ચીનના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવી ઓફર: તરબૂચ આપો મકાન લઈ જાવ

| Updated: July 4, 2022 2:36 pm

પ્રોપર્ટી માર્કેટમાં ભયંકર મંદીને કારણે ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓએ હવે તરબૂચ અને અન્ય કૃષિ પેદાશોના બદલામાં મકાનની ચૂકવણી સ્વીકારવાનું શરૂ કર્યું છે.

“ચીનના ત્રીજા અને ચોથા-સ્તરના(Tier 3-4) શહેરોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સે તાજેતરમાં વિવિધ પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ઘર ખરીદનારાઓને ઘઉં અને લસણ સાથે તેમના ડાઉન પેમેન્ટનો એક ભાગ ચૂકવવા પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થાય છે, તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને નવા બાંધવામાં આવનારા મકાનો ખરીદવા આકર્ષિત કરવામાં આવે.” એવો અહેવાલ  ગ્લોબલ ટાઇમ્સે આપ્યો હતો.

પ્રકાશનમાં નાનજિંગના એક ડેવલપરને ટાંકવામાં આવ્યું હતું જેણે કહ્યું હતું કે,  તે ઘર ખરીદનારાઓને તેમના ઘર માટે 20 યુઆન (રૂ. 236) પ્રતિ કિલોગ્રામના દરે તરબૂચનો ઉપયોગ ચૂકવણી રૂપે કરવાની મંજૂરી આપશે.

કંપનીના પ્રતિનિધિએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, મુખ્યાલય દ્વારા આદેશ આપ્યા બાદ વિચિત્ર પ્રમોશનલ ઇવેન્ટને સ્થગિત કરવામાં આવી હતી.

પ્રતિનિધિએ કહ્યું, “અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના તમામ પ્રમોશનલ પોસ્ટરોને કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું,” તેમણે ઉમેર્યું કે તેઓ અન્ય પ્રકારની પ્રમોશનલ પ્રવૃત્તિઓ ડિઝાઇન કરવાનું વિચારી રહ્યા છે. 

28 જૂનથી 15 જુલાઇ સુધી શરૂ થનારી પ્રમોશનલ ઇવેન્ટ માટેના પોસ્ટરમાં લખવામાં  આવ્યું છે કે પ્રોપર્ટી ડેવલપર ઘર ખરીદનારાઓને મહત્તમ 5,000 કિલોગ્રામ તરબૂચની ચુકવણી કરવાની મંજૂરી આપશે, જેની કિંમત 100,000 યુઆન છે, પ્રમોશનનો હેતુ સ્થાનિક તરબૂચ ખેડૂતોને ટેકો આપવાનો છે. 

પ્રોપર્ટી માર્કેટ ઘરગથ્થુ બચત માટેના મનગમતા ઇન્વેસ્ટમેન્ટમાંનું એક હતું. બિલ્ડરો  અને ઘર ખરીદનારાઓ પણ બેંકો પાસેથી લોન લેવા તૈયાર હતા પરંતુ ચીન માટે આ સારા દિવસો ગયા વર્ષે પૂરા થયા હોય તેવું લાગી રહ્યું છે. 

બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે, લોકડાઉનને કારણે ગ્રાહક અને વ્યવસાયિક વિશ્વાસમાં ઘટાડો થયો હોવાથી ચીન રહેણાંક મિલકત બજારને બચાવવા માટેના પ્રયાસો વધારી રહ્યું છે.

Your email address will not be published.