બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માર્ગમાં હવે આવકવેરાનું ગ્રહણ

| Updated: April 25, 2022 11:17 am

ઘીમી ગતિએ ગળ વધી રહેલા મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે વધુ એક અડચણ ઉભી થઇ છે. પ્રોજેક્ટમાં ભાગીદાર જાપાને મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટના ડિઝાઇન સાથે સંકળાયેલા કન્સલટન્ટસને આવકવેરાની જોગવાઈઓમાંથી મુક્તિની માગણી ન સ્વીકારાય તો પ્રોજેક્ટમાં વિલંબ થવાની ચેતવણી ઉચ્ચારી છે.

ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી સતોશીએ નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને આ બાબતનો ઉકેલ લાવવાનો અનુરોધ કરતાં ચિંતા વ્યક્ત કરી છે કે, જો તેનો ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવા ઉપરાંત ઉપરાંત જાપાનની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટ્સ પર નકારાત્મક અસર પડશે.
જાપાન જે કન્સલ્ટન્ટ્સ માટે આવકવેરની જોગવાઇમાંથી મુક્તિ ઇચ્છે છે, તેઓ ડિઝાઇન કામગીરી સાથે સંકળાયેલી જાપાન ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ્સ અને જેઇ સાથે કામ કરે છે અને જેને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ) દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. જાપાને આ પ્રોજેક્ટ માટે ભારતને જે લોન આપી છે તેમાં તેનો સમાવેશ થતો નથી. જેઆઇસીએ જાપાન સરકારની ઇન્વેસ્ટમેન્ટ એજન્સી છે.

જાપાનની દલીલ છે કે તેના કન્સલ્ટન્ટ્સ તેમને થતી આવક અને જાપાન ભારતીય પ્રોજેક્ટ માટે ગ્રાંટ હેઠળ જે કામ કરે છે તે માટે તેઓ જે વધારાનો ખર્ચ કરે છે તેના પર ટેક્સ ન હોવો જોઈએ.

જાપાનને ખાસ કરીને આવકવેરામાંથી મુક્તિ અંગેની આવકવેરા કાયદાની કલમ 10ની 8એ, 8બી અને 9ને લગતી ચિંતા વ્યક્ત કરી છે જેમાં વિદેશી નાગરિકો અંગે જોગવાઇ છે જે સરકારી પ્રોજેક્ટ્સની ટેકનિકલ આસિસ્ટન્સની કામગીરીમાં જોડાયેલા છે અને ભારતમાં પગાર મેળવે છે.

સંસદના તાજેતરના બજેટ સત્રમાં પસાર કરાયેલા ફાયનાન્સ બિલ 2022માં, આ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે, જેના કારણે આ નાણાકીય વર્ષથી કન્સલ્ટન્ટ્સને તેમની આવક પર ટેક્સ ચુકવવો પડશે. ફાઇનાન્સ બિલમાં કહેવાયું છે કે ટેક્સનાં કાયદાઓમાં સરળીકરણના યુગમાં ટેક્સ મુક્તિની ઉપયોગિતા રહી નથી અને સરકારની નીતિ મુજબ આવી મુક્તિઓ અને પ્રોત્સાહનોને તબક્કાવાર રીતે દુર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો કોઈ ટેક્સ ટ્રિટી હેઠળ, ભારતને કોઈ ચોક્કસ આવક પર ટેક્સ નાંખવાનો અધિકાર મળે છે અને અન્ય દેશ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે મુક્તિ અથવા ક્રેડિટ સિસ્ટમ દ્વારા બેવડા કરવેરામાં રાહત આપે. ભારત દ્વારા ટેક્સમાં મુક્તિ આપવી એ અન્ય દેશની તરફેણમાં ભારત દ્વારા ટેક્સનાં અધિકારને સરેન્ડર કરવા સમાન છે.

સીતારામનને લખેલા પત્રમાં, જાપાની રાજદૂતે જણાવ્યું છે કે હું આ પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છું કારણ કે તેનાથી એમએએચએસઆર પર નકારાત્મક અસરનું જોખમ ઘણું વધી જશે. જાપાન સીતારામન પાસેથી આવકવેરાની કન્સલ્ટન્સી ફર્મ્સને શક્ય તેટલું વહેલું પૂર્વચુકવણીની ખાતરી માંગી રહ્યું છે. સાતોશીએ જણાવ્યું હતું કે, આ ખર્ચ જેઆઇસીએની ગ્રાન્ટ પર નાખી શકાય નહીં.

જાપાન એમ્બેસીએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. આ બાબતથી માહિતગાર ભારતીય રેલ્વેનાં અધિકારીઓએ નામ ન આપવાની શરતે ધ સન્ડે એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ બાબતને સારી રીતે ઉકેલવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વાત રકમની નથી પરંતું જાપાન જે સૈધ્ધાંતિક વાત કરી રહ્યું છે તેની છે. જાપાનની દલીલ છે કે તેમનાં કન્સલ્ટન્ટ્સે એવી કન્સલ્ટન્સી સર્વિસ માટે આવકવેરા ચૂકવવો ન જોઈએ નહીં, જે અમને અમારા પોતાના પ્રોજેક્ટ માટે મફતમાં મળી રહી છે.

સરકારને જાપાને એવી પણ જાણ કરી છે કે વળતરનો વિકલ્પ શક્ય નથી કેમકે અહીં જે કન્સલ્ટન્સી કંપનીઓની વાત તે છે નાની છે અને તેમની પાસે આવો ખર્ચ ઉઠાવવા માટે જરુરી ભંડોળ નથી.

જાપાનનાં જણાવ્યા મુજબ જેઆઇસીએ ગ્રાન્ટ હેઠળના અન્ય જે પ્રોજેક્ટોને અસર થઇ શકે છે તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ માટેનો વીજ પ્રોજેક્ટ છે, જે બંને દેશો માટે વ્યૂહાત્મક રીતે મહત્વનો પ્રોજેક્ટ છે.આ ઉપરાંત બેંગલુરુમાં એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ.પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ બે પ્રોજેક્ટ માટે જાપાન વળતરના સિદ્ધાંત માટે સંમત થયું છે, પરંતુ તે એમએએચએસઆર માટે સ્વીકાર્ય નથી કારણ કે તે એક વિશાળ પ્રોજેક્ટ છે.

મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની મુશ્કેલીઓનાં કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરુઆતથી જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં, ટનલ-બોરિંગ મશીનો માટે જમીન ન હોવાનાં કારણે સમુદ્રની અંદર ટનલ બનાવવાનાં ટેન્ડરને રદ કરવું પડ્યું હતું.

અધિકારીઓ હવે ગુજરાતમાં આવેલા કોરિડોર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં બુલેટ ટ્રેન શરું થાય તે માટે ઓછામાં ઓછું 2027નાં વર્ષ સુધી રાહ જોવી પડશે.

Your email address will not be published.