પંજાબમાં પીએમની સુરક્ષામાં ચૂક મુદ્દે રાજકારણ નહીં સ્પષ્ટીકરણ ઈચ્છનીય છે

| Updated: January 7, 2022 3:00 pm

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકનો મુદ્દો ચર્ચામાં છે. 16 પૂર્વ ડીજીપી તથા 27 જેટલા પૂર્વ સનદી અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવીને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના વડા સોનિયા ગાંધીએ પણ પંજાબના મુખ્યપ્રધાન ચન્નીને જણાવ્યું હતું કે મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક અક્ષમ્ય બાબત છે.

સોનિયા ગાંધીએ જવાબદારો સામે પગલાં ભરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રીય નેતાઓની સલામતીમાં ચૂક શા માટે ગંભીર છે અને તેને નિવારવા માટે કેવી સજ્જતા હોવી જરુરી છે એ વિશે આંદામાન નિકોબારના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ભોપિન્દર સિંહે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. વાંચો તેઓ શું કહે છેઃ

અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યા બાદ નેતાની સુરક્ષાને લઈને દુનિયાભરનો દૃષ્ટિકોણ બદલાયો હતો. કેનેડીની હત્યાની તપાસ કરનાર કમિશને બાદમાં નોંધ્યું હતું કે પ્રમુખની સલામતી માટે જે ઉચ્ચ કક્ષાના ધારાધોરણોની જાળવણીમાં ચૂક ટાળવી જોઈએ. અમેરિકા જેવા પાવરફૂલ દેશના પ્રમુખની સુરક્ષામાં જે છીંડા સામે આવ્યા એ વધારે ગંભીર હતા.

કેનેડીને પહેલી ગોળી ગળાના ભાગે વાગી હતી પણ આ ગોળી જીવલેણ નહોતી. બરાબર પાંચ સેકન્ડ પછી એમને બીજી ગોળી વાગી જે એમના માટે જીવલેણ પુરવાર થઈ. સ્પેશિયલ સર્વિસના જવાનોને અડધી સેકન્ડ કરતા ઓછા સમયમાં રીસ્પોન્સ આપવા માટે ટ્રેઇન કરવામાં આવે છે. પહેલી ગોળી વાગ્યા પછી તરત કેનેડીને કવર મળવું જોઈતું હતું જે મળ્યું નહોતું.

આ ઘટનાને 60 વર્ષ વીતી ગયા પછી પણ તેને લઈને વિવિધ થીયરીઓ ચાલી રહી છે. આજે સુરક્ષાનો આખો સિનારીયો ધરમૂળથી બદલાઈ ગયો છે. ટોચના નેતાઓની સલામતી માટે મહિનાઓ પહેલાથી પ્લાનિંગ થાય છે, વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવે છે તથા સુરક્ષામાં મલ્ટીપલ લેયર્સ સામેલ હોય છે.

પીએમ કે અન્ય ટોચના નેતા જ્યારે પસાર થવાના હોય ત્યારે અગાઉથી રૂટ ક્લિયર રખાય છે, આસપાસના વિસ્તારમાં જેમર્સ લાગી જાય છે અને ઠેરઠેર કાઉન્ટર સ્નાઇપર્સ તહેનાત કરવામાં આવે છે. સાથે જ એસોલ્ટ અને સર્વેલન્સ ટીમો પણ તહેનાત હોય છે. આજે ‘બીસ્ટ’ નામે ઓળખાતી અમેરિકી પ્રમુખની લિમુઝીન વિશ્વનું સૌથી સુરક્ષિત વાહન માનવામાં આવે છે. અમેરિકી પ્રમુખની મુવમેન્ટ માટેના સુરક્ષાના નિયમો 60-70 પેજીસમાં ફેલાયેલા હોય છે. જેમાં તમામ ડિટેલીંગ સામેલ હોય છે.

જોકે સલામતીમાં ચૂક બાબતે ભારતનો રેકોર્ડ પણ સારો નથી. લોકશાહી દેશોમાં વિશાળ રેલીઓ અને ભીડ સાથે તાલમેલ રાખવો નેતાઓ માટે જરુરી બની જાય છે. તેથી જ આ સ્થિતિમાં નેતાઓની સલામતી એ પડકારજનક કામ છે. પણ ભારતમાં સુરક્ષામાં ચૂકના કારણે ગંભીર પરિણામો સામે આવ્યા છે જેમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા સામેલ છે. આ બન્ને ઘટના વિશે વિસ્તૃત વાત ન કરીએ તો પણ એ જરુર કહી શકાય કે બન્ને નેતાઓની હત્યા સલામતીમાં ગંભીર ચૂકનું પરિણામ હતી.

ભારતના પડોશી દેશઓમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ નોંધાયેલી છે. શ્રીલંકાના પ્રમુખ પ્રેમદાસા, પાકિસ્તાનના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો તથા નેપાળનો રાજવી પરિવારની હત્યા સરવાળે સુરક્ષામાં ચૂકના કારણે થઈ હતી. ભારતમાં આજે પણ વિવિધ અસંતૃષ્ટ સંગઠનો હિંસા આચરી રહ્યા છે.

આપણને ન ગમે એવી વાસ્તવિકતા છે કે રોજબરોજની દરેક બાબતો મુદ્દે રાજકારણના કારણે સુરક્ષાની સંવેદનશીલતાને અસર પહોંચી રહી છે. ભારતમાં દરેક બાબતને રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જેમાં સુરક્ષામાં ચૂક કે ખામી પણ સામેલ થઈ જાય છે.

2020ના ઉનાળામાં લદ્દાખમાં એલએસી (લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર ભારત-ચીન વચ્ચેના ઘર્ષણની ઘટના મુદ્દે થયેલું રાજકારણ તેનું ઉદાહરણ છે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો ખાસ કરીને સરહદ પર તનાવને લગતી ઘટનાઓને પરિપક્વતાથી હેન્ડલ કરવાની જરુર હોય છે. આવી ઘટનાઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી હિતો માટે થવો જોઈએ નહીં. સરહદે તનાવ જેવી ઘટનાઓ મુદ્દે અટકળો, અંદાજો, કોન્સપીરન્સી થીયરીઝ વહેતી કરવામાં આવે છે. આવી બાબતો કોઈ એક રાજકીય પક્ષ માટે ફાયદાકારક હોય છે પણ રાષ્ટ્રીય સલામતી માટે લાંબાગાળે હાનિકારક પુરવાર થાય છે.

આ સંદર્ભમાં હાલમાં જ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક અત્યંત ગંભીર છે. આપણે ભૂતકાળમાંથી પૂરતો બોધપાઠ નથી લીધો તેનો આ પુરાવો છે. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ રીતે સંકલનમાં ખામી રહી જાય એ ચિંતાની વાત છે. આશા છે કે સરકાર દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલ અંગે યોગ્ય તપાસ કરીને તારણો આપશે જેના આધારે કરેક્ટીવ એક્શન લઈ શકાય. આવી ઘટનાઓને પાર્ટી પોલિટીક્સની બહાર જઈને જોવી જરુરી છે. કારણ કે આ બાબત દેશના વડાપ્રધાનની સુરક્ષાને લગતી છે. જેમની જવાબદારી દેશમાં બંધારણના પાલનની છે. 

Your email address will not be published.