નાબાર્ડની 3245 કરોડની સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાને મંજૂરી

| Updated: May 24, 2022 2:45 pm

અમદાવાદઃ નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બોર્ડ (નાબાર્ડ)એ સિંચાઈ અને ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીના પુરવઠાની 3,245 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ મંજૂરી રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (આરઆઇડીએફ) 2021-22 હેઠળ આપવામાં આવી છે.

નાબાર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રોજેક્ટ સહાય માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેની સામે 2020-21માં 2,989 કરોડની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2021-22 હેઠળ આરઆઇડીએફ માટે મંજૂર કરવામાં આવેલી રકમ કરતાં આ રકમ 8.5 ટકા વધારે છે.

નાબાર્ડના જણાવ્યા મુજબ ગુજરાત સરકારને 1995-96થી આરઆઇડીએફ સ્કીમ હેઠળ 63,172 પ્રોજેક્ટ માટે 35,225 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13,409 કરોડની રકમ ફાળવવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2021-22 માટેની સિંચાઈ યોજનાને બે પેકેજમાં મંજૂરી મળી છે. તેમા સૌની લિંક પ્રોજેક્ટ-3 માટે 330 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ ઇરિગેશન યોજના  કે સૌની યોજના હેઠળ નર્મદાનું દસ લાખ ફ્લડ વોડટર સૌરાષ્ટ્ર તરફ વાળવામાં આવે છે. સૌની લિંક ત્રણ પ્રોજેક્ટ રાજકોટ, જામનગર, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્ર નગરને જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટના વેણુ-1 ડેમને જોડે છે.

અન્ય સિંચાઈ યોજનાઓમાં જોઈએ તો દાહોદના આદિવાસી જિલ્લામાં 194 કરોડની સિંચાઈ યોજના છે, 273 કરોડની પાનમ રિઝર્વોયર બેઝ્ડ લિફ્ટ ઇરિગેશન સ્કીમ છે. 114 કરોડની પાનમ હાઈ લેવલ કેનલ બેઝ્ડ લિફ્ટ ઇરિગેશન સ્કીમ છે અને 231 કરોડનો વાઘરેચ રિચાર્જ પ્રોજેક્ટ છે. સિંચાઈ યોજનાઓના લીધે 75,112 હેક્ટર જમીનને પિયત કરી શકાશે.

જળજીવન મિશન હેઠળ ગ્રામીણ પીવાના પાણીની યોજનામાં ગુજરાતના આઠ જિલ્લામાં 85.76 લાખ લોકોને ઘરે 1,006 કરોડના ખર્ચે ઘરે પાણી મળશે. આ ઉપરાંત પીવાના પાણીના બે પ્રોજેક્ટમાં બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનના 293 કરોડ ( ભાવનગર) ધનકીથી નાવડા બલ્ક પાઇપલાઇન માટે 794 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેના લીધે 68.4 લાખ ગ્રામીણ વસ્તીને આ યોજનાનો લાભ મળશે.

Your email address will not be published.