રથયાત્રાના આગલા દિવસે રામોલમાં ફેક્ચર ગેંગનો આતંક જ બે રિવોલ્વરથી ફાયરીંગ, કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા

|Ahmedabad | Updated: June 30, 2022 9:51 pm

અદાવતમાં જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો, પોલીસની તૈયારીઓ પર અનેક પ્રશ્નો ઉદભવ્યા

અમદાવાદ
રામોલ વિસ્તારમાં આવેલી કેનાલ પાસેના નેહા મોરબી મેદાનમાં બીકોમમાં અભ્યાસ કરતા યુવક અને તેના મિત્રો પર ફેંક્ચર ગેંગના સભ્યોએ હુમલો કર્યો હતો. ફેંક્ચર ગેંગના ભુપેન્દ્ર અને તેના સાગરીતે જાહેરમાં બે રિવોલ્વરથી ફાયરિંગ કર્યા હતા. જાહેરમાં ફાયરિંગ જેવી ઘટનાઓ શહેરમાં રથયાત્રાના આગલા દિવસે બનતા ગુનેગારો પોલીસને શું મેસેજ આપી રહ્યા છે તે સ્પષ્ટ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા મહાવીરનગર ખાતે આકાશસિંહ ઉર્ફે સોનું મહેન્દ્રસિંહ પરીહાર(ઉ.25) પરિવાર સાથે રહે છે અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. 3 વર્ષ પહેલા ભુપેન્દ્ર ઉર્ફે શીલુ ખટીકે (રહે. હાટકેશ્વર ) આકાશના પિતાને છરી મારી હતી તેનો કેસ ચાલી રહ્યો છે જેથી ભુપેન્દ્ર સાથે અદાવત ચાલી રહી હતી. દરમિયાનમાં 29મી જુને આકાશસિંહ, ચેતન, દિપક તીવારી, નિશીકાંત, રમેશ સાથે મળી મિત્ર જગનભાઇ મળવા માટે ગયા હતા. જગનભાઇ એલજી હોસ્પિટલમાં હતા કેમકે તેમને કોઇ માથાકુટ થઇ હતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન ભુપેન્દ્ર નામનો શખસ એલજી હોસ્પિટલ જ ઉભો હતો અને આ સમયે બંનેની નજર મળી જતાં આકાશસિંહ અને તેના મિત્રો ત્યાથી જતા રહ્યા હતા. બાદમાં નેહા મોરબી મેદાન એટલે કે રામોલ વિસ્તારમાં ભેગા થયા હતા. દરમિયાનમાં રાત્રે સાડા બાર વાગ્યે કેટલાક વાહનો પર ભુપેન્દ્ર અને તેની સાથે અજાણ્યા ઇસમો લાકડાનો ધોકા, ચાકુ જેવા હથિયારો લઇને આવ્યા હતા. આ સમયે ભુપેન્દ્રએ બુમ પાડી કહ્યું હતુ કે, આજે એક બે ને પાડી દેવાના છે. આકાશસિંહ અને તેના મિત્રો ત્યાથી ભાગવા જતાં ભુપેન્દ્રએ તેના પાસેથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી ફાયરિંગ કર્યું હતુ. બધા મિત્રો કારમાં બેસી ભાગવા જતાં ફરી સંદીપ પાટીલ નામના વ્યક્તિએ રિવોલ્વર કાઢી ગાડી તરફ ગોળી ચલાવી હતી. જેથી કાર ભગાવી તમામ મિત્રો પોલીસ સ્ટેશનમાં પોતાનો જીવ બચાવવા માટે જતા રહ્યા હતા. પોલીસને જાણ કર્યા બાદ પણ આ યુવકો પોતાનુ બાઇક લેવા માટે ગયા હતા ત્યારે બે શખસો બાઇકને લાકડા અને લોખંડાના દંડા વડે પછાડી તોડ ફોડ કરી રહ્યા હતા. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે રામોલ પોલીસ એક પણ આરોપીની ધરપકડ કે ભુપેન્દ્ર સિવાય કોઇના નામ પણ શોધી શકી નથી.

ગેંગો પતી ગઇ હોવાની પોલીસની પોકળ વાતો, કાયદાની ઐસીકીતૈસી
અમદાવાદ શહેરમાં ચાલતી ગેંગોની એક યાદી બનાવવમાં આવી હતી અને તેમના નાબુદ કરવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી પરંતુ કાર્યવાહી જાણે કાગળ પર હોવાનું નકારી શકાય તેમ નથી. રથયાત્રાના આગલા દિવસે શહેરના રામોલ વિસ્તારમાં બે શખસો દ્વારા જાહેરમાં ફાયરિંગ કરી કાયદાની ઐસીકીતૈસી કરી નાખી હોવાની લોકોમાં ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ઝોન-5 વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી હત્યા અને ફાયરિંગ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઇ હોવાનું નકારી શકાય તેમ નથી.

Your email address will not be published.