સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમજનક ઊંચી સપાટી પર છે ત્યારે પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓ માટે ભારે રસ જોવા મળે છે. શુક્રવારે બે આઇપીઓમાં સબસ્ક્રિપ્શન બંધ થયું હતું જેને રોકાણકારોએ અદભૂત પ્રતિસાદ આપ્યો છે.
પૂણે સ્થિત સ્પેશ્યાલિટી કેમિકલ્સ કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજીની રૂ.1,546.62 કરોડની ઓફર સાઈઝ સામે તેના ઇશ્યૂને રૂ.1,03,248 કરોડની બિડ મળી છે. તેવી જ રીતે જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો આઇપીઓ 102 ગણો છલકાયો હતો અને તેના માટે 98,784 કરોડની બિડ મળી હતી.
બંને આઇપીઓ મળીને કુલ રૂ. 2.02 લાખ કરોડ એકત્ર કર્યા છે જે કેન્દ્ર સરકારની નોન-ટેક્સ આવક (સ્પેક્ટ્રમ ફી, પીએસયુના ડિવિડન્ડ, સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ વગેરે)ના અંદાજની લગભગ સમકક્ષ છે. બજેટ 2021-22માં સરકાર 2.43 લાખ કરોડની નોન-ટેક્સ રેવન્યુ મેળવવાનો અંદાજ રાખે છે.
2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં કુલ 15 આઇપીઓએ પબ્લિક પાસેથી સફળતાપૂર્વક ફંડ એકત્ર કર્યા હતા. આ કંપનીઓએ 18,383 કરોડ એકઠા કર્યા હતા. 2020-21માં 69 ઇશ્યૂઅર્સે 74,707 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા.
અત્યારે વાસ્તવિક અર્થતંત્ર રિકવરી મોડમાં છે, વાસ્તવિક વ્યાજના દર નેગેટિવ છે ત્યારે વધુને વધુ રોકાણકારો સ્ટોકબ્રોકર્સ પાસે ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે લાઇન લગાવી રહ્યા છે. ગુરુવારે સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિ.)ના આંકડા પ્રમાણે તેની પાસે નોંધાયેલા ડિમેટ એકાઉન્ટની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. કંપનીએ જણાવ્યું કે જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં અઢાર મહિનાની અંદર ક્લાયન્ટની સંખ્યા બમણી થઈ છે.
તેવી જ રીતે બીએસઈ પર રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ગયા વર્ષના જૂનની સરખામણીમાં 40.5 ટકા વધીને 2.05 કરોડ થઈ છે. એનએસઈ પર પણ નવા રજિસ્ટર્ડ ક્લાયન્ટની સંખ્યા જૂન 2020માં 5.46 લાખ હતી તે ચાલુ વર્ષમાં મે સુધીમાં વધીને 14.84 લાખ થઈ હતી.
2021ના કેટલાક મોટા આઇપીઓઃ
કંપનીનું નામ | ઇશ્યૂનું કદ રૂ. કરોડમાં | સબસ્ક્રિપ્શન (રૂ. કરોડ) |
Shyam Metalics and Energy | 306 | 37.157 |
Nazara Technologies | 1101 | 1,93,181 |
Anupam Rasayan | 555 | 24,453 |
MTAR Technologies | 575 | 1,15,000 |
Indigo Paints | 1490 | 1,74,330 |