રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં 21 ફેબ્રુઆરીએ લાલુને સીબીઆઈની વિશેષ અદાલતે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.
હાઈકોર્ટના જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી સ્વીકારી લીધી છે. લાલુ પ્રસાદે દંડ તરીકે દસ લાખ રૂપિયા જમા કરાવવા પડશે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે લાલુને હવે ચારા કૌભાંડના તમામ કેસમાં જામીન મળી ગયા છે.
પૂર્વ મુખ્યમંત્રી પર ચારા કૌભાંડના પાંચ કેસ નોંધાયા હતા અને તમામમાં સજા થઈ ચૂકી છે. સજા સામે લાલુ પ્રસાદે હાઈકોર્ટમાં અપીલ સાથે જામીન અરજી દાખલ કરી હતી. લાલુ પ્રસાદે અડધી સજા ભોગવ્યા બાદ અને સ્વાસ્થ્યના કારણોસર જામીન માંગ્યા હતા. લાલુ પ્રસાદ હાલમાં બીમાર છે અને દિલ્હીની AIIMSમાં તેમની સારવાર ચાલી રહી છે.
લાલુ યાદવને જામીન મળ્યા બાદ તેમના વકીલે કહ્યું કે, “અડધી સજા પૂરી કરવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓના આધારે તેમને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે.” તેમને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે. તેમણે 1 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.