ડોલી પટેલ પાસે એક વિદ્યાર્થીની જેવું મગજ અને એવું મજબૂત હૃદય છે જે નિષ્ફળતાઓથી ડરતું નથી. તેમણે 2006માં પોતાની મિત્રમંડળીમાં આભૂષણ વેચવાનો પ્રારંભ કર્યો. પ્રારંભ હીરાની સાત અંગૂઠીઓથી કર્યો, ઉદ્યોગમાં કંઇક મોટું કરવાની ભાવના સાથે તેમણે આનો પ્રારંભ કર્યો હતો.
અમદાવાદમાં ‘ડોલી પટેલ જ્વેલરી સ્ટુડિયો’ નામથી જ્વેલરી બ્રાન્ડ ચલાવી રહી છે. 50 વર્ષીય ડોલીએ જણાવ્યું હતું કે હું એક કારોબારી પરિવારમાં ઉછરી છું. મારા સમયમાં કોઈ યુવતી માટે નોકરી કરવી અઘરી વાત હતી, પરંતુ મને ખાતરી હતી કે હું કામ કરી શકું છું. હું મારું પોતાનું કંઇક કરવા માંગતી હતી. મેં શિક્ષણ પર ધ્યાન આપવાનો પ્રારંભ કર્યો. પહેલા બી.કોમ અને પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ અને મેં મારો કારોબાર શરૂ કર્યો.
ડોલી 2006માં કારોબાર શરૂ કરવા માટે પોતાના કુટુંબ પાસેથી મળેલા સમર્થન બદલ ધન્યતા અનુભવે છે. તે વ્યવસાયી એનકે પટેલની પત્ની છે અને સન બિલ્ડર્સના સ્થાપક અને એમડી દીપ પટેલની માતા છે. તેમની વહુ હર્ષિતા પટેલ ફીટનેસ ફ્રીક છે અને શહેરમાં પિલેટ્સ સ્ટુડિયો ચલાવે છે.
ડોલી કહે છે કે મારો સૌથી મોટો સંઘર્ષ પોતાના ઘરને સ્ટુડિયોમાં બદલવાનો હતો. મેં ઘરેથી વેચાણ શરૂ કર્યુ હતુ અને ચાર વર્ષ પહેલા જ મેં મારો સ્ટુડિયો સ્થાપ્યો છે. હું હંમેશા કંઇક રચનાત્મક કરવા માંગતી હતી. મને હંમેશા ઘરેણા પ્રત્યે પ્રેમ રહ્યો છે. તેથી મારી બીજી ઇનિંગમાં હું કંઇક નવું કરીને ખુશ છું.
ડોલી પટેલના પતિ જ્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે વ્યવસાયને પણ સંભાળ્યો હતો. આ અનુભવ મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે કામ આવ્યો. આટલા સમયગાળામાં તેમણે કેરિયર બદલી છે, કુટુંબની દેખભાળ કરી છે, નાણા કમાયા છે, નિષ્ફળતા પણ મેળવી છે, પણ ક્યારેય હાર માની નથી. તેનું કહેવું છે કે મારી વયે તમે નીડર થઈ જાવ છો. તમે ઘણુ બધુ જોઈ લીધું હોય છે. અધ્યાત્મ પ્રતિના ઝોકના લીધે નિષ્ફળતાઓને સારી રીતે પહોંચી વળવામાં મદદ મળી.
અંતે તે કહે છે જે દિવસે મેં કંઇક નવું કર્યુ ન હોય કે નવું શીખ્યું ન હોય તો દિવસ નિષ્ફળ ગયો હોય તેમ લાગે છે. આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ અને પોતાના નવા અનુભવથી શીખીએ છીએ. હું સાવધ રહીને તેનો અભ્યાસ કરું છું. આ બાબતે મને વર્ષોથી શીખવામાં અને આગળ વધવામાં મદદ કરી છે. હવે આગળ હું નિકાસ કરવા માંગુ છું. આ તો ફક્ત શરૂઆત છે.