ગુજરાતના મંત્રી કહે છે કે નોન-વેજ ફુડનો ઘુમાડો આરોગ્ય માટે હાનિકારક છે!

| Updated: November 13, 2021 1:48 pm

ગુજરાતના વહીવટીતંત્રએ રસ્તા પર નોન-વેજ ફુડ (માંસાહારી ભોજન) પીરસતા સ્ટોલ સામે ચૂપચાપ અભિયાન શરૂ કર્યું છે; કેટલાકને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાકને તેને છુપાવવા કહેવામાં આવી રહ્યું છે.
સરકારી આંકડા મુજબ ગુજરાતની 61 ટકા જેટલી વસ્તી માંસાહાર કરે છે.પરંતુ નોન-વેજ ફુડ પ્રત્યેનો પૂર્વગ્રહ અને અપમાનજનક વર્તન હજુ પણ યથાવત છે.

આપણા રાજકારણીઓ દ્વારા આ અંગે વિચિત્ર દાવાઓ કરવામાં આવે છે.ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રસ્તા પર નોન-વેજ ફુડ પીરસતા સ્ટોલના માલિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ આ બધુ બંધ કરી દે કેમ કે નોન-વેજ ખોરાકમાંથી નીકળતો ધુમાડો ‘આરોગ્ય માટે હાનિકારક’ છે. જોકે, પાછળથી તેમને તેમની ભૂલ સમજાઇ હતી અને કહ્યું હતું કે તેમને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યા છે.

કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ગુજરાતમાં નોન-વેજ ફુડના સ્ટોલ માટે ‘અલગ સ્ટ્રીટ્સ” રાખવાની ઝુંબેશ ચાલી રહી છે. વડોદરામાં નોન-વેજ ફુડ વેચતાં બે વિક્રેતાએ આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે,અમને અમારી જગ્યા પરથી ખસેડવા માટેની આ વ્યવસ્થિત ઝુંબેશ છે. ફ્રાઇડ ફિશ વેચતાં એક સ્ટોલધારકે જણાવ્યું કે અમારા મોટાભાગના ગ્રાહકો હિન્દુ છે અને તેમને અમારી વાનગીઓ ખાવામાં વાંધો નથી પરંતુ તેમ છતાં, કેટલાક અમારા વિશે ફરિયાદ કરી રહ્યા છે.

જોકે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોઇની સાથે ભેદભાવ રાખવાનો ઇરાદો નથી.મારો કહેવાનો મતલબ એ હતો કે રાહદારીઓને ચાલવા માટે જગ્યા હોવી જોઈએ. આ લોકો એક જગ્યા પર કબ્જો જમાવી દે છે.પોતે કોઈ સમુદાયની વિરુદ્ધ નથી તેમ ભારપુર્વક જણાવતાં ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, રસ્તા પર કોઈ પાવ ભાજી બનાવી રહ્યું હોય તો તેના ધુમાડાંથી પણ આંખો બળે છે. એ જ રીતે, જ્યારે મટન અથવા ઇંડાની વાનગી બનાવવામાં આવે છે, ત્યારે પણ આવું જ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા કાયદા મુજબ મટનની લારીઓ જાહેરમાં રાખી શકાય નહીં. લોકો માંસાહારી સામગ્રી લટકાવી શકે નહીં,તેમણે તેને દુકાનની અંદર અથવા કપડાથી ઢાંકીને રાખવી જોઇએ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમને આવા ફેરિયાઓ સામે અનેક ફરિયાદો મળી છે અને નિયમો શાકાહારી અને માંસાહારી ફૂડ સ્ટોલ માલિકો બંને માટે છે. ફૂટપાથ લોકોના ચાલવા માટે છે અને મેં તે સંદર્ભમાં જ કહ્યું હતું.

વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ માનવાધિકાર કાર્યકર આનંદ યાજ્ઞિકનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, તેમને આવા કોઈ કાયદાની જાણ નથી.આ મંત્રીના અંગત નિરીક્ષણો છે. ગુજરાતમાં લઘુમતીઓ અને બહુમતી વચ્ચે હંમેશાં સંસ્કૃતિનો ટકરાવ રહ્યો છે.

વડોદરામાં એક મુસ્લિમ નોન-વેજ વિક્રેતાએ જણાવ્યું હતું કે તેમને કોઈ જાણ કર્યા વિના જતાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકાએ છેલ્લા 48 કલાકમાં નોન-વેજ ખોરાકનું વેચાણ કરતાં છ કાર્ટ જપ્ત કર્યા છે. રાજકોટના મેયર પ્રદીપ દાવે જણાવ્યું હતું કે અનેક નાગરિકોએ નોન-વેજ સ્ટોલ સામે ફરિયાદો કરી છે કે નોન-વેજ ફુડના સ્ટોલથી તેમને માહેલ અપવિત્ર લાગે છે.

વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ પણ આવી જ લાગણીઓનો પડઘો પાડે છે.તેમણે કહ્યું કે તેઓ નોન-વેજ વેચતાં લોકોના વિરોધમાં નથી, પરંતુ તમામ શાકાહારી અને માંસાહારી ભોજન વેચતાં વિક્રેતાઓએ સ્વચ્છતાનું પાલન કરવું જોઇએ. માંસાહારી ભોજન વેચનારા લોકોએ સ્વચ્છતાનું વિશેષ પાલન કરવાની જરૂર છે.

Your email address will not be published. Required fields are marked *