ગુજરાત સરકારનો જ અભ્યાસ જણાવે છે કે પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 231 દર્દીના મોત થયા છે જેમાં 104 દર્દી એવા હતા જેમણે રસીનો એકપણ ડોઝ લીધો નહોતો. અભ્યાસના તારણો મુજબ 206 મૃતકોના ફેફસાં સંક્રમિત થયાં હતા.
ગુજરાતમાં કુલ કોરોના કેસ પૈકી 80 ટકા ઓમિક્રોન તથા 20 ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટના છે. છેલ્લા બે મહિનામાં નોંધાયેલા મૃતકોમાં 127 દર્દીએ રસીનો પ્રથમ કે બીજો ડોઝ લીધો હતો જ્યારે 104 જણે એકપણ ડોઝ લીધો નહોતો.
રાજ્યમાં હાલ કોરોનાને કારણે મૃત્યુ પામેલાં દર્દીઓ પૈકી જે દર્દીઓના મોત થયાં તેમાંથી ઘણાં અગાઉ કોઇ ગંભીર બિમારીને કારણે દવાખાને દાખલ થયાં હતાં. તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી દાખલ કરાયાં બાદ તેમનો કોવિડ ટેસ્ટ કરાતાં તેઓ પોઝિટીવ જણાયાં હતાં અને તેમની હૃદય, કિડની, લિવર કે અન્ય બિમારી સંદર્ભની સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યાં હતાં.
છેલ્લા ચાર દિવસમાં જ રાજ્યમાં કોરોનાથી 100 દર્દીના મોત થયા છે. જો કે છેલ્લા 7 જ દિવસમાં રાજ્યમાં એક લાખથી વધારે દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીનું રસીકરણ
રાજ્યમાં અત્યાર સુધી 9.73 કરોડ રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 5.10 કરોડને પહેલો ડોઝ, 4.51 કરોડને બીજો ડોઝ જ્યારે 12 લાખને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 17 વર્ષની કેટેગરીમાં 26 લાખને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અંદાજે 35 લાખ કિશોરોમાંથી અંદાજે 75 ટકાને પહેલો ડોઝ મળી ગયો છે.