બોપલ ઓનલાઈન ડ્રગ્સ કેસના માસ્ટર માઇન્ડની નવી મોડેસ ઓપરેન્ડી: ગુજરાત-રાજસ્થાનના સરનામા પર મંગાવાતો ડ્રગ્સ

| Updated: November 25, 2021 4:15 pm

અમદાવાદ સહિતના ગુજરાતના હાઇપ્રોફાઇલ ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના નશીલા પદાર્થોના વેચાણના નેટવર્કનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો. ડીજીટલ કરન્સીથી વિદેશથી મંગાવાતા આ ડ્રગ્સ રેકેટમાં મુખ્ય સૂત્રધાર વંદિત પટેલે ગુજરાત અને રાજસ્થાનમાં 50થી વધુ નામ- સરનામા પર ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે 16 નવેમ્બરના રોજ આનંદનગરમાં રહેતા આ રેકેટના મુખ્ય સૂત્રધાર વંદિત ભરતભાઈ પટેલ તથા વેજલપુરમાં રહેતા પાર્થ પી. શર્માની ધરપકડ બાદ વધુ બે આરોપી સેટેલાઇટમાં રહેતા વિમલ એસ.ગોસ્વામી અને જીલ ડી. પરાનેને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓના મોબાઇલ અને લેપટોપમાંથી ડ્રગ્સના ફોટાઓ, પાર્સલના વિડિયો અને ચેટ જેવી ઘણી સ્ફોટક માહિતી એકઠી કરી છે.

ગ્રામ્ય પોલીસના વડા વીરેન્દ્રસિંહએ પ્રેસ કૉંફરન્સ કરી જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર વંદિત પટેલ મોબાઇલ અને લેપટોપની મદદથી ડાર્ક વેબ પર વિવિધ ડ્રગ્સ સાઇટનું સર્ચિંગ કરી તેની પરના અલગ અલગ ગ્લેન રીલેટા, સ્ટુડિયોઝ કેલિફોર્નિયા (યુએસએ), લાઇફ ચેન્જીસ હેલ્થકેર (યુએસએ) ઉપર ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી વીકર મી, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવી અતિ ગુપ્ત એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી ક્રિપ્ટો કરન્સી મારફતે ચુકવણી કરતા હતાં.

ત્યારબાદ કાર્ગો એર કુરિયર દ્વારા ગુજરાત રાજસ્થાનમાં 50થી વધારે નામ-સરનામા ઉપર પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વંદિતે આ પ્રકારે અત્યાર સુધીમાં અલગ અલગ 50થી વધારે નામ સરનામા પર લોકોને નાણાંકીય લાલચ આપીને 300થી વધુ વખત વિવિધ ડ્રગ્સની ડીલીવરી મેળવી હતી.

પોલીસે આ નામ સરનામાવાળા લોકોની પૂછપરછ કરી રેકેટના મૂળ સુધી પહોંચવાની તપાસ પણ હાથ ધરી છે. વંદિત પટેલ લાંબા સમય સુધી બંધ મકાનોને ટાર્ગેટ કરીને આ મકનના નામા- સરનામા પર નશાકારક ડ્રગ્સનો ઓર્ડર આપી પાર્સલ રિટર્ન વખતે ટ્રેકિંગ આઇ.ડી. દ્વારા ટ્રેક કરતો હતો.બાદમાં ડિલિવરી એજન્ટને રૂબરૂ મળીને ડ્રગ્સના પાર્સલ મેળવી લેતો હતો. પોલીસે ડ્રગ્સ છૂપાવવા ઉપયોગમાં લીધેલી વસ્તુઓ, ક્રિપ્ટો ટ્રાન્સફર કરવા જરૂરી વિવિધ ક્યુ.આર. કોડ પ્રિન્ટ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે જેના માટે ફોરેન્સિક મદદ લેવાશે.

વંદિતે એમ.ડી.એમ.એ. અને કોકેઇન જેવા 1થી 2 અતિશય મોંઘા ડ્રગ્સની ડીલીવરી પણ વિદેશથી મેળવી હોવા બાબતે તપાસ ચાલી રહી છે. વંદિત પટેલ ચરસ, ગાંજો, કોકેઇન જેવા અનેક ડ્રગ્સ સંબંધે પીએચડી કર્યું હોય એટલું જ્ઞાાન ધરાવતો હતો. હાઇબ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, નશાકારક મેજીક મશરૂમ, લાઇવ રેઝીન જેવા નશીલા પદાર્થો ક્યાં અને કેવી રીતે અસરો કરે છે તેની તેને જાણ હતી.

વિદેશથી વેબસાઇટ મારફતે ડ્રગ્સના 27 પાર્સલ મંગાવ્યા હતા

આરોપી વંદિત પટેલે વિદેશમાંથી પફહોમ ડીલીવરી ડોટ કોમ વેબસાઇટ મારફતે કુલ 27 જેટલા ડ્રગ્સના પાર્સલનો ઓર્ડર આપ્યો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેમાંથી 3 પાર્સલની ડીલીવરી કરવામાં આવી હતી જ્યારે બાકીના 24 પાર્સલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે. આ તમામ પાર્સલો સંદર્ભે પોલીસ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મેળવશે.પોલીસ તપાસમાં આરોપી વિપલ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા વિકી ગોસ્વામીનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે જેને પગલે વિકી ગોસ્વામી તેમને મદદ કરતો હતો કે કેમ તેની પણ તપાસ થશે.

સિંગાપોરમાં હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા તથા સીએનો પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કરનાર વંદિત અને લંડનમાં એમબીએ થયેલા વિપલ ગોસ્વામી દિલ્હી અને મુંબઈ જેવી હોટલો અને પબમાં ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતા હતા. દમણ અને ગોવામાં પણ 20 જણાનું ગ્રુપ લઈ જઈને ડ્રગ્સ પાર્ટી કરતા હતા.

વંદિત પટેલે છેલ્લા બે વર્ષમાં મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા યુએસએ અને નેધરલેન્ડથી કુલ 100 કિલો જેટલો વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો જેમાં તેણે અલગ અલગ માધ્યમથી 8થી 10 કરોડ જેટલો નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

તે સિવાય ઇથરીયમ, લાઇટ કોઇન અને બીટ કોઇન જેવી વિવિધ ક્રિપ્ટો કરન્સી મારફતે 4 કરોડ જેટલાનો નાણાંકીય વ્યવહાર કર્યો હતો.આરોપીઓની ઉચ્ચ જીવનશૈલી, વિદેશોમાં અભ્યાસ, મોંઘદાટ કારના પ્રભાવના કારણે કેટલાક એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ પણ આ ડ્રગ્સની બુરી લતથી બાકાત રહ્યા નથી. પોલીસ આવા પ્રિમીયર ઇન્સ્ટિટયૂટની તપાસ કરીને ડ્રગ્સની ગંભીરતા સમજાવશે.

વનદીત પટેલ અને વિપલ ગોસવામીએ શહેરના કેટલાક પોલીસપુત્રો અને કરોડપતિ બિલ્ડરોના પુત્રો અને પુત્રીઓને પણ આ ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.બંને આરોપીઓ પેહલા નબીરાઓને પાર્ટીમાં કે ગ્રુપમાં ડ્રગ્સનો નશો કરાવતો હતો બાદમાં તેઓને ડ્રગ્સના રવાડે ચડાવી પૈસા કમાવતો હતો.

Your email address will not be published. Required fields are marked *