ત્યારે મલાણા તળાવ ભરવાની છેલ્લા 25 વર્ષ જૂની માંગ હવે જોર પકડતી જાય છે. આ પ્રશ્ને અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી યોજ્યા બાદ પણ પરિણામ ન મળતા આજે ફરી એકવાર મહિલા પશુપાલકો મેદાનમાં આવ્યા છે. સરકાર સામે લડી લેવાના મૂડમાં આવેલી મહિલાઓએ આજે પાલનપુર ખાતે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવાની વર્ષો જુની માંગણી સંતોષાતી નથી. પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના પચાસ ગામોને આ તળાવ સીધી અસર કરે છે. જો આ તળાવમાં પાણી હોય તો પશુપાલનના નિભાવ સાથે પાણીનાં તળ પણ ઊંચા આવે તેમ છે. મહિના અગાઉ પાંચ હજાર જેટલા ખેડૂતોએ તળાવ ભરવા માટે રેલી યોજી હતી. પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન કરતા આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મહિલા પશુપાલકો મેદાનમાં આવી હતી.
પાલનપુરના બિહારી બાગ પાસે મહિલા પશુપાલકો સહિત ખેડૂતોએ સભા યોજી હતી. બાદમાં હજારો મહિલાઓ સહિત ખેડૂતો રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જળ નહિ તો વોટ નહિ ના નારા વચ્ચે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી.
જોકે, એકબાજુ ખેડૂતો અને પશુપાલકો પાણી માટે રીતસરના વલખાં મારી રહ્યા છે. પાણીના અભાવે પશુઓ સહિત ખેડૂતોનું જીવન દુષ્કર બન્યું છે. તો બીજીબાજુ મલાણા પાસે જ આવેલ એક રિસોર્ટમાં પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો છે. અહીં વોટરપાર્કમાં પૈસાદાર ઘરના નબીરાઓ આવી પાણીમાં છબછબિયા કરી રોજનું હજારો લીટર પાણી વેડફી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાથી ઘેરાયેલ કિસાન સંઘના અગ્રણીઓએ પણ અહીં પાણીનો વેડફાટ થતો હોવાનો એકરાર કર્યો હતો. તેઓએ ઉદ્યોગપતિઓને સરકાર સબસીડી સહિતના લાભો આપતી હોવાનું જણાવી આ વિષય સરકારનો હોવાનું કહી પાણીના થતા બગાડ સામે મૌન સેવ્યું હતું.