ગરીબ આવાસ યોજનામાં ગરીબોને જ ઠેંગો અને આવાસ બનાવનારાઓને લ્હાણી

| Updated: April 9, 2022 3:27 pm

ગરીબોને મકાન આપવાના બદલે 300 મકાનો ભૂતિયા લાભાર્થીઓને ફાળવવામાં આવશે

અમદાવાદઃ સરકારે ગરીબોને પાકા મકાનો ફાળવવાના હેતુથી ગરીબ આવાસ યોજના શરૂ કરી છે. પણ તેના પર સરકારના દેખરેખના અભાવથી અથવા તો સરકાર દ્વારા આંખ આડા કાન કરાતાનો ફાયદો ઉઠાવી બિલ્ડરો ઝૂંપડપટ્ટી ખાલી કરાવીને ગરીબોની જમીન તો ત્યાંથી લઈ લે છે, પણ તેમને આવાસ ફાળવણી કરવામાં આવી ત્યારે આનાકાની કરે છે અને મુખ્ય લાભાર્થીઓના બદલે ભૂતિયા લાભાર્થીઓ અથવા તો તેમના મળતીયાઓને ત્યાં ઘૂસાડી દે છે.

અમદાવાદની આવી જ એક યોજના ગરીબ આવાસ યોજના ઓઢવની ઇન્દિરા નગર ગરીબ આવાસ યોજના છે. આ યોજના આમ પણ પહેલેથી જ વિવાદમાં રહેલી છે. આમા બિલ્ડર અને અમુક ભૂતિયા લાભાર્થીઓની મિલીભગતથી સાચા લાભાર્થીઓને તેના લાભથી વંચિત કરી દેવામાં આવ્યા છે. સાચા લાભાર્થીઓના બદલે બોગસ લોકોને મકાનોની ફાળવણી કરવામાં આવી છે.

બિલ્ડરે પોતે જ લાભાર્થી કોણ-કોણ છે તેની યાદી જાતે બનાવી દઈને મ્યુનિસિપાલિટીની આંખોમાં ધૂળ નાખી છે. આવા લગભગ 300 જેટલા ભૂતિયા લાભાર્થીઓને 300 મકાન ફાળવવામાં આવી રહ્યા છે. આવી એક સ્કીમમાં તો એક જ કુટુંબના 15 સભ્યોને મકાનોની ફાળવણી થઈ ગઈ છે. આમ આ યોજનાનો જે ફાયદો લોકોને આપવાનો છે તે તો તેનાથી વંચિત જ રહી જવાના છે. આ વાત ફક્ત એક જ ગરીબ આવાસ યોજનાની છે અને તેમા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરમાં અને રાજ્યના વિવિધ શહેરોમાં ગરીબ આવાસ યોજના ચાલી રહી છે. હવે જો દરેક આવાસ યોજનામાં બિલ્ડરો આ જ રીતે મિલીભગતથી કામ કરતાં હોય તો પછી સરકારની આ યોજના પાછળનો મૂળ હેતુ જ માર્યો જશે. બિલ્ડરો સ્થાનિક તંત્રને ફોડીને કે તેની સાથે સાંઠગાંઠ કરીને આ રીતે કૌભાંડ કરીને સરકારી નિયમોને હાંસીપાત્ર બનાવી દેશે તો પછી સામાન્ય ગરીબોનું શું થશે.

તેમા પણ નીચલા સ્તરે અવાજ ઉઠાવનારને સત્તાધીશો સાથેની સાંઠગાંઠથી દબાવી દેવાય છે. ગરીબની મથરાવટી મેલી તેવુ બધે ઠસાડવામાં આવે છે. આ સંજોગોમાં સરકાર જો તેના નિયમનતંત્રને મજબૂત નહી બનાવે તો તેની બધી જ યોજના પછી માલામાલ બિલ્ડરો થશે અને ફૂટેલા અધિકારીઓ મલાઈ તારવશે અને પોતાના મકાન ખાલી કરનાર ગરીબની સ્થિતિ વધુ કફોડી થશે.

Your email address will not be published.