ગુજરાતમાં રોજગારી મામલે નીતિન પટેલ અને હર્ષ સંઘવી આમને-સામને, સાચું કોણ ?

| Updated: January 26, 2022 6:47 pm

ભાજપના પૂર્વ નાયાબ મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સામ સામે આવી ગયા છે. તાજેતરમાં જ એક લાયબ્રેરીના ઉદ્ધાટનમાં નીતિન પટેલે ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, દેશમાં યુવાઓ માટે તક નથી જેથી તેઓ વિદેશમાં જતા હોય છે. ત્યારે આજે તેમના જવાબમાં રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપે છે.

73માં ગણતંત્ર દિવસે રાજયગૃહ મંત્રીએ જણાવ્યું કે, ઘણા લોકો રાજયના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓને ગેરકાયદે રીતે દેશની બહાર લઈ જવામાં આવતા હોય છે. આવા લોકોને રાજય ગૃહ મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પોલીસ દ્વારા તમામ ગેરકાયદે એજન્ટો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાત પોલીસ આ બાબતે મહત્ત્વની જાહેરાત પણ કરશે.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પૂરી પાડી રહી છે. આમાં પણ કોઈ ફેરફાર કરવા હોય તો એ સૂચનો આવકાર્ય છે. ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈપણ બીજા રાજ્યની ગુજરાત અને ગુજરાતીઓ સાથે તુલના કરીએ તો ગુજરાત સૌથી વધુ તક આપનારું રાજ્ય છે.

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં પૂર્વ નાયાબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં 1995થી ભાજપની સત્તા છે. નીતિન પટેલે પોતે પણ 20 વર્ષ મંત્રીપદે રહ્યા બાદ હવે તેમને ડહાપણની દાઢ ફૂટી હતી. તેમણે સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અહીં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યા પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાંય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.

તમને જણાવી દઈએ કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચેની સરહદ પર એક બાળક સહિત ભારતીય પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોત થયા હતા.આ ઘટનામાં અમેરિકા, કેનેડા અને ભારત ત્રણેય દેશોની ટોપની પોલીસ એજન્સીએ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પોલીસની એક ટીમ કલોલ ગામના લોકો સાથે ટ્રાવેલ એજન્ટોના નામ-સરનામા શોધી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

કેનેડા અને યુએસની સુરક્ષા એજન્સીઓ અને ભારતીય પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રેશનના મોટા રેકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સીઆઈડી ક્રાઈમને ગાંધીનગર અને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોને નિશાન બનાવતા માનવ તસ્કરોના નેટવર્કને બહાર કાઢવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

Your email address will not be published.