મહેસાણાઃ દહેગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની જેલયાત્રા અવિરત જારી છે. છેક આસામના સ્ટેટ ટુરિસ્ટ બન્યા પછી અમદાવાદ પરત આવ્યા પછી હવે મેવાણીને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી છે.
જિજ્ઞેશ મેવાણીને આ સજા 2017ની આઝાદીની રેલી કૂચના સંદર્ભમાં ફટકારવામાં આવી છે. તેઓએ આઝાદી રેલી મંજૂરી વિના યોજી હતી. જિજ્ઞેશ મેવાણીને જે રીતે એક પછી એક જેલોમાં મોકલવામાં આવી રહ્યો છે તે જોતાં તો કોઈને એમ જ લાગે કે આ ભાવિ જેલ પ્રધાન બનશે કે શું. સરકાર શું કામ તેની પાછળ પડી ગઈ છે.
પહેલા આસામની પોલીસ મેવાણીને લઈ ગઈ અને હવે મહેસાણાની કોર્ટે તેને સજા ફટકારી છે. જો કે ફક્ત જિજ્ઞેશ મેવાણી જ નહી પણ તેની સાથે રેશ્મા પટેલને અને બીજા બારને ત્રણ માસની સજા અને એક-એક હજાર રૂપિયાનો દંડ કોર્ટે ફટકાર્યો છે.
આ અંગે એનસીપી નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ, પણ આજે તે બાબત હકીકત બની ગઈ છે કે ભાજપના શાસનમાં લોકો માટે ન્યાય માંગવો પણ ગુનો બન્યો છે. અમને લોકો માટે ન્યાય માંગવા બદલ આ સજા મળી છે. ભાજપ કાયદાનો ખોટો ઉપયોગ કરીને અને તેનો ખોટો ડર બતાવીને અમને રોકી નહી શકે. અમે લોકોને અવાજ ઉઠાવતા જ રહીશું. અમારો અવાજ કચડાયેલા, પીડિતો અને સરકારી તંત્રની નિષ્ફળતાનો ભોગ બનેલાઓ માટે છે. અમે આ અવાજ ઉઠાવીશું જ. સરકારની દમનકારી નીતિઓ આવા કોઈ અવાજને દબાવી નહી શકે.
જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે મારી સામે સરકારે કરવા હોય તેટલા કેસ કરે, મને જેલમાં જેટલી વખત મોકલવો હોય તેટલી વખત મોકલે, પણ દલિતો અને પીડિતોનો અવાજ ઉઠાવતા તેઓ મને નહી રોકી શકે. મારો અવાજ તેમના માટે છે. નહી તો હમણા સુધી મારી સામે કશું જ ન હતુ અને આટલા કેસ ક્યાંથી થવા લાગ્યા. સ્વાભાવિક રીતે તેઓ રાજકારણમાં એક દલિતના ઉગતા અવાજને સહન કરી શકતા નથી. તેથી જ તે મને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. પણ તેઓ દ્વારા મારા પર ગુજારવામાં આવનારા અત્યાચારોનો જવાબ અમારા દલિત બંધુઓ તેમના એક-એક વોટથી આપશે.