બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 57 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે પોલીસ જેટલી જ આ લઠ્ઠાકાંડમાં જવાબદાર છે તેટલો જ નશાબંધી વિભાગ છે કેમકે, નશાબંધી વિભાગ જ મીથાઇલનો જથ્થો કેટલો રાખી શકાય તેના લાઇસન્સ, સુપરવિઝન સહિત, ચેકિંગ, સ્થળ વિઝીટ સહિતની તમામની જબાવદારી તેમને હોય છે પરંતુ આ કેસમાં ફેક્ટરીમાંથી આવેલા મીથાઇલ કંપનીનું લાઇસન્સ હતુ કે, નહી તે બાબતે પણ નશાબંધી વિભાગ બોલવા તૈયાર નથી. 600 લીટર જેટલો મોટો જથ્થો કેવી રીતે બહાર ગયો તે પણ શંકાસ્પદ બાબત છે. જેના નામે લાઇસન્સ છે તે રાજકીય વગ ધરાવે છે તેટલું જ નશાબંધી વિભાગના સુત્રો જણાવી રહ્યા છે જોકે તે અંગે કોઇ પણ ન બોલે તે માટે કડક સુચના તંત્ર દ્વારા અપાઇ હોવાનું બહાર આવ્યું છે.
બોટાદના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ એટલે કે, મીથાઇલમાં પાણી ઉમેરી બુટલેગરોએ લોકોને ચોક્કસ જગ્યા પરથી દારુના નામે પીવડાવી દીધું હતુ. જોકે દારુ પીવાવાળા પણ દારુને ઓળખી શક્યા ન હતા અને તેઓ મોતને ઘાટ ઉતર્યા હતા. આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. એક સરકારે બનાવેલી કમિટી પણ છે જેમાં એક આઇપીએસ, એફએસએલના અધિકારી અને એક આઇપીએસનો સમાવેશ થાય છે. આમ બીજી એક સીટ જે બુટલેગરોને પકડવા, કેમિકલ ક્યાથી આવ્યું સહિત ક્યા ક્યા વેચાણ થયું અને કેટલા અસરગ્રસ્ત થયા તે અંગે તપાસમાં મદદ કરી રહી છે. આ બંને ટીમો જાણે નશાબંધી વિભાગને ભુલી ગઇ હોય તેમ જ લાગી રહ્યું છે.
મીથાઇલનું લાઇસન્સ આપવાનું કામ નશાબંધી વિભાગનું છે તેમા પણ એમ-1 અને એમ-2 એમ બે પ્રકારના એટલે કે, વેચાણ અને પ્રોડક્ટમાં વાપરવા એમ બે લાઇસન્સ આપવાના હોય છે. તેની નિગરાની હેઠળ જ તમામ વસ્તુ થવું જોઇએ તેવા નિયમો છે. તેના માટે એક સ્પેશિયલ ઇસ્પેક્ટર અમદાવાદ જિલ્લામાં નશાબંધી વિભાગમાં નિમણૂંક હોય છે તે અધિકારીની પણ જવાબદારી ચોક્કસ હોય છે. જોકે આ કેસમાં નશાબંધી વિભાગના સુપ્રિટેન્ડન્ટ રમેશ વસાવાનો ફોન પર સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જોકે જેના નામે લાઇસન્સ ઇસ્યુ કરાયું છે તે રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેનું નામ પણ જાહેર કરવામાં આવી રહ્યું નથી. ક્યા કામ માટે વાપરવાનું હોય અને કેટલી માત્રામાં તે પણ નક્કી કરવામાં આવતું હોય છે.
વરસાદના કારણે ભઠ્ઠીઓ બંધ હોવાથી કૃત્રીમ મીથાઇલનો ઉપયોગ કરાયો
વરસાદની સીઝનમાં મોટા ભાગે દારુની અછત સર્જાતી હોય છે કેમકે, દેશી દારુ માટે ભઠ્ઠી તૈયાર થઇ શકતી નથી અને તેના કારણે દારુની અછત સર્જાય છે. દારુની અછત સર્જાતા કૃત્રીમ મીથાઇલ મેળવવા બુટલેગરોએ તૈયારી કરી હતી. જેના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાની ચર્ચા છે. આ અંગે વર્ષોથી પોલીસ જાણતી હોવા છતાં પણ તેમને આ અંગે કોઇ તૈયારી ન કરી હોવાનું સ્પષ્ટ થાય છે.