઐતિહાસિક મહત્વ અને પરંપરા

| Updated: August 29, 2021 11:20 am

કોઈપણ ધર્મના તહેવાર અને સંસ્કૃતિ તેની ઓળખ હોય છે. તહેવાર ઉત્સાહ, ઉમંગ અને ખુશીઓનું સ્વરૂપ છે. લગભગ બધા જ ધર્મોમાં કેટલાક વિશેષ તહેવાર અને પર્વો હોય છે. શિતલા સપ્તમી અલગ અલગ ધર્મો અને સમુદાયમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે સિંધી સમાજ દ્વારા થિડીદી અને સતાવણીઓ, ગુજરાતમાં શીતળાસાતમ અને રાજસ્થાનમાં શીતલાસપ્તમી તો ઉત્તર ભારતમાં ‘બસૌડા’. શીતળા શબ્દોનું તાત્પર્ય છે ઠંડી, શીતલ. રક્ષાબંધનના આઠમા દિવસે આ તહેવારને હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે.

શિતલાસાતમનો ઈતિહાસ

વર્ષો પહેલા મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન શીતલા દેવીની મુર્તિ નીકળી હતી. માનવામાં આવે છે કે, આ પર્વ તેમની જ આરાધનામાં મનાવવામાં આવે છે. આ પર્વને લઈને અનેક પ્રકારની ભ્રાંતિઓ પણ વ્યાપેલી છે, કહેવાય છે કે, પહેલા જ્યારે અનેક પ્રકારના અંધવિશ્વાસ ફેલાએલા હતા ત્યારે પ્રાકૃતિક ઘટનાઓને દૈવીય પ્રકોપ માનવામાં આવતો. જેમ કે સમુદ્રીય તુફાનોને જળદેવતાનો પ્રકોપ, દુષ્કળગ્રસ્ત વિસ્તારમાં ઇન્દ્રદેવની નારાજગી માનવામાં આવતી. તે જ સમયે કોઈને (શિતળા-અછબડા) થયા હોય તો તો તેને દૈવી પ્રકોપમાં ખપાવવામાં આવતો. આવા સંજોગોમાં દેવીને પ્રસન્ન કરવા તેઓની સ્તુતિ કરવામાં આવતી. જેમાં શીતલા સાતમ/અષ્ટમીના પર્વે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે.

શિતળા સાતમમાં ખવાતા વ્યંજન

આ તહેવારના એક દિવસ પહેલા વિવિધ પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે. જેમ કે કૂપડ ગચુ તળેલા સુકા શાક, ભીંડા, કારેલા, બટાટા, રાયતુ, દહીંવડા, માખણ વગેરે. મુખ્યત્વે સિંધી પરિવારમાં કોકો, લોલો, ખટો ભત વગેરે વ્યંજન બનાવવામાં આવે છે.

શિતલા સપ્તમીનો પરંપરાગત રીતિ રિવાજ

જોકે પ્રાચીન સમય આ પર્વે પાડાની બલિ આપવામાં આવતી હતી.,પરંતુ સમયની સાથોસાથ તેમાં પરિવર્તન આવ્યુ. આજે એક દિવસ પહેલા ભોજન બનાવવામાં આવે છે અને રાતે સૂતા પહેલા ચુલ્હા પર પાણી છાંટવામાં આવે છે. જાતિ છે. સાતમના દિવસે ચૂલા ઠંડા રહે છે અને બધા ઠંડા ભોજનની લિજ્જત માણે છે.

શિતળા સાતમની પૂજા પણ બધા ધર્મમાં જુદા જુદી રીતે થાય છે. હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠી શિતળા માતાની પૂજા કરવામાં આવે છે તો બીજી બાજુ સિંધિ ધર્મમાં પરિવારના બધા સભ્યો, નહેર, કુવાઓ અથવા વાવ પર ભેગા થઈ શિતળા દેવીની પૂજા વિધિ કરે છે. ત્યારબાદ વડીલોના આશિર્વાદ લઈ પ્રસાદ ગ્રહણ કરે છે. સમયની સાથે આ પૂજાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. હવે ઘરોમાં પાણીનાં સ્ત્રોત જ્યા હોય ત્યાં આ પૂજા વિધી કરવામાં આવે છે. નાના બાળકોને તેમાં વિશેષ રૂપે સામેલ કરવામાં આવે છે અને માતાનું સ્તુતિ ગાન કરવામાં આવે છે.

ઠાર માતા

ખે ઠાર

માતા અગે બિ ઠારિયો થઈ હાણે

બિ ઠાર      

અર્થાત * હે માતા! મારા બાળકોને શીતળતા આપજો. પહેલા પણ તેમે આમ કર્યુ છે અને ભવિષ્યમાં પણ કરજો. આ સાથે જ ઘરના વડીલો બધા નાના સભ્યોને વિવિધ ભેટ આપે છે. થિદિરીના પર્વે ખાસ કરીને દીકરીઓને પિયર બોલાવી તહેવારમાં સામેલ કરાય છે.

પર્વો માનાવવાના સ્વરૂપો સમય પ્રમાણે બદલાતા રહે છે. સત્ય એ પણ છે કે, તહેવાર મનાવવાથી આપણે આપણી પરંપરાઓ સાથે જોડાએલા રહીએ છીએ.

Your email address will not be published. Required fields are marked *