ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપની ચિંતન શિબિરનો પ્રારંભ

| Updated: May 15, 2022 3:07 pm

ગાંધીનગરઃ આલિશાન કેન્સવિલામાં ભાજપના ચાણક્ય અને ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં બે દિવસના ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ગયો છે. ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા પછી આ પહેલી વખત તક છે જ્યારે સરકાર અને સંગઠનને અલગ-અલગ રીતે કસોટી પર કસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા ભોગવતું ભાજપ આ વખતે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ભીડવાની તૈયારી કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપને સીધી ટક્કર આપવા માટે ભાજપના ગઢ પર જ લક્ષ્યાંક લગાવીને બેઠી છે. તેથી જ રાહુલ ગાંધીના દાહોદના પ્રવાસ બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે.

ભાજપનું 182માંથી 182 બેઠક જીતવાનું લક્ષ્ય

ભાજપે ગુજરાત જીતવા માટે 182માંથી 182 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ આગળ મોટા પડકારો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ કરતા બમણી મહેનત કરી રહી છે. સત્તા વિરોધી લહેરનો મુદ્દો વર્ષોથી શાસનના લીધે પણ આવ્યો છે. આ દરમિયાન ચિંતન સ્વાભાવિક છે અને આ જ ભાજપની પ્રણાલિ પણ છે. જો કે નિર્ધારિત સમયથી સાત મહિના પહેલા રાજકીય સક્રિયતા ઘણા સવાલોને જન્મ આપે છે. તેના માટે ચિંતનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના પ્રભારી અને રાજ્યસભા સાંસદ ભુપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટિલ, પુરુષોત્તમ રુપાલા, નીતિન પટેલ, ગણપત વસાવા, વિજય રૂપાણી સહિતના ઘણા આગેવાનો હાજર છે.

પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ ચિંતન શિબિર ફક્ત સામાન્ય રાજકીય બેઠક નથી, ઘણી રીતે ખાસ છે. બેઠક દરમિયાન ગુજરાત સરકારના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. નવા સંગઠનના હોદ્દેદારો ઉપરાંત કેટલાક પ્રધાનો તથા ભૂતપૂર્વ હોદ્દેદારોને આમંત્રિત કરવામાં આવશે.

બી એલ સંતોષ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા જ વિધાનસભ્ય, સાંસદ, મહાનગરપાલિકાના ચારેય હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની સાથે આ મહિને બેઠક કરી ચૂક્યા છે. ભાજપના પ્રમુખ સીઆર પાટિલ સતત પ્રવાસમાં છે. એક જિલ્લો- એક દિવસ કાર્યક્રમ હેઠળ તે ભાજપની તળિયાની રાજકીય જમીનની સમીક્ષા કરી રહ્યા છે. આમ ફીડબેક પૂરેપૂરુ તૈયાર છે. આ બેઠકમાં રણનીતિક ચર્ચા પછી બ્લુ પ્રિન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

આદિવાસી અને પાટીદાર સમાજ માટે ખાસ રણનીતિ

આ બેઠકમાં આદિવાસી અને પાટીદાર સમાજ માટે ખાસ રણનીતિ બનાવવામાં આવે તેવી સંભાવના છે. શિબિરમાં બે મહત્વપૂર્ણ સમાજ આદિવાસી અને પાટીદારો પર ચર્ચા થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા છ કાર્યકાળથી સત્તા પર હોવાના લીધે ભાજપના નેતા સત્તા વિરોધી લહેર અને મોંઘવારીના મુદ્દાની સામે આ શિબિર દ્વારા લોકો સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢશે. બેઠકમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઇટી સેલ સહિત ઘણા સત્ર થશે. ગુજરાતમાં વિધાનસભા 2017ની ચૂંટણી પછી જેટલી પણ ચૂંટણી થઈ પછી તે સ્થાનિક એકમની હોય કે પેટાચૂંટણી હોય દરેક સ્થળે ભાજપની સફળતાની ટકાવારી ઊંચી છે.

Your email address will not be published.