મુઘલ-એ-આઝમની મોટા ભાગની સ્ટારકાસ્ટ હવે આપણી વચ્ચે નથી

| Updated: July 7, 2021 3:23 pm

મુઘલ-એ-આઝમના શાહજાદા સલીમ એટલે કે દિલીપ કુમારની વિદાય સાથે ફિલ્મ ઉદ્યોગનો દરબાર સૂનો પડ્યો છે. 16મી સદીના મુઘલ રાજકુમારની કાલ્પનિક વાર્તા પરથી બનેલી ફિલ્મ મુગલ-એ-આઝમ ભારતીય સિનેમાની સૌથી મહાન ફિલ્મો પૈકી એક ગણાય છે. આ ફિલ્મના તમામ કલાકારો પોતપોતાની રીતે એક દંતકથા સમાન હતા, પછી તે પૃથ્વીરાજ કપૂર હોય, મધુબાલા હોય કે દિલીપ કુમાર હોય.

કે. આસિફની આ યાદગાર ફિલ્મને આપણી સાથે અત્યાર સુધી જોડી રાખનારી છેલ્લી વ્યક્તિ કદાચ દિલીપ કુમાર હતા. તેમની વિદાય સાથે હવે કહી શકાય કે એકમાત્ર તબસ્સુમને બાદ કરતા મુઘલ-એ- આઝમ ફિલ્મની સ્ટારકાસ્ટની એક પણ જાણીતી વ્યક્તિ જીવીત નથી.

મુઘલ-એ-આઝમની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણને પૃથ્વીરાજ કપૂર યાદ આવે છે. પડછંદ શરીર, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એવા જ પડછંદ અવાજના માલિક એટલે પૃથ્વીરાજ કપૂર. શહેનશાહ અકબરને આપણે જોયા નથી પણ આપણે એવું માનીએ છીએ કે તેઓ પૃથ્વીરાજ કપૂર જેવા જ દેખાતા હશે. મુઘલ-એ-આઝમની આ ભવ્યતા હતી. કોઈ અનારકલી શાહજાદા સલીમ પર એવી ભૂરકી છાંટી શકે કે તે પોતાના પિતા અને હિંદુસ્તાનના શહેનશાહ સામે બગાવત કરે તે માનવામાં નથી આવતું, પરંતુ જો ખરેખર કોઈ અનારકલી હશે તો તે મધુબાલાથી વધારે સુંદર નહીં હોય તેવું આપણે ધારીએ છીએ. આ પણ કે આસિફની કમાલ છે. કે આસિફ 1971માં મૃત્યુ પામ્યા હતા.

મુઘલ-એ-આઝમ ઓગસ્ટ 1960માં રિલિઝ થઈ હતી અને તેનું શૂટિંગ એક દાયકા કરતા વધુ સમય ચાલ્યું હતું. આ દરમિયાન દિલીપ કુમારની ઉંમર પણ દેખાવા લાગી હતી. પૃથ્વીરાજ કપૂર વર્ષ 1972માં આ દુનિયા છોડી ગયા. મધુબાલા તો મુઘલ-એ-આઝમના શૂટિંગ વખતે જ બીમાર હતી અને તેમનું 1969માં નિધન થયું હતું.

ત્યાર પછી આ ફિલ્મના યાદગાર પાત્રોની વાત કરીએ તો તેમાં અજિત (મૂળ નામ હમીદ અલી ખાન) 1998નો સમાવેશ થાય જે આ ફિલ્મમાં શાહજાદા સલીમના સાથીદાર દુર્જન સિંહ છે. સલીમની માતા એટલે કે મહારાણી જોધાબાઈનું પાત્ર ભજવનારા દુર્ગા ખોટેને પણ કેમ ભૂલી શકાય. આ વિખ્યાત કલાકારનું 1991માં અવસાન થયું હતું. અકબરના સેનાપતિ માનસિંહની ભૂમિકા ભજવનાર મુરાદ 1997માં મૃત્યુ પામ્યા.

ફિલ્મનું સંગીત મહાન સંગીતકાર નૌશાદે આપ્યું હતું. તેઓ પણ આપણી વચ્યે રહ્યા નથી. નૌશાદનું 2006માં અવસાન થયું હતું. ફિલ્મ જોનારાઓને ખ્યાલ હશે કે ફિલ્મમાં નિગાર સુલ્તાનાએ પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે સલીમ સાથે લગ્ન કરીને મહારાણી બનવાના ખ્વાબ જોતી હોય છે. નિગાર સુલ્તાના એટલે કે મુઘલ યુગની બહાર બેગમની આંખો જ એવી પ્રભાવશાળી હતી કે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેઓ 2000માં મૃત્યુ પામ્યા હતા.

જલાલ આગા પણ આ ફિલ્મમાં હતા. તેઓ 1995માં મૃત્યુ પામ્યા. મહાન કોમોડિયન જ્હોની લીવર એટલે કે બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી આ ફિલ્મમાં એક કિન્નર તરીકે જોવા મળ્યા હતા. તેમનું 2003માં અવસાન થયું હતું. ફિલ્મ અભિનેત્રી અને ટોક શોના હોસ્ટ તબસ્સુમ આજે આપણી વચ્ચે હયાત છે અને ઇશ્વર તેમને લાંબુ અને તંદુરસ્ત જીવન આપે એવી આપણે પ્રાર્થના કરીએ.

દિલીપ કુમારની વિદાય સાથે ખરેખર એક યુગનો અંત આવ્યો છે તેમ કહી શકાય.

Your email address will not be published.