અમદાવાદઃ ગુજરાતના સર્જન દંપતીએ શુક્રવારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યો છે. તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર દંપતી બન્યા છે.જ્યારે અન્ય એક ભારતીય પર્વતારોહકે ઓક્સિજન સપોર્ટ વિના વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સર કર્યું હતું, તેમ નેપાળના મીડિયાએ શનિવારે અહેવાલમાં જણાવ્યું હતું.
ડો.હેમંત લલિતચંદ્ર લેઉવા અને તેમની પત્ની ડો.સુરભિબેન લેઉવા શુક્રવારે સવારે લગભગ 8:30 વાગ્યે 8,849 મીટર (29,032 ફૂટ) ઊંચા શિખરની ટોચ પર પહોંચ્યા હતા, જે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડનાર પ્રથમ ભારતીય ડોક્ટર દંપતી બન્યા હતા, તેમ સટોરી એડવેન્ચરના મેનેજિંગ ડિરેક્ટર ઋષિ ભંડારીએ જણાવ્યું હતું.
હેમંત લેઉવા એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સર્જરીના પ્રોફેસર છે અને તેમની પત્ની ગુજરાત વિદ્યાપીઠમાં ચીફ મેડિકલ ઓફિસર છે. ધ હિમાલયન ટાઇમ્સના અહેવાલ મુજબ,અમદાવાદમાં ફરજ બજાવતું આ દંપતી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે માઉન્ટ એવરેસ્ટનાં શિખર પર પહોંચ્યું હતું.
આ ડોક્ટર દંપતી 2021ના વર્ષમાં 8,163 મીટરની ઊંચાઈ પર નેપાળમાં આવેલા માઉન્ટ મનસ્લુ પર પહોંચ્યા હતા. તે વિશ્વનો આઠમા ક્રમનો સૌથી ઊંચો પર્વત છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પર તેઓ બે વખત એકસાથે પહોંચ્યા હતા. ડોક્ટર લેઉઆએ એક વર્ષ પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ખરાબ વાતાવરણના લીધે પહોંચી શક્યા ન હતા. પણ તેમણે નિરાશ થવાના બદલે વધારે મહેનત કરી અને એવરેસ્ટ બનાવવાના પોતાના સપનાને સાકાર કર્યુ હતું.
પીક પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાબુ શેરપાના જણાવ્યા અનુસાર,લદ્દાખના એક પર્વતારોહક સ્કલઝાંગ રિગઝિને શુક્રવારે સવારે માઉન્ટ લ્હોત્સે (8,516 મીટર)નાં શિખર પર પહોંચવામાં સફળતા મેળવી હતી.
41 વર્ષીય રિગઝિન પ્રથમ ભારતીય પર્વતારોહક છે, જે પૂરક ઓક્સિજનનો ઉપયોગ કર્યા વિના માઉન્ટ અન્નપૂર્ણા પર પહોંચ્યો છે. તેણે 28 એપ્રિલે માઉન્ટ અન્નપૂર્ણા સર કર્યો હતો.શેરપાએ જણાવ્યું હતું કે, રિગઝિને બોટલ્ડ ઓક્સિજનનાં સપોર્ટ વિના 16 દિવસમાં બીજી વખત 8000 મીટરની ઉંચાઇ સર કરી હતી.
હિમાચલ પ્રદેશની 27 વર્ષીય ભારતીય મહિલા પર્વતારોહક બલજીત કૌરે ગુરુવારે બે અઠવાડિયાનાં સમયગાળામાં નેપાળમાં 8,000 મીટરથી ઉંચા બે પર્વતીય શિખરો સર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કૌર ગુરુવારે સવારે 4:20 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે) માઉન્ટ કાંચનજંગા (8,586 મીટર) પર પહોંચી હતી જયારે 28 એપ્રિલના રોજ માઉન્ટ અન્નપૂર્ણા વન (8,091 મીટર) સર કર્યો હતો.
ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રની પ્રિયંકા મોહિતે 8,000 મીટરથી ઉંચા પાંચ શિખરો સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં અનેક વિદેશી પર્વતારોહકો અને શેરપા ગાઇડ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કરે છે. મે મહિનામાં હિમાલયના શિખરો પર ચડવા માટે સૌથી અનુકૂળ હવામાન હોય છે.