હિટ એન્ડ રન કેસઃ હોમ ગાર્ડના સાત જવાનોની પૂછપરછ, 15 CCTV ફૂટેજની ચકાસણી

| Updated: July 2, 2021 5:04 pm

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પર્વ શાહની એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે આરોપી તેની કારને વધારે ઝડપે દોડાવતો હતો કે નહીં તેની તપાસ શરૂ થઈ છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે 29 જૂનની રાત્રે 12.30 વાગ્યે આ ઘટના બની હતી જેમાં ફૂટપાથ પર કાર ચઢાવી દેવામાં આવતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે બાળકો સહિત ચારને ઈજા થઈ હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ સિંધુ ભવન રોડથી બીમા નગર સુધી ઇન્સ્ટોલ કરાયેલા લગભગ 15 સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે. તેના પરથી ખબર પડશે કે બે કાર વચ્ચે રેસ હતી કે નહીં.

એક સિનિયર અધિકારીએ કહ્યું કે અમે કાળા રંગની વેન્ટો કારના ડ્રાઇવરને બોલાવ્યો હતો, જે પર્વ શાહની કાર પાછળ હતો. અમે વેન્ટો કારના ડ્રાઇવર ધીર પટેલ સામે કરફ્યુનો ભંગ કરવા બદલ કેસ નોંધ્યો છે કારણ કે તેઓ કોઈ પણ કારણ વગર રોડ પર હતા. સીસીટીવીના ફૂટેજ તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલાયા છે.

ફરિયાદી રૂપેશ ભાભોરે દાવો કર્યો હતો કે અકસ્માતના સ્થળેથી તેમણે એક આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો, પરંતુ ડીસીપી, (ટ્રાફિક) તેજસ પટેલે આ દાવો ફગાવી દીધો હતો. રૂપેશના દાવાની ચકાસણી માટે પોલીસે હોમ ગાર્ડના સાત જવાનોની પણ પૂછપરછ કરી છે જેઓ તે સમયે ફરજ પર હતા.

Your email address will not be published.