જાણો અમિત શાહના ગુજરાતના ત્રિ દિવસીય પ્રવાસ વિશે

| Updated: June 10, 2022 9:44 am

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકારણીઓએ ચૂંટણી નજીક આવવાના પગલે જનસંપર્ક અભિયાન વધુ તેજ બનાવ્યા છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેઓ દીવ, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદમાં બોપલ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે. સાંજે 4 વાગ્યે બોપલ સ્થિત ઇસરોના કેન્દ્રમાં પીએમ મોદી સાથે મુલાકાત લેશે.

11 જૂનના રોજ અમિત શાહ દીવ જશે, જેમાં તેઓ વેસ્ટર્ન રીજિયનની  સુરક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં જ કરશે.

12 જૂનના રોજ સવારે અમિત શાહ આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે તેઓ ગાંધીનગર પહોંચશે જ્યાં અમિત શાહ 193.12 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હુત અને 85.99 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે, આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજવામાં આવ્યો છે, જેમા ખાસ કરીને ગટર-પાણી- રોડના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુડાના એમઆઈજી તથા એલઆઈજીના બાકી રહેલા આવાસોની ફાળવણી માટે પણ ડ્રો યોજવામાં આવશે. 18 કરોડના ખર્ચે તૈયાર થયેલા સરગાસણ ખાતેના ગુડા ભવનનું પણ લોકાર્પણ અમિત શાહ કરશે. આ ઉપરાંત 1.34 કરોડના ખર્ચે સેક્ટર-5, 2.35 કરોડના ખર્ચે સેક્ટર-16 અને 86 લાખના ખર્ચે સેક્ટર-23 ખાતે ગાર્ડનનું લોકાર્પણ થશે, આ બગીચાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 12 તારીખે સાંજે અમિત શાહ અમદાવાદના શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો: લલિત વસોયા કોંગ્રેસ જૂથમાંથી થયા રિમૂવ, વાગવા લાગી ઘંટી, ત્યાબાદ કહ્યું ભૂલ થઈ ગઈ

Your email address will not be published.