એનઆરઆઈ રામજીભાઈ પટેલની સફાઈ ઝુંબેશ અને અનોખી સમાજ સેવા

| Updated: April 11, 2022 3:47 pm

એક અમેરિકન ગુજરાતી રાજ્યના ગ્રામજનો માટે ઊભાં સંડાસ શા માટે બનાવે ?

અમેરિકામાં વસતા બિનરહીશ ગુજરાતીઓમાંથી અનેક ગુજરાતીઓ માદરે વતન માટે અનુદાન આપે છે અને કંઈકને કંઈક કાર્ય પણ કરે છે. આ બધા ગુજરાતીઓમાં રામજીભાઈ પટેલ એક એવા વતનપ્રેમી ગુજરાતી છે જે હાથમાં સાવરણો લઈને વર્ષોથી વતનને સાફ કરે છે અને હવે તો તેમણે ગ્રામજનો માટે ઊભાં સંડાસ બનાવવો પ્રકલ્પ શરૂ કર્યો છે. બાય ધ વે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છતા અભિયાન શરૂ કરવાનો જે વિચાર આવેલો તે પણ
રામજીભાઈ પટેલને કારણે જ. આખી વાત રસપ્રદ છે. માંડીને કરીએ.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સને ૨૦૧૫માં અમેરિકા ગયા ત્યારની વાત. અમેરિકાના ખૂણે ખૂણેથી તેમને મળવા લોકો આવેલા. લોસ એન્જેલસ (કેલિફોર્નિયા)થી રામજીભાઈ પટેલ નામના એક અનોખા વતનપ્રેમી તેમને મળવા આવેલા. તેમનો નરેન્દ્રભાઈ સાથે ઘણો જૂનો નાતો. તેમને ત્રણ મિનિટ ફાળવવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓએ રામજીભાઈને ત્રણ મિનિટ પછી જવાનો (કડક) ઈશારો કર્યો. જોકે નરેન્દ્રભાઈએ અધિકારીઓને ઈશારો કરીને ધીરજ રાખવા કહ્યું. વિષય પણ નિરાંતે વાત કરવી પડે તેવો જ હતો. વર્ષોથી માદરે વતન ગુજરાતમાં જાતે જ સફાઈ ઝુંબેશ ચલાવતા રામજીભાઈ ઊંઝા અને વડનગરનાં ગામોમાં જૈફ વડીલો માટે ઊભાં સંડાસ બનાવવા માગતા હતા અને એ પ્રોજેક્ટની વિગતો લઈને વડાપ્રધાનને મળવા આવ્યા હતા.

વડાપ્રધાન મોદીને રામજીભાઈની નિષ્ઠા અને નિસબત માટે ખૂબ જ માન. તેઓ વર્ષોથી તેમને ઓળખે. તેમણે આખો પ્રોજેક્ટ શાંતિથી સાંભળ્યો અને કહ્યું કે ખરેખર આ કરવા જેવું છે. તમે જરૂર કરો. વિચાર તો કરો… ભારતનો વડાપ્રધાન – અમેરિકાની ભૂમિ પર સંડાસના પ્રોજેક્ટ વિશે વિગતવાર વાત કરે છે અને તે પણ પૂરી અને પાકી ગંભીરતાથી ! આખી દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓના સીઈઓને સંબોધન કરવા જેટલું જ મહત્ત્વ તેમના માટે ઊભાં સંડાસના પ્રોજેક્ટનું ! (નરેન્દ્ર મોદીને જે લોકો માત્ર મીડિયા દ્વારા ઓળખે છે તેમને નરેન્દ્રભાઈનાં આવાં અનેક રચનાત્મક પાસાંઓની ઓછી ખબર છે.)

જેમના મનમાં આવો નોખો પ્રોજેક્ટ આવ્યો તે રામજીભાઈ પટેલ પણ અનોખા માણસ છે. વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે, પણ તેમનું હૃદય ભારત માટે, ગરીબો માટે, ગ્રામજનો માટે ધબકે છે. હિંદુ ધર્મને સાચા અર્થમાં ચાહે છે એટલે હિંદુ ધર્મ જીવે પણ છે. તેઓ ગૃહસ્થી સન્યાસી છે. તેઓ એક સંત જેવું જીવન જીવી રહ્યા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા અભિયાન” શરૂ કર્યું તેના પાયામાં આ રામજીભાઈ પટેલ છે. થયું એવું કે મૂળ ઊંઝાના રામજીભાઈ પટેલ વર્ષોથી વતન ઊંઝામાં આવે એટલે અચૂક સફાઈ ઝુંબેશ કરે. જાતે જ ઊંઝા નગર વાળે. કોઈ એનઆરઆઈ પોતે આ રીતે સફાઈ કરતો હોય તેવું જવલ્લે જ બને !

૨૦૦૯માં તેમણે માદરે વતનમાં સફાઈ ઝુંબેશ કરી તેનો વિગતવાર અને સતસવીર લેખ અમેરિકાથી પ્રકાશિત થતા એક સાપ્તાહિકમાં છપાયો. રામજીભાઈ પટેલ એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા ત્યારે એ સાપ્તાહિકનો અંક લઈને ગયા. નરેન્દ્રભાઈએ લેખ જોયો – વાંચ્યો અને રામજીભાઈને અભિનંદન આપ્યાં. એ પછી 2015માં વડાપ્રધાન તરીકે તેમણે મહાત્મા મંદિરમાં પ્રવચન આપતાં કહ્યું કે મને ‘સ્વચ્છતા અભિયાન’ની પ્રેરણા એનઆરઆઈ રામજીભાઈ પટેલમાંથી મળી હતી. તેમણે જ્યારે મને લેખ બતાવ્યો હતો ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે જો એક એનઆરઆઈ છેક અમેરિકાથી આવીને આપણા દેશને સાફ કરી શકતો હોય તો આપણે પોતે આપણા દેશને શા માટે સાફ ના કરી શકીએ ?

એક વખત પ્રવાસી ભારતીય દિવસની બેઠકમાં તેમણે રામજીભાઈ પટેલની, તેમને બધાંની સામે ઊભા કરીને પણ તેમનાં કાર્યોની નોંધ લીધી હતી. રામજીભાઈ સાદા, સીધા અને સરળ માણસ છે. તેઓ જમીન સાથે જોડાયેલા છે. વર્ષોથી વતનપ્રેમનાં અનેક સદ્‌કાર્યો કરી રહ્યા છે. તેમને પાયાનાં કાર્યો કરવાનું ગમે છે. ગામડાંના લોકોની તકલીફને તેઓ જોઈ શકતા નથી. તેમનાં જીવનસાથી વિદ્યાબહેન તેમને દરેક કાર્યમાં પૂરતો સહયોગ આપે છે.

અત્યારે રામજીભાઈ ઊંઝા તાલુકામાં જરૂરિયાતમંદોને અમેરિકન સ્ટાન્ડર્ડ મુજબ ઊભાં ટોયલેટ બનાવી આપે છે. જે વ્યક્તિને બેસવા-ઊઠવાની તકલીફ હોય અને પરિવાર અત્યંત ગરીબ હોય તેને ટોયલેટ બનાવી આપે છે. એક ટોયલેટ 30થી 35 હજારનું બને છે. તેમણે અનિલભાઈ પટેલ નામના એક સદ્‌ગૃહસ્થને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે. સુણોક ગામથી શરૂ થયેલું આ કામ પળી, કામલી, શીંહી વગેરે ગામમાં ચાલી રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે રામજીભાઈ પટેલ ગાંઠનૈ પૈસા આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેઓ સમાજ પાસેથી એક પણ પૈસો લેતા નથી. તેમણે લાખો રૂપિયાના ખર્ચે સંખ્યાબંધ ઊભાં સંડાસ બનાવ્યાં છે અને તે કામ નિરંતર આજે પણ ચાલુ છે.

2020-21માં કોરોનાએ અનિલભાઈને પણ પોતાની ઝપટમાં લઈ લીધા હતા. અમેરિકામાં બેઠા બેઠા રામજીભાઈએ અનિલભાઈની તમામ સારવાર કરાવી. આવી છે તેમની સંવેદના ! આવી છે તેમની કરુણા ! સેવા, સમર્પણ, ત્યાગ અને આધ્યાત્મિક મૂલ્યોને વરેલા શ્રી રામજીભાઈ પટેલ ભૌતિક માયાજાળના વિરોધી છે. અમેરિકા કે ડોલર તેમના આત્માને અભડાવી શક્યાં નથી. તેઓ નખશીખ ભારતીય છે. બીજા માટે જીવનારા રામજીભાઈ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિરછત્ર બનાવીને વતન માટે અનેક સેવાકાર્યો કરી રહ્યા છે. ઊંઝાના ગોપાળભાઈ થોભણભાઈ પટેલને તેઓ પોતાના ગુરૂજી માનતા. તેમનું જીવન અનેક આરોહ-અવરોહથી ભરેલું છે. અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરીને તેઓ સફળ થયા છે. તેઓ પોતાના માદરે વતન માટે વધુને વધુ કંઈ કરવા ઝંખે છે.

અમેરિકાની ભૂમિ પર પણ તેમણે અનેક સદ્‌કાર્યો કર્યાં છે. તેઓ દુઃખીઓનો સાચો આધાર છે. લોસ એન્જેલસમાં ક્યાંય કોઈનું મૃત્યુ થયું હોય તો રામજીભાઈ ઉપર જ પહેલો ફોન આવે. તેઓ તરત અંતિમ સંસ્કારની વિધિ માટે દોડીને જાય. તેઓ એકલ વિદ્યાલય સહિતનો ઘણી યોજનાઓ સાથે જોડાયેલા છે. પૂજ્ય સાધ્વી ઋતુંભરાજીની નિશ્રામાં પણ અનેકવિધ કાર્યો કરી રહ્યા છે.

તેમના વિશે ડોંગરેજી મહારાજે કહ્યું હતું કે આ નાનો છોકરો જેને પંખા નાખીને સેવા કરે છે તેના અંતરની પ્રસન્નતા જોતાં મને લાગે છે ભાવિમાં આ છોકરો સાધુ જીવન જીવશે. તો વિનોબા ભાવેએ કહ્યું હતું કે આ નાનો રામજી ઉઘાડા પગે ચાલે છે, ને તેના હૃદયમાં બીજાને ઉપયોગી થવાની ઉમદા ભાવના પડી છે. આવા છોકરાના ઘરે મારે જવું જોઈએ.

Ramajibhai Patel
16934 VIANA, Dr Chino Hills
CA 91709 (Los Angles Area)
Tel- 562 659 4353
Cell Number 9537299484
ramjibs@aol.com

(ભારતમાં ઊભાં સંડાસના પ્રોજેક્ટની જવાબદારી સંભાળતાં અનિલભાઈ પટેલનો ભારતનો સંપર્ક નંબરઃ ૯૯૭૯૮ ૭૬૪૩૦)

Your email address will not be published.