પ્રવેશોત્સવની જેમ શાળાનો પ્રત્યેક દિવસ બાળકો માટે ઉત્સવ બની રહે એવા ઉત્સાહભર્યા વાતાવરણનું નિર્માણ કરીએ : મુખ્ય સચિવ પંકજકુમાર

| Updated: June 23, 2022 5:34 pm

ગાંધીનગર જિલ્લાના રાંદેસણ, સરગાસણ અને તારાપુર ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે બાળકોને આવકારીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. મુખ્ય સચિવ પંકજકુમારે પ્રવેશોત્સવના શુભારંભે કહ્યું હતું કે, પ્રવેશોત્સવની જેમ બાળકો માટે શાળાનો પ્રત્યેક દિવસ ઉત્સવ બની રહે એ પ્રકારે શિક્ષકો ઉત્સાહપૂર્વક શિક્ષણ આપે. શિક્ષકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે, શાળામાં પ્રત્યેક દિવસ ઉત્સવ બનશે તો બાળકનું જીવન ઉત્સાહ અને ઉમંગથી હર્યું-ભર્યું રહેશે, અને તો જ બાળક પણ આ સમાજને અને રાષ્ટ્રને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેશે. શિક્ષકો બાળકો માટે પ્રેરણાદાયી હોય છે, શિક્ષકોની નિયમિતતા, નિષ્ઠા અને વ્યવહાર બાળકોને પ્રભાવિત કરે છે. એટલે ‘પ્રેરણાદાયી શિક્ષક’ બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

રાંદેસણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં ૭ વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ૮ ભૂલકાઓએ શાળામાં પહેલી પગલી પાડી હતી. મુખ્ય સચિવ પંકજકુમારે ભૂલકાંઓને દફતર અને પુસ્તકો આપીને આવકાર્યા હતા. ગ્રામજનોની બનેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)ની ભૂમિકા પર મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે વિશેષ ભાર મૂકતાં કહ્યું હતું કે, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શાળાના શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે સકારાત્મક યોગદાન આપવું જોઈએ. તેમણે બાળકોને પ્રશ્નો કર્યા હતા કે, ‘તમારે મોટા થઈને શું બનવું છે?’ ઘણા બાળકોએ ઉત્સાહભેર જવાબ આપ્યા હતા કે, તેમને ડોક્ટર બનવું છે, કોઈએ પોલીસ બનવું છે એમ કહ્યું, તો કોઈએ સોફ્ટવેર એન્જિનિયર. કેટલાક બાળકોએ શિક્ષક બનવું છે એમ પણ કહ્યું. પંકજકુમારે બાળકોના સપનાઓ અને બાળકોની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરવા ગ્રામજનોને પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગ્રામજનો પણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં રસ લે. શાળાની અને બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપે એ જરૂરી છે.

રાંદેસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શીતલ ગોહિલે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ વિશે વક્તવ્ય આપ્યું હતું અને અર્પિત ગોહિલે ‘પાણી બચાવો’ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ બંને ભૂલકાઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, મહિલાઓને સમાન હક્ક આપવા માટે આપણે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આણવું પડશે.

વર્ષ ૧૯૬૧થી જેનું અસ્તિત્વ છે તે રાંદેસણ પ્રાથમિક શાળામાં ભણેલા અને સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ શ્રી પંકજકુમારે સન્માન કર્યું હતું. ૭૫ વર્ષના વડીલ ગાંડાજી પ્રતાપજી ગોહિલ અને અત્યારે સાબરકાંઠા જિલ્લામાં કલેકટરના ચિટનીસ તરીકે ફરજ બજાવી રહેલા રાંદેસણ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કનકસિંહ ગોહિલનું મુખ્ય સચિવએ સન્માન કર્યું હતું.

સાબરમતી નદીને કિનારે આવેલુ રાંદેસણ પ્રાથમિક શાળાનું પરિસર નિહાળીને મુખ્યસચિવ પંકજકુમારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે શાળાના પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ વાવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર તેજલબેન નાયી, મીનાબેન પટેલ અને પોપટસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા જેતલબેન પંડ્યાએ આભારદર્શન કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાની સરગાસણ પ્રાથમિક શાળામાં મુખ્ય સચિવ પંકજકુમારે ૨૫ કન્યા અને ૧૦ કુમાર ; એમ કુલ ૩૫ વિદ્યાર્થીઓનો ધોરણ-૧ માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે આંગણવાડીમાં નવ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો. ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સરગાસણ પ્રાથમિક શાળામાં મોટી રકમનું દાન આપનારા ગામના દાનવીરોને મુખ્ય સચિવ પંકજકુમારે સન્માન પત્રો આપ્યા હતા. ગામના દાતાઓનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે, દાન કરવા માટે પાકીટ ભરેલું હોવું જોઈએ, સાથોસાથ દિલ પણ મોટું હોવું જોઈએ. ગ્રામજનોના દાનથી શાળાનો વિકાસ અને શાળાની સાથોસાથ ગામનો વિકાસ પણ સાચી દિશામાં થઈ રહ્યો છે.

સરગાસણ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ૩૦૦-૪૦૦ વર્ષ જૂનું વડનું વૃક્ષ છે, એ નિહાળીને મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, આ વટવૃક્ષ વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત નહીં થવાનો સંદેશો આપે છે. બાળકોને આ વટવૃક્ષ જેવા અડગ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકો બાળકોને એવા સંસ્કારો આપે કે બાળકો પણ આ વટવૃક્ષ જેવા અડીખમ બને. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ એક કલા છે, સર્જનશીલતા છે. અન્ય વ્યવસાયિકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે જ્યારે શિક્ષકો એક વ્યક્તિનું નિર્માણ કરે છે. વ્યક્તિના નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે અને એમ જ દેશનું નિર્માણ થાય છે. શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ કે, હું સમાજમાં મોટું પ્રદાન કરું છું. શિક્ષકો આવી ભાવનાથી ભણાવશે તો શિક્ષણમાં અસરકારકતા આવશે. શિક્ષકોએ સાવધાની અને સમર્પણથી બાળકોને ભણાવવા જોઈએ. કોઈ ઈમારત ચણાઈ જાય પછી તેની ઉપર બીજો કે ત્રીજો માળ બાંધવાનું સરળ છે, પણ ફાઉન્ડેશનમાં પછીથી કંઈ થઈ શકતું નથી. એમ પ્રાથમિક શિક્ષણ એ જીવનનું ફાઉન્ડેશન છે, એ જેટલું મજબૂત હશે એટલી ઇમારત ભવ્ય બનશે. તેમણે બાળકોની કુતુહલતા અને સહજતાને સાચવી રાખવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
સરગાસણમાં આંગણવાડીના બાળકોને મળીને મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે કહ્યું હતું કે, ભૂલકાઓનાં પોષણનું પણ સતત પરીક્ષણ થતું રહેવું જોઈએ. સ્વસ્થ તન હશે તો જ મન સ્વસ્થ હશે. તેમણે બાળકોના પોષણના ટ્રેકિંગ માટે વિશેષ એપ બનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કુપોષણ’ શબ્દને આપણા શબ્દકોશમાંથી કાયમને માટે કાઢી મુકવો છે, અને ‘સુપોષણ’ શબ્દ સતત રાખવો છે. શિક્ષકો પણ સ્વસ્થ અને પોષિત હશે તો સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થશે.

સરગાસણ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તેમણે ભુલકાઓની સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. ગામના દાતાઓને તેમણે સન્માનપત્રથી નવાજ્યા હતા. સરગાસણની વિશેષતા એ છે કે, સરકારી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ પણ પોતાની શાળાના વિકાસ માટે માતબર રકમનું દાન આપ્યું છે. આ માટે તેમણે સરગાસણ પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા.

સરગાસણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વાત કરતાં મુખ્ય સચિવ પંકજકુમારે જાણ્યું કે, સમિતિના વરિષ્ઠ સભ્ય સુભદ્રાબેન ચુનીલાલ જોશી સરગાસણ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી, ભૂતપૂર્વ શિક્ષિકા અને ભૂતપૂર્વ આચાર્યા પણ છે. તેમણે સુભદ્રાબેનને સરગાસણ ઉપરાંત આસપાસની શાળાઓની સમયાંતરે મુલાકાત લેવા અને શિક્ષણની ગુણવત્તા વધુ સારી કરવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સરગાસણની મુલાકાત દરમ્યાન કોર્પોરેટર છાયાબેન ત્રિવેદી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા સ્તુતિબેન જોષીએ વિધા સમીક્ષા કેન્દ્ર વિશે માહિતી આપી હતી.

મુખ્ય સચિવ પંકજકુમારે ગાંધીનગર જિલ્લાના તારાપુર ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. આ શાળામાં ૨૨ કુમાર અને ૨૦ કન્યાઓ સહિત ૪૨ વિદ્યાર્થીઓએ ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સાત ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો. મુખ્યસચિવશ્રી પંકજકુમારે કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ શિક્ષિત હશે તો પરિવારને મોટી મદદ મળશે. પ્રાથમિક શાળા માટે દાન આપનાર દાતાઓનું બહુમાન કરતા શ્રી પંકજકુમારે કહ્યું હતું કે, વધુ ને વધુ લોકો શાળા માટે દાન આપે એ પ્રશંસનીય છે. તેમણે તારાપુર પ્રાથમિક શાળાના બાળકોને સાયન્સ સિટીના પ્રવાસે લઈ જવા ગામના દાતાઓને અપીલ કરી હતી.
તારાપુર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યા પછી મુખ્ય સચિવ પંકજકુમારે શાળાના સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગાંધીનગર જિલ્લાની રાંદેસણ, સરગાસણ, અંબાપુર, તારાપુર, ભાઈજીપુરા અને કુડાસણ પ્રાથમિક શાળાઓના ક્લસ્ટરની સમગ્ર કામગીરીનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું હતું.

શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. ભરત વાઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી અર્ચનાબેન પ્રજાપતિ, દિપ્તીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Your email address will not be published.