અમદાવાદઃ કોવિડ-19ના સમયમાં લોકો ઘરેથી કામ કરવાના નવા અભિગમથી ટેવાઈ ગયા છે, ત્યારે ઓઢવ અને નિકોલ વિસ્તારના લગભગ 7000 જેટલા ઈન્ટરનેટ ધારકોનું કામ રવિવારે ઠપ થઈ ગયું હતું. કારણ? ઇન્ટરનેટ કેબલની ચોરીથી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી.
વર્ક ફ્રોમ હોમ કરતા લોકોએ ઇન્ટરનેટ સર્વિસ ર્પ્રોવાઈડરનો સંર્પક કરીને સેવા ફરીથી શરૂ કરવા વિનંતી કરી હતી. જોકે શરૂઆતમાં તો સર્વિસ પ્રોવાઈડરો પણ સમજી શક્યા ન હતા કે શું થયુ છે, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે ઓઢવ અને નિકોલ વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં ઈન્ટરનેટના 8000 મીટર લાંબા કેબલ કાપીને ચોરી કરવામાં આવી છે.
સર્વિસ પ્રોવાઈડરોએ નવા કેબલ લગાવીને સેવા શરૂ તો કરી દીધી, પરંતુ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમના જ એક ભૂતપૂર્વ કર્મચારી દામોદર ઉર્ફે જગ્ગી તાઉતીએ તે વાયરોની ચોરી કરી હતી.
ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજાએ કહ્યું હતું કે, “સીસીટીવી ફુટેજના આધારે તેમણે આરોપીની દામોદરની અટકાયત કરી તેને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.” તેમણે કહ્યું હતું કે, “આરોપીએ ચારથી પાંચ જગ્યાએ આ રીતે કેબલની ચોરી કરી છે. કોવિડ ટેસ્ટ બાદ તેને આ તમામ જગ્યાએ લઈ જઈ તપાસ કરવામાં આવશે.”

સર્વિસ પ્રોવાઈડર કંપનીના ટેકનિકલ મેનેજર ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે ફોલ્ટ શોધવા અને સેવા ફરી શરૂ કરવી એ તેમના માટે એક પડકાર હતો. કારણ કે ઘણી જગ્યાએથી ફરિયાદો આવી રહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “કેબલ ચોરી 20મી જૂન 2021થી લઈને 23 જૂન 2021 સુધીના સમયગાળામાં કરવામાં આવી હતી. અમારા ઘણા કસ્ટમર હાલની સ્થિતિમાં ઘરેથી કામ કરે છે. અમે તમામ ચોરાયેલા કેબલ તાત્કાલિક બદલી નાખ્યા હતા અને ઈન્ટરનેટ સર્વિસ ફરી શરુ કરી દીધી હતી. ત્યારબાદ અમે જ્યારે સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે ખબર પડી કે અમારા ભૂતપૂર્વ કર્મચારીએ જ કેબલ ચોરી કરી હતી. આ ફુટેજના આધારે અમે ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.”