નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ઇન્દ્રાણી મુખરજીને શીના બોરા હત્યાકાંડમાં જામીન આપ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે તેમણે કસ્ટડીમાં 6.5 વર્ષ વીતાવ્યા છે અને તેમના ટ્રાયલનો અંત આવવાનો નથી. કોર્ટ આ ઉપરાંત નોંધ કરી હતી કે આ કેસના અન્ય આરોપી પીટર મુખરજી ફેબ્રુઆરી 2020થી જામીન પર છે. કોર્ટે પીટર મુખરજીને જે શરતોએ જામીન આપ્યા તે જ શરતોએ ઇન્દ્રાણી મુખરજીને જામીન આપ્યા છે.
ઇન્દ્રાણી મુખરજીની જામીન અરજી સીબીઆઇ કોર્ટે અનેક વખત નકારી કાઢ્યા બાદ ફેબ્રુઆરીમાં તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં પણ તેમની જામીન અરજીને પડકારી હતી અને જણાવ્યું હતું કે ઇન્દ્રાણી મુખરજીએ આયોજનબદ્ધ રીતે તેના સંતાનની હત્યા કરી છે, આ કોઈ આવેશમાં આવીને કરવામાં આવેલું કૃત્ય નથી પણ સમજી વિચારીને ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા છે.
સીબીઆઇ કોર્ટે જણાવ્યું હતું કે ઇન્દ્રાણી મુખરજી પ્રભાવશાળી વ્યક્તિ છે. આથી એવી શંકા છે કે જામીન પર બહાર આવ્યા પછી તે આ કાર્યવાહીમાં ભાગ લેનારા સાક્ષીઓ પર પ્રભાવ પાડી શકે છે, તેમને ધમકાવી શકે છે અને કેસને તેના લીધે અસર થઈ શકે છે.
બોમ્બે હાઇકોર્ટે નવેમ્બર 2021માં ઇન્દ્રાણી મુખરજીની જામીન અરજી નકારી કાઢી હતી તેનાથી વિપરીત જઈને ન્યાયાધીશ એલ.એન. નાગેશ્વર રાવ, બી આર ગવાઈ અને એ એસ બોપન્નાએ સ્પેશ્યલ લીવ પિટિશન પર આ આદેશ આપ્યો હતો. બેન્ચની નોંધ હતી કે કેસનો આધાર સંજોગલક્ષી પુરાવા છે, તેથી 50 ટકા સાક્ષીઓ પણ ફરી જાય તો પણ ટ્રાયલ તાત્કાલિક પૂરી થવાની નથી.
મુખરજી 24 એપ્રિલ 2012થી તેની પુત્રી શીનાની હત્યા બદલ ટ્રાયલનો સામનો કરી રહી છે. ખાર પોલીસે 25 ઓગસ્ટ 2015ના રોજ તેમની ધરપકડ કરી હતી. તે સપ્ટેમ્બર 2015થી ભાયખલ્લા જેલમાં છે. તેના ભૂતપૂર્વ પતિ અને સ્ટાર ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઇઓ પીટર મુખરજી અને સંજીવ ખન્ના આ કેસના સહઆરોપી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્દ્રાણીએ મુંબઈમાં સ્પેશ્યલ કોર્ટને પત્ર લખ્યો હતો. તેનો દાવો છે કે તેની પુત્રી જીવિત છે. ડિસેમ્બર 2021માં તેણે સીબીઆઇને લખેલા પત્રમાં આ જ દાવો કર્યો હતો. મુખરજીએ તેના પત્રમાં જણાવ્યું હતું કે ભાયખલ્લા વીમેન્સ જેલમાં તેની બીજી કેદીએ તેને જણાવ્યું હતું કે તે શીના બોરાને જુલાઈના અંતે દાલ લેક પર મળી હતી. મુખરજી તેની જેલના જે સહયોગી કેદીની વાત કરે છે તે ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આશા કોરકે છે. તે ખંડણીના કેસમાં જેલ ગયેલી છે.
સીબીઆઇએ તેની વાત નકારી કાઢતા જણાવ્યું હતું કે આ બાબત તેની કલ્પનાશીલતા છે અને તે અશક્ય છે. તેમની અરજીનો કોઈ આધાર નથી. આ પ્રકારની અરજીનો હેતુ બીજો કોઈ નહી પણ ટ્રાયલની સુનાવણીમાં વિલંબનો છે.