આ દસ દેશોમાં તમે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ પર ડ્રાઇવિંગ કરી શકો છો

| Updated: April 20, 2022 1:04 pm

નવા દેશમાં રોડ ટ્રિપ વખતે સુંદર દ્રશ્યોને જોતાં જોતાં ડ્રાઇવ કરવાની મજા કંઇક જુદી હોય છે.ઋતુના પરિવર્તનને માણવાની પણ આ શ્રેષ્ઠ રીત છે. સરસ મજાનું મ્યુઝીક વાગતું હોય,વાળ હવામાં લહેરાતાં હોય અને મિત્રો કે પરિવારજનોની કંપની હોય ત્યારે આવી મુસાફરી એક અનોખી તાજગીનો અનુભવ કરાવે છે. જો તમે નવા રસ્તાઓ પર વાહન ચલાવવાનું વિચારી રહ્યા છો તો અહીં એવા દસ દેશોની જાણકારી આપવામાં આવી છે જ્યાં ડ્રાઇવિંગ માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ અથવા અન્ય કોઇ પેપરવર્કની જરૂર નથી. આ દેશોમાં તમે તમારા ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવી શકો છો.

યુનાઇટેડ કિંગડમ (લેફટ ડ્રાઇવ)
 ભારતનાં ડ્રાઇવિંગ લાઇસન્સ પર એક વર્ષ માટે યુકેમાં ડ્રાઇવિંગ કરી શકો છો.જેમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનો સમાવેશ થાય છે. જો કે, તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સમાં જે પ્રકારનું વાહન દર્શાવ્યું હોય તે જ ચલાવી શકો છો.

ઓસ્ટ્રેલિયા (લેફટ ડ્રાઇવ)
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની ઇંગ્લિશ કોપી સાથે, તમે ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન કેપિટલમાં ડ્રાઇવિંગ કરી શકો છો. તમારા લાઇસન્સમાં જે કલાસનું વાહન દર્શાવ્યું હોય તે જ ચલાવી શકો છો. નોર્ધન ટેરિટરીમાં તમે ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ પર માત્ર ત્રણ મહિના માટે જ વાહન ચલાવી શકો છો.

ન્યુઝીલેન્ડ (લેફ્ટ ડ્રાઇવ)
ન્યુઝીલેન્ડમાં વાહન ચલાવવા તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જરૂરી છે, તમે ઇંગ્લીશમાં (અથવા માન્ય ટ્રાન્સલેશન સાથે) ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે એક વર્ષ સુધી વાહન ચલાવી શકો છો.

સિંગાપોર (લેફ્ટ ડ્રાઇવ)
સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ જરુરી છે, પરંતુ તમે માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની ઇંગ્લીશ કોપી સાથે એક વર્ષ સુધી વાહન ચલાવી શકો છો.

મલેશિયા (લેફટ હેન્ડ ડ્રાઇવ)
તમે મલેશિયામાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની ઇંગ્લિશ કોપી સાથે વાહન ચલાવી શકો છો. જો તે ઇંગ્લિશમાં ન હોય, તો સંબંધિત સત્તાવાળા અથવા મલેશિયામાં ભારતીય દૂતાવાસે પ્રમાણિત કરેલી ઇંગ્લિશ અથવા મલયમાં ટ્રાન્સલેટ કરેલી કોપી સાથે રાખી શકો છો.

દક્ષિણ આફ્રિકા (લેફટ હેન્ડ ડ્રાઇવ)
દક્ષિણ આફ્રિકાનાં સુંદર શહેરો અને ગામડાંઓમાં ફરવું એક એનોખો અનુભવ છે. ભારતીય લાયસન્સ  ઇંગ્લિશમાં હોય અને તેમાં તમારો ફોટો હોય તો તમે વાહન ચલાવી શકો છો. દક્ષિણ આફ્રિકાની કેટલીક વાહનો ભાડે આપતી કંપનીઓ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની માગણી કરે છે, તેથી કાર ભાડે લેતા પહેલા કોલ કરીને જરુરી માહિતી મેળવી લેવી જરુરી છે.

જર્મની (રાઇટ હેન્ડ ડ્રાઇવ)
જર્મનીમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા પ્રવાસીઓ છ મહિના સુધી વાહન ચલાવી શકે છે. જોકે તમારું લાઇસન્સ અંગ્રેજીમાં (અથવા જર્મન) હોવું જોઈએ. જર્મનીમાં વાહન ચલાવવા માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ રાખવી ફરજિયાત નથી, તેમ છતાં તેને સાથે રાખવી હિતાવહ છે.કારણ કે ડોક્યુમેન્ટમાં ટ્રાન્સલેશન હોય છે જેથી લોકલ અધિકારીઓને તમારા ડોક્યુમેન્ટ્સની ચકાસણીમાં આસાની થાય છે.

સ્વિટ્ઝર્લૅન્ડ (રાઇટ હેન્ડ ડ્રાઇવ)
એક વર્ષ સુધી તમારા ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સ્વિટ્ઝર્લેન્ડના સુંદર રસ્તાઓ પર વાહન ચલાવી શકાય છે. તમારી પાસે અંગ્રેજીમાં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી હોય તો તમે ત્યાં વાહન ભાડે લઇ શકો છો.

સ્વીડન (રાઇટ હેન્ડ ડ્રાઇવ)
તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સ્વીડનમાં ફરી શકો છો પરંતુ તેની કોપી અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, ફ્રેન્ચ અથવા નોર્વેજિયન ભાષામાં હોવી જરુરી છે.

શું તમારે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ લેવી જોઈએ?
જે દેશમાં તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે વાહન ચલાવી શકો છો ત્યાં પણ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ હોય તે વધુ સારું છે. તે મેળવવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સને અનુસરીને નજીકના આરટીઓમાં અરજી કરો. પરમિટની પ્રક્રિયામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગે છે. પરમીટ જારી કરેલી તારીખથી એક વર્ષ માટે માન્ય હોય છે.

ઇન્ટરનેશનલ ડ્રાઇવરની પરમિટ કેવી રીતે મેળવવી?
– એપ્લિકેશન ફોર્મ 4-એ ભરો અને સબમિટ કરો
– મેડિકલ ફોર્મ 1-એ ભરો અને સબમિટ કરો
– માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વિઝાની પ્રમાણિત કોપી, પાસપોર્ટ ફોટા સબમિટ કરો. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની પ્રોસેસિંગ ફી રૂ. 1,000 છે.

Your email address will not be published.