લોકડાઉનમાં કરેલા પ્રયોગ સફળ નીવડ્યો
દિબ્યેન્દુ ગાંગુલી
લંડનમાં યોજાનારી કન્સર્ટમાં કવિતા કૃષ્ણમૂર્તિ હોય, અનુપ જલોટા હોય, સુરેશ વાડકર હોય કે હરિહરન હોય બધાને તબલાવાદકની જરૂર પડે છે ત્યારે તેમના મોઢે એક જ નામ આવે છે આલોક વર્મા. અમદાવાદમાં જન્મેલા આ તબલાવાદકે લેજન્ડરી રોકબેન્ડ જેથ્રો ટુલના ઇયાન એન્ડર્સન અને વાંસળીવાદક રાકેશ ચોરસિયા સાથે પણ કામ કર્યુ છે. આજે તબલાવાદમાં આલોક વર્માનું એટલું મોટું નામ થઈ ગયું છે, કેમકે તે તબલા તે રીતે વગાડે છે જેને પ્રવર્તમાન મ્યુઝિકમાં કોઈએ વગાડ્યા નથી. યુકે સુધીના સફળ પ્રવાસ છતાં પણ 44 વર્ષીય આલોક વર્મા તેના મૂળિયા ભૂલ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં મને રેકોર્ડિંગ ઉદ્યોગ સાથે સાક્ષાત્કાર થવાની તક મળી હતી. મેં ત્યાં સ્થાનિક ગાયકો સાથે પણ પર્ફોર્મ કર્યુ છે. હું જ્યારે મોટો થતો હતો તે સમયે અમદાવાદ તે શહેરોમાં એક હતું જ્યાં લોકો મ્યુઝિક રેકોર્ડિંગ માટે આવતા હતા, એમ તેમનું કહેવું છે.

આલાોકના માતાપિતા બંને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)માં કામ કરતા હતા. બંને અમદાવાદમાં જાણીતા એમેચ્યોર મ્યુઝિશિયન હતા. તેમના પિતા અને સ્વ. હરીશ છૂંછા તબલા વગાડતા હતા અને માતા મીનાક્ષી ક્લાસિકલ સિંગર હતા. સ્ટેજ પર મારુ પ્રથમ પર્ફોર્મન્સ મારી માતા સાથે હતું. તેમણે તે સમયે એસબીઆઇ દ્વારા આયોજિત ફંકશનમાં પર્ફોર્મ કર્યુ હતું. હું તે સમયે 11 વર્ષનો હતો. બે વર્ષ પછી મેં ઓલ ઇન્ડિયા રેડિયો પર પર્ફોર્મ કર્યુ. બસ તે સમયે જ મેં નક્કી કરી નાખ્યું કે હું સંગીતને જ મારો વ્યવસાય બનાવીશ, એમ તેમનું કહેવું છે.

બસ તે જ સમયે મને મારી અટકમાં ફેરફાર કરવાનો વિચાર આવ્યો. છૂંછા નામ ઉચ્ચારવામાં ઘણુ મુશ્કેલ હતુ. કોઈપણ પ્રકારના પર્ફોર્મિંગ આર્ટિસ્ટ માટે આ નામ ઉચ્ચારવું અઘરુ હતુ. આ પ્રકારે અટકનું ઉચ્ચારણ મોટાભાગના લોકો ખોટી રીતે જ કરે છે. મારા માબાપ પણ મારી મુશ્કેલી સમજ્યા અને અમે અટક બદલીને વર્મા કરી. તે સમયે હું સ્કૂલમાં હતો. આપણા દેશમાં વર્મા અટક ઘણી સામાન્ય છે.
અંકુર હાઇસ્કૂલ અને એલજે કોમર્સ કોલેજના વિદ્યાર્થી આલોકે લંડન સ્કૂલ ઓફ કોમર્સમાં ઓર્ગેનાઇઝેશન બિહેવિયરમાં માસ્ટર્સ મેળવવા એડમિશન લીધુ હતું. મેં મારી માસ્ટર્સની ડિગ્રી તો મેળવી, પરંતુ લંડન આવવા પાછળ મારુ મુખ્ય કારણ સંગીતમાં કારકિર્દી બનાવવાનું હતું. તે સમયે લંડન પહોંચ્યા પછી સદનસીબે મેં ત્યાંના અખબાર ટાઇમ્સમાં એડ જોઈ હતી, તેમા લખ્યુ હતું તબલા પ્લેયર વોન્ટેડ. આ બેન્ડનું નામ ફ્યુઝિંગ નેક્ડ બીટ્સ હતું. આ રીતે મારી કારકિર્દીનો પ્રારંભ થયો, એમ તેણે કહ્યું હતું.
આલોકે સંગીતને વ્યવસાય તરીકે સ્વીકાર્યુ તે અંગે તેની માતા શું કહે છે, શું પહેલા તેણે ક્યારેય આ પ્રકારની વાત સાંભળી હતી?તેમણે જણાવ્યું હતું કે મને તેના પર ગૌરવ છે. તે તેની ઉત્કટ ઇચ્છાને અનુસર્યો છે અને તે વ્યવસાયિક રીતે બધું યોગ્ય કરી રહ્યો છે.

આલોકે તેના પછી બીજા કેટલાય બેન્ડ સાથે કામ કર્યુ, પરંતુ લાંબો સમય તે બોરિસ ગ્રેબેન્શિકોવ સાથે જોડાયેલા રહ્યા. તેઓ રશિયન રોક મ્યુઝિકના સ્થાપક મનાય છે. બોરિસ પછી એશિયન ફ્યુઝન મ્યુઝિક તરફ વળ્યા હતા, જ્યાં તબલા આવશ્યક અંગ છે. આલોક 2008માં બોરિસ સાથે જોડાયા હતા અને ચાર વર્ષ સુધી બેન્ડની જોડે પ્રવાસ કર્યો હતો અને રશિયા તથા યુરોપમાં પર્ફોમન્સ કર્યુ હતું. આ કોન્સર્ટમાં જંગી મેદની ઉમટતી હતી. મને યાદ છે કે કઝાનમાં ક્રીયેશન ઓફ પીસ ફેસ્ટિવલમાં મેં પર્ફોર્મન્સ કર્યુ તેમા બે લાખની મેદની હતી.
રોગચાળાના લીધે કોન્સર્ટ વગેરે બધુ થંભી ગયુ હતુ ત્યારે આલોકે આ સમયનો ઉપયોગ તબલા સાથે પ્રયોગ કરવામાં કર્યો. તેમા તબલાની સાથે આરસી505 લૂપર નામનું વાદ્ય જોડ્યુ. લોકોએ ગિતારિસ્ટ અને ગાયકોને લૂપરનો ઉપયોગ કરતાં જોયા છે, પરંતુ તબલાની સાથે ક્યારેય જોયા નથી. તેના લીધે મને સમગ્ર વિશ્વમાં જબરજસ્ત ઓડિયન્સ મળ્યું. મારા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા. આજે આ પ્રયોગના લીધે તબલાવાદનમાં મારી માંગ વધી છે.