અમદાવાદના રસ્તાઓ બન્યા સુમસામ, ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થશે

| Updated: April 3, 2022 5:10 pm

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારે ગરમીને કારણે હાલ એર કુલર અને એસીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 41 ડિગ્રીની આસપાસ પારો પહોંચી ગયો છે. ગરમીના કારણે આજે અમદાવાદના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. આ સાથે બાગ બગીચા અને દરરોજ ભરચક એવો રિવરફ્રન્ટ પણ ખાલી ખમ જોવા મળ્યો છે. શહેરની ઘણી દુકાનો પણ આજે બપોરના સમયે બંધ જોવા મળી હતી. લોકો આ ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડી શકે છે. જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આગામી 3 દિવસ અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાવવાની શક્યતા છે.

સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે એસી અને કુલરની માંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતા ઉનાળાની સીઝનમાં એસી કુલરમાં વેચાણ વધારે રહેતું હોય છે

ગરમીની સાથે સાથે આ વખતે સિઝનની શરુઆતથી જ એસી કુલરની માંગ જોવા મળી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીએ તેના તેવર દેખાડવાના શરૂ કરી દીધા છે. કારણ કે સિઝનની શરૂઆતથી જ હિટવેવ જોવા મળ્યો છે. હવામાન વિભાગ પણ સતત એલર્ટ આપી રહ્યું છે. દિવસની શરૂઆત ભલે ઠંડકથી થતી હોય પણ મધ્યાહન એટલે કે સૂરજ માથાપર આવતા જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ જાય છે.

ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો

એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ દેશભરમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આ વર્ષે માર્ચમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે માર્ચમાં તાપમાને 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1901 બાદ પહેલીવાર માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. આ વર્ષે માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

9 રાજ્યોમાં હીટ વેવની આગાહી

એલર્ટ જારી કરતી વખતે IMDએ કહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ ક્ષેત્રમાં ગરમીનું મોજું આવી શકે છે. વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

( તસવીર: હનિફ સિંધી )

Your email address will not be published.