રાજ્યમાં ફરી ઝડપાયું એમડી ડ્રગ: વિધાનસભામાં ગાજ્યો હેરોઈનનો મુદ્દો

| Updated: September 28, 2021 7:35 am

નશાના સોદાગરો રાજ્યમાં એમડી ડ્રગની આદત લગાવીને યુવાધનને બરબાદ કરી રહ્યું છે તેની સાબિતી છે આ તસવીર. મુન્દ્રામાં 21,000 કરોડનું ડ્રગ્સ પકડાયા પછી ચકચાર મચી ગઈ છે ત્યાં હવે પાલનપુરમાંથી બે લોકો પાસેથી એમડી ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. પાલનપુર એસઓજીની ટીમે બાતમીને આધારે 26 લાખની કિંમતનું મેફેડ્રોન એમડી ડ્રગ ઝડપી પાડ્યું છે.
અમદાવાદથી લક્ઝરી બસમાં રાજસ્થાન જઈ રહેલા બે શખ્સો મેફેડ્રોન એમડી ડ્રગ લઈને જઈ રહ્યા હોવાની પાલનપુર SOGને બાતમી મળી હતી. જે બાતમીને આધારે રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને અટકાવીને તપાસ કરતા પરપ્રાંતીય શખ્સો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. જેની કિંમત અંદાજીત 26 લાખ જેટલી થાય છે.

પોલીસે આ બંને રાજસ્થાનના આરોપીયોને ઝડપી લઈ તેમની પાસેથી ડ્રગ અને મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. નશાના આ કારોબારમાં હવે કોણ કોણ સંકળાયેલું છે અને આ ડ્રગ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ કોઈ નેચરલ ડ્રગ્સ નથી. તેને લેબમાં તૈયાર કરવામાં આવતું હોવાથી તેની એક ગ્રામ ડ્રગ્સની બજાર કિંમત 10 હજાર રૂપિયા જેટલી થાય છે. તેના નેટવર્કના તાર ગુજરાત બહાર જોડાયેલા છે. જોકે હાલ તો પોલીએ ઝડપાયેલા બે આરોપીઓ ગોરખારામ ખેંગારરામ જાટ અને જોગારામ ગુમનારામ જાટ સહિત એક અન્ય આરોપી મળી ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું ડ્રગ ઝડપાયું હતું. જે મામલે પણ નવ આરોપીયોની ધરપકડ કરવામાં આવી છે.

એક અંદાજ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 30,000 કરોડનું ડ્રગ ઝડપાઈ ચુક્યું છે. ડ્રગ માફિયાઓએ વૈશ્વિક સ્તરે પ્લાન કરી એમડી ડ્રગ દેશમાં સ્મગલ કરવા આયોજનબદ્ધ ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરી રહ્યા છે.

થોડા વર્ષો પહેલા તો એમડી ડ્રગ શું છે તે કોઈ જાણતું ન હતું પરંતુ ઓછી કિંમતે વધુ નશો આપતું આ ડ્રગ દેશમાં યુવાધનને ખોખલું કરી રહ્યું છે. અત્યારે તો વિચારવું મુશ્કેલ બની ગયું છે કે જે કિંમતનું ડ્રગ હાલ માત્ર ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યું છે તો નશાનો વેપલો કઈ હદ સુધી પહોચી ચુક્યો હશે ? ડ્રગ માફિયાઓ હાલ તેવા લોકોની ચેઈન બનાવી તમાકુના વેચાણની માફક બિન્દાસ રીતે વેપલો ચલાવી રહ્યા છે.

વિધાનસભામાં ગાજ્યો હેરોઈનનો મુદ્દો

ગુજરાતમાંથી પકડાયેલા કરોડો રૂપિયાના હેરોઈનનો મુદ્દો આજે વિધાનસભામાં પણ ગાજ્યો હતો જેમાં કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયા હતા. ભાજપના નેતાઓએ આરોપ મુક્યો હતો કે કોંગ્રેસની સરકાર હોત તો આ ડ્રગ્સનો જથ્થો પગ નીચેથી પસાર થઈ ગયો હોત. આ વિધાનથી કોંગ્રેસના સભ્યો ઉકળ્યા હતા.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત સુરક્ષિત હાથમાં છે. ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડયું છે. વિરજીભાઈ ઠુમ્મર પોલીસનું મોરલ ડાઉન કરી રહ્યા છે. ગુજરાતના પોલીસ જવાનોએ 72 કલાક જીવ જોખમમાં રાખી ઓપરેશન પાર પાડ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન બદલ કોંગ્રેસ સભ્યોએ હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં 21 હજાર કરોડનું ડ્રગ્સ તમારી સરકારની મીઠી નજર હેઠળ પકડાયું છે. લુખ્યાં તત્વો પોલીસને માર મારે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, હર્ષભાઇ કોઈ ગલીમાં ભાષણ કરતા હોવ તેવી ભાષામાં ગૃહમાં જવાબ આપે છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રીના પદની ગરિમાનું ભાન નથી.

Your email address will not be published. Required fields are marked *