રિઝર્વ બેન્કે આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યો
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય વર્ષ 2022-23ના સૌપ્રથમ રેપોરેટ ચાર ટકા પર અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર સ્થિર રાખ્યા છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો.
રિઝર્વ બેન્કની એમપીસીએ નાણાકીય વર્ષ 2022-23 માટે વૃદ્ધિદરનો અંદાજ સુધારીને 7.2 ટકા કર્યો છે, જે અગાઉ 7.8 ટકા હતો. જ્યારે 2022-23 માટે ફુગાવાનો અંદાજ સુધારીને 5.7 ટકા કરવામાં આવ્યો છે, જે અગાઉના 4.5 ટકાના અંદાજ કરતાં વધારે છે. છેલ્લી દસ બેઠકોથી એમપીસીએ દર સ્થિર રાખ્યો છે. રેપો રેટ છેલ્લે 22 મે 2020ના રોજ ઘટાડવામાં આવ્યો હતો. તે સમયે કોરોનાના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હતું. તેના પછી આ દર ચાર ટકાની ઐતિહાસિક નીચી સપાટીએ જ છે.
રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) વર્ષમાં છ વખત મળે છે. હવે તેની આગામી બેઠક છથી આઠ જુન દરમિયાન થશે. રિઝર્વ બેન્કના વ્યાજદર જાળવી રાખવાના નિર્ણયની રિયલ એસ્ટેટ સેક્ટર પર હકારાત્મક અસર પડશે અને સરકારનું ધ્યાન વપરાશને વેગ આપવા પર છે તે સુનિશ્ચિત કરી શકાશે, એમ સ્ટર્લિંગ ડેવલપર્સના ચેરમેન અને એમડી રામાણી શાસ્ત્રીએ જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કના વ્યાજદર જાળવી રાખવાના નિર્ણયના લીધે વધુને વધુ ઘર ખરીદનારાઓ એફોર્ડેબલ હાઉસિંગ પર મીટ માંડશે. તેના લીધે હાઉસિંગ સેક્ટરની માંગમાં પણ વધારો જોવા મળશે તેમ મનાય છે. શક્તિકાંતા દાસે મહાત્મા ગાંધીના ક્વોટ સાથે તેમનું નીતિગત નિવેદન પૂરુ કર્યુ હતું.
અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિમાં રિઝર્વ બેન્ક ભારતીય અર્થતંત્રનું રક્ષણ કરવા માટે તેના બધા જ સંસાધનોનો ઉપયોગ કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક કંઈ ફક્ત રુલ બુકને જ વળગીને બેસી રહેવાની નથી. તે તેની પાસેના ઉપલબ્ધ બધા જ વિકલ્પોનો ઉપયોગ કરશે, પછી ભલે તેણે તેના માટે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું કેમ ન પડે.