Site icon Vibes Of India

હિંદુત્વ કેવી રીતે હિંદુઓને જ નુકસાન કરશે?

 વાત 1980 ના દાયકાની છે. શ્રીલંકાના નૃવંશશાસ્ત્રી એસ.જે. તાંબિયા તેમના દેશમાં વંશીય સંઘર્ષ વિશે લખતા, સિંહાલીઓને લઘુમતી પ્રત્યે માનસિક ગ્રંથિ રાખતી બહુમતી તરીકે વર્ણવે છે. શ્રીલંકામાં સિંહાલીઓ 70 ટકાથી વધુ વસ્તી ધરાવે છે. દેશના રાજકારણ અને વહીવટીતંત્ર પર તેમનું પ્રભુત્વ હતું. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા અને તેમની ભાષા સિંહાલી હતી.જે અન્ય ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. આ બધું હોવા છતાં સિંહાલીઓ પીડિતની લાગણી અનુભવી રહ્યા હતા.
તેમને લઘુમતી તમિલોથી ખતરો લાગ્યો. તમિલો વધુ શિક્ષિત હતા કારણ કે જ્યારે ટાપુ બ્રિટિશ શાસન હેઠળ હતો ત્યારે તેમની તરફેણ કરવામાં આવતી હતી. તેઓ મક્કમ પણ હતા, કારણ કે તેમને ભારત (શ્રીલંકા કરતા ઘણો મોટો અને લશ્કરી રીતે વધુ શક્તિશાળી દેશ)નું સમર્થન હતું. સિંહાલીઓને લાગતું હતું કે જો તેમની આક્રમકતાને અંકુશમાં ન લેવામાં આવે તો, તમિલો સિંહાલી પર તેમના એકમાત્ર દેશમાં હાવી થઇ જશે.
અત્યારે કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ સંદર્ભે ઍન્થ્રપૉલજિસ્ટ રામચંદ્ર ગુહાએ શ્રીલંકાનું આ ઉદાહરણ યાદ કર્યું છે. તેમને લાગે છે કે ઉડુપી શહેર અને જિલ્લો કટ્ટરપંથી હિન્દુત્વ માટે કર્ણાટકની પ્રયોગશાળા તરીકે ઉભરી આવ્યો છે.આ તે શહેર છે જ્યાં ભાજપનાં ધારાસભ્યના કહેવાથી સ્થાનિક કોલેજે હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે અગાઉ કરાયું ન હતું. જેના પગલે રાજ્ય અને દેશભરમાં વિવાદ સર્જાયો હતો.તેનાથી સાંપ્રદાયિક શાંતિ માટે ગંભીર અને નુકસાનકારક પરિણામો આવ્યા હતા. પેજાવર મઠે આ અંગે કેટલાક પ્રબુદ્ધ લોકો સાથે બેઠક યોજી હતી. ઉડુપીમાં પેજાવર મઠ એ આઠ ધાર્મિક સંસ્થાઓમાંની એક છે જે ઉડુપીમાં વિખ્યાત કૃષ્ણ મંદિરનું સંચાલન કરે છે.
મુસ્લિમ દુકાનદારો પર પ્રતિબંધ


હિજાબ પર પ્રતિબંધ મુકવામાં સફળ થયા બાદ અને ઘણી યુવાન છોકરીઓને તેમના શિક્ષણના અધિકારથી વંચિત રાખ્યા પછી ઉડુપીના હિન્દુ કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરો અથવા તહેવારો સાથે સંકળાયેલા મેળામાં મુસ્લિમ દુકાનદારો પર વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ મુકાવ્યો હતો. ઘણાં વર્ષોથી ત્યાં દરેક ધર્મનાં લોકો દુકાન ચલાવતા હતા.
રાજ્ય સરકાર અથવા કદાચ કોર્ટ તરફથી પણ કોઈ મદદ નહીં મળે તેવું માનીને  નાગરિકોના એક જૂથે, જેમાં કેટલાક મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો, તેમણે પેજાવર મઠના વડા સમક્ષ રજુઆત કરી હતી. તેમને મુસ્લિમ વેપારીઓ પરના પ્રતિબંધ અંગે હસ્તક્ષેપ કરવા અને કોમી એકતા માટે મદદ કરવા અનુરોધ કર્યો હતો. સ્વામીએ તેમને કહ્યું કે હિન્દુ સમાજે ભૂતકાળમાં ઘણું સહન કર્યું છે. એક અખબારે તેમને ટાંકીને કહ્યું કે,જ્યારે કોઈ વર્ગ અથવા જૂથ સતત અન્યાયનો સામનો કરે છે, ત્યારે તેની હતાશા અને ગુસ્સો બહાર આવે છે.હિંદુ સમાજ અન્યાયથી કંટાળી ગયો છે.
સ્વામીએ ઇતિહાસને યાદ કરીને દાવો કર્યો હતો કે હિન્દુ સમાજે ભૂતકાળમાં ઘણું સહન કર્યું હતું. અહીં તેમનો સંદર્ભ મુસ્લિમ રાજાઓ તરફ છે જેમણે મધ્યયુગીન ભારતનાં મોટાભાગના વિસ્તારમાં  શાસન કર્યું હતું. આવા સંદર્ભો જોકે હિન્દુત્વવાદી નિવેદનમાં અપાતા રહે છે. તાજેતરના મહિનાઓમાં વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્ય મંત્રીએ ઉત્તર પ્રદેશમાં કરેલા ભાષણમાં તેનો પડઘો જોવા મળે છે.
2022માં લખનઉ કે ઉડુપીમાં રહેતા મુસ્લિમોને ભૂતકાળના આ મુસ્લિમ શાસકો સાથે દૂરનો પણ સંબંધ નથી. તેમ છતાં તેનો ઉપયોગ તેમને ડરાવવા અને શરમમાં મુકવા માટે કરવામાં આવે છે. મુઘલો અથવા ટીપુ સુલતાને સદીઓ પહેલાં જે કર્યું હશે તે માટે આજનાં ભારતીય મુસ્લિમોને દોષિત હોવાનો અહેસાસ કરાવવો એ એક ઘાતક પ્રથા છે. પેજાવર સ્વામીએ પોતે હિન્દુઓ સતત અન્યાયનો સામનો કરી રહ્યા છે તેવી વાત કરી હતી. વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો શ્રીલંકામાં સિંહાલીઓ કરતાં પણ વધારે હિંદુઓનું ભારતમાં પ્રભુત્વ છે. રાજકીય પ્રક્રિયા અને કાયદો અને વ્યવસ્થાના વહીવટ પરનું તેમનું વર્ચસ્વ પુરેપુરુ થવાની નજીક છે.
કર્ણાટકના મુસ્લિમો રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નબળાં છે. વિધાનસભા, સનદી સેવા, પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસાયોમાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે. આ ઉપરાંત કર્ણાટક અને દેશમાં હિન્દુઓની સર્વોપરિતા માટે પ્રતિબદ્ધ પક્ષ સત્તા પર છે. તેમ છતાં, પેજાવર સ્વામી હિન્દુઓને ભેદભાવ અને અન્યાયના ભોગ બનેલા તરીકે રજૂ કરી શકે છે.
નિર્દયી બહુમતીવાદ
હિન્દુત્વ હેઠળ હિન્દુઓ લઘુમતી પ્રત્યે પુર્વગ્રહ રાખતી બહુમતી બને તેવું જોખમ છે ,જે તેમનાં પર જુલમ થયા હોવાની ભાવનાથી ગ્રસ્ત છે. હિન્દુત્વ હેઠળ હિન્દુઓ પોતાની સંખ્યાની શક્તિનો ઉપયોગ કરીને રાજ્ય, વહીવટ, મીડિયા અને ન્યાયતંત્ર પરના અંકુશથી જેઓ હિન્દુ નથી તેમના પર તેમની ઇચ્છાઓ થોપી રહ્યા છે.
ભારતીય મુસ્લિમો પર હિન્દુત્વના હુમલાનાં બે જુદાં જુદાં પરિમાણો છે, જો એકબીજા સાથે સંકળાયેલા હોય તો. પહેલું પરિમાણ રાજકીય છે, દલિતો અને ઓબીસીના એક મહત્ત્વના વર્ગને હિન્દુત્વ હેઠળ લાવીને “હિન્દુ” મતબેન્ક સર્જવાનો આશ્વર્યજનક રીતે સફળ પ્રયાસ છે. મોટા ભાગનાં રાજ્યોમાં લગભગ ૮૦ ટકા મતદારો હિન્દુ છે, તેથી જો ભાજપ તેમાંના લગભગ 60 ટકા મતદારોને પહેલા હિન્દુ અને મુસ્લિમને બાકાત રાખવાની વાત પર ખેંચી શકે તો તે મોટી સફળતા છે. (અહીં ભાજપનો વિરોધ કરવા માટે માત્ર એક જ મુખ્ય રાજકીય પક્ષ છે. જે રાજ્યોમાં અનેક પક્ષો છે, ત્યાં 50 ટકા મત હિન્દુ મતો ભાજપને જીતવા માટે પૂરતાં છે).
લઘુમતીઓ પરના હિન્દુત્વના હુમલાનું બીજું પરિમાણ વૈચારિક છે, એવી માન્યતા છે કે આ દેશના હિન્દુઓ જ એકમાત્ર સાચા, સત્તાવાર, વિશ્વસનીય નાગરિકો છે, અને ભારતીય મુસ્લિમો (અને અમુક અંશે ભારતીય ખ્રિસ્તીઓ પણ) કોઈક રીતે અપ્રામાણિક અને અવિશ્વસનીય છે, કારણ કે (વી.ડી. સાવરકરની કુખ્યાત રચના મુજબ) તેમની પુણ્યભૂમિ (પવિત્ર પૂજાસ્થળ) તેમની પિતૃભૂમિ (માતૃભૂમિ)ની બહાર આવેલી છે. જમીનના એકમાત્ર સાચા માલિક હોવાની આ ભાવના હિન્દુત્વવાદી કાર્યકરોને ભારતીય મુસ્લિમોને તેમના પહેરવેશ, વાનગીઓ, રિવાજો, તેમની આજીવિકા વગેરે વિશે સતત ઉશ્કેરવા અને ટોણાં મારવા તરફ દોરી જાય છે.
તાજેતરમાં મૈસુરુમાં જાણીતા કન્નડ લેખક દેવાનુર મહાદેવે હિન્દુત્વના ગુંડાઓ દ્વારા મુકાયેલા પ્રતિબંધની અવગણના કરીને હલાલ માંસ ખરીદ્યું હતું. આવું કરતી વખતે તેમણે કહ્યું, નફરત એ જમણેરી પાંખનું એનર્જી ડ્રિંક છે. આ એનર્જી ડ્રિંકમાં નફરતનો ઉન્માદ ભળી જાય છે. કારણ કે હિન્દુત્વના પ્રભાવ હેઠળના હિન્દુઓ અસુરક્ષિત બની ગયા છે અને મુસ્લિમ નાગરિકો પ્રત્યે  ધિક્કાર અનુભવતા બની ગયા છે.
ટૂંકા ગાળામાં આ વિચારધારાને આગળ ધપાવવાથી ભારતીય મુસ્લિમોને ગંભીર રીતે નુકસાન થશે  જો કે, લાંબા ગાળે તે હિન્દુઓને પણ ત્રાસ આપશે અને નુકસાન પહોંચાડશે. શ્રીલંકામાં તમિલો પ્રત્યે સિંહાલી, પાકિસ્તાનમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ, અહમદિયાઓ અને શિયાઓ પ્રત્યે સુન્નીની અને મ્યાનમારમાં રોહિંગ્યાઓ પ્રત્યે બૌધ્ધોની વિચારધારા  ચેતવણી સમાન હકીકત છે.
આ ત્રણેય દેશોની સ્થિતિ આજે ઘણી સારી હોત, જો તેઓ ધાર્મિક બહુમતીવાદની વિચારધારાની કેદમાં ફસાયા ન હોત.કારણ કે નફરત અને ઉન્માદથી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજો બનતા કે વિકસતા નથી.