આરઆઈએલ, લુપા સિસ્ટમ્સ નવા સંયુક્ત સાહસ સાથે આઈપીએલ રાઇટ્સની હરાજી માટે તૈયાર

| Updated: April 28, 2022 11:50 am

મીડિયા દિગ્ગજ ઉદય શંકર અને જેમ્સ મર્ડોક દ્વારા પ્રમોટ કરવામાં આવેલી લુપા સિસ્ટમ્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)એ સ્પોર્ટસ અને એન્ટરટેઇન્ટમેન્ટ પ્રસારણ(બ્રોડકાસ્ટિંગ)માં રોકાણ માટે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જેના ચાર મહિના પછી બંનેએ નવા ઓપ્શન શોધવાનું શરૂ કર્યું હતું.

લુપા સિસ્ટમ્સ અને શંકર દ્વારા પ્રમોટ કરાયેલા પ્લેટફોર્મ બોધી ટ્રી સિસ્ટમ્સે જણાવ્યું હતું કે તે વાયકોમ 18માં 13,500 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે, જે આરઆઈએલના ટીવી18 અને વાયકોમસીબીએસ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે પેરામાઉન્ટ ગ્લોબલ તરીકે ઓળખાશે.

આરઆઈએલની સબ્સિડિયરી કંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીસ આ કંપનીમાં વધારાના 1,645 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટ્રીમિંગ-ફર્સ્ટ મેજર બનવા જિયોસિનેમા એપ્લિકેશનને વાયાકોમ 18માં ખસેડાશે. વાયકોમ18 કલર્સ ટીવી ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ વૂટ (VOOT)ની માલિકી ધરાવે છે.

આરઆઈએલ અને લુપા વચ્ચેની ભાગીદારી ત્યારે થઈ છે જ્યારે તેઓ 2023-27ની સિઝન માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના મીડિયા રાઈટ્સ માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ હરાજી જૂનમાં થશે. વાયકોમ18એ ગયા અઠવાડિયે તેની સ્પોર્ટ્સ ચેનલ સ્પોર્ટ્સ18 લોન્ચ કરી ભારતમાં સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગમાં ઝંપલાવ્યું છે. લુપા સિસ્ટમ્સના ભારતના મેનેજિંગ ડિરેક્ટર નીતિન કુકરેજાને નવા સાહસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

વાયકોમ18માં 13,500 કરોડ રૂપિયાના રોકાણ માટે રોકાણકારોના કોન્સોર્ટિયમ સાથે ફંડ રેઇઝિંગ કરી રહેલી બોધી ટ્રી સિસ્ટમ્સ વાયાકોમસીબીએસ પાસેથી વાયાકોમ18માં 39 ટકા હિસ્સો ખરીદવાનો ઇરાદો ધરાવે છે તેમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. નેટવર્ક18ની પેટાકંપની ટીવી18 દ્વારા 51 ટકા હિસ્સો ધરાવતી આરઆઇએલ પોતાનો હિસ્સો જાળવી રાખશે.

સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગમાં મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા કુકરેજા 2016માં સ્ટાર સ્પોર્ટ્સના સીઇઓ રહી ચુક્યા છે. વાયાકોમ18એ અનિલ જયરાજની પણ નિમણૂંક કરી છે, જેઓ અગાઉ સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ કામ કરતા હતા, તેમને સ્પોર્ટ્સ બિઝનેસના વડા તરીકે નિયુક્ત કરાયા છે.

વાયકોમ18એ ડિઝની-સ્ટાર, સોની, ઝી અને એમેઝોન જેવા સ્પર્ધકોની સામે આઇપીએલના મીડિયા રાઇટ્સની હરાજી માટેના ટેન્ડર ડોક્યુમેન્ટ મેળવી લીધા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) ચાર પેકેજ હેઠળના રાઇટ્સ માટે સંયુક્ત રિઝર્વ્ડ પ્રાઇસ આશરે 33,000 કરોડ રૂપિયા નક્કી કરી છે.

ડિઝની-સ્ટાર ટેલિવિઝન અને ડિજિટલ માટેના મિડિયા રાઇટ્સ જાળવી રાખવા માગશે તેથી  સ્પર્ધા તીવ્ર બનશે તેમ મનાઇ રહ્યું છે. આરઆઈએલ-લુપાની સ્પર્ધા એમોઝોન ઉપરાંત સોની સાથે ઝી સાથે પણ થશે, જેની સાથે તે મર્જ થઈ રહી છે.

સ્ટાર ઇન્ડિયા અને ત્યાર બાદ ડિઝનીના ભૂતપૂર્વ બોસ તરીકે શંકરે ડિઝની-સ્ટારને સ્પોર્ટ્સમાં લાવવામાં ભૂમિકા ભજવી હતી. સ્ટારે શંકરના કાર્યકાળ દરમિયાન સોની પાસેથી આઇપીએલના મીડિયા અને ડિજિટલ રાઇટ્સ છીનવી લીધા હતા અને સોનીએ પ્રથમ મીડિયા રાઇટ્સની હરાજીમાં અડધા વર્ષ સુધી જે રકમ ચૂકવી હતી તેના કરતાં બમણી રકમ ચૂકવી હતી. સ્ટારે આઠ વર્ષ સુધી આઇસીસી ટુર્નામેન્ટ્સની બિડ જીતવા માટે 11,880 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

Your email address will not be published.