રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસોને લઈ પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ત્રીજી લહેરમાં હીરા ઉદ્યોગમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઉદ્યોગમાં ઘટાડો થતા રત્નકલાકારોની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે. બહારથી આવતા વેપારીઓની સંખ્યા પણ ઘટી છે.
સુરતમાં ડાયમંડ માર્કેટ ઉદ્યોગ સાથે હજારોની સંખ્યામાં રત્નકલાકારો જોડાયેલા છે. જો કે, હાલ રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા માર્કેટ પર માઠી અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, મુંબઇ અને સુરતથી આવતા વેપારીઓની સંખ્યામાં 50 ટકા ડાઉન જોવા મળી રહ્યું છે. રાજયમાં હાલ લગ્નગાળાની સિઝન પણ ચાલી રહી છે. પરતું કોરોના વાયરસની મહામારીને કારણે સરકારે લગ્નમાં ફકત 150 લોકોને જ પરવાનગી આપી છે જેથી લોકોએ તમામ પ્રોગ્રામો પણ ઓછા કરી દીધા છે. જયારે હાલના તમામ ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે. ધંધઓમાં ફરી એકવાર લોકડાઉન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ત્રીજી લહેરની શરુઆત પહેલા જ 90 ટકા રત્નકલાકારોને કોરોના વેક્સિનના ડોઝ પણ લીધા છે. માર્કેટમાં કામ ચાલે જ છે. બીજી તરફ મેરેજ સિઝન હોવાથી કેટલાક રત્ન કલાકારો રજા પર છે અને અંતર જળવાય તે માટે તેમને એક ઘંટી પર સામ સામે બેને જ બેસાડવો આગ્રહ રખાય છે. આમ કરવાથી સંક્રમણ ફેલાતું અટકે છે અને કામ પણ ચાલ્યા રાખે છે.
ગત રાજયમાં છેલ્લા 24 કલાકમાં 21,225 લોકો પોઝિટિવ આવ્યા હતા અને 9245 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. જયારે 16 લોકોના મોત પણ થયા હતા. જયારે સુરતમાં ગત 2124 અને અમદાવાદમાં 8627 કેસ નોંધાયા હતા. તો બીજી બાજુ 50થી વધુ બાળકો સંક્રમિત થયા હતા. આ બાળકો 10 થી 15 વર્ષની વચ્ચેના છે. બાળકો હોમ આઇસોલેશનમાં છે અને આરોગ્ય ટીમ દ્વારા કીટ પણ આપવામાં આવે છે.