સૌરાષ્ટ્રમાં ફેલાયેલા લમ્પી વાઇરસની અસર હવે પશુમેળા પર પણ પડી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે બે વર્ષ પછી વિશ્વવિખ્યાત પશુમેળાનું આયોજન થવા જઈ રહ્યુ હતુ, પરંતુ લમ્પી વાઇરસના લીધે તરણેતરના મેળાની સાથે યોજાતા પશુમેળાને ન યોજવાનો નિર્ણય લેવાયો છે.
સુરેન્દ્રનગરના પાંચાળ પંથકમાં કોરોનાના બે વર્ષના કપરા કાળ પછી તરણેતરના મેળાનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ વિશ્વવિખ્યાત તરણેતરીયા મેળામાં પશુઓમાં લમ્પી વાઇરસના રોગના લીધે પશુમેળો ન યોજવાનો નિર્ણય શુક્રવારે કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ મળેલી બેઠકમાં લેવાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતરમાં ત્રિનેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં આ વર્ષે 30 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર દરમિયાન ભાતીગળ લોકમેળો યોજાનાર છે. કોરોનાના લીધે છેલ્લા બે વર્ષ સુધી મેળો મોફૂક રહ્યા પછી આ વર્ષે યોજાઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે મેળાના આયોજન માટે બેઠક મળી હતી.
કલેક્ટર કે.સી. પંત, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, પોલીસ વિભાગ, પ્રાંત અધિકારીઓ અને તરણેતરના સરપંચ સહિત આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં હાલમાં સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાઇરસનો ફેલાવો વધ્યો છે, તેથી પશુમેળાનું આયોજન ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મેળામાં શિવપૂજન, ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, મેળામાં બ્લોક, તરણેતરને જોડતા રસ્તા પર ટ્રાફિક, પાર્કિંગ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે ખાસ ચર્ચા થઈ હતી અને વીજ પુરવઠો ન ખોરવાય તે અંગે તકેદારી રાખવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા.