અષાઢસ્ય પ્રથમ દિવસે : મેઘદૂત : કાલીદાસ

| Updated: June 30, 2022 1:52 pm

મેઘદૂતની વાત આવે એટલે કાલીદાસનો સમયગાળો વિદ્વાનોમાં વિવાદનો વિષય છે. ઘણા માને છે કે કાલીદાસ વિક્રમાદિત્યની સભામાં કવિ હતા, એક કરતાં વધુ રાજાઓ છે, જેમને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યા હતાં. કાલીદાસનો સમય 4થી કે 5મી સદી આસપાસનો માનવામાં આવે છે. આધુનિક યુગના કવિ કહેવા વધુ ઉચિત છે.

વિદ્વાન કાલીદાસે સંસ્કૃત ભાષાના અદભુત શબ્દપ્રાસનો ઉપયોગ કરી તેમના સાહિત્યને વૈશ્વિક બનાવ્યું, આ યુગમાં સાહિત્ય પરત્વે વૈશ્વિક એવોર્ડ આપવો હોય તો કાલીદાસના નામથી થાય.

કવિવર ટાગોર તો મેઘદૂતના ચાહક હતાં, ટાગોરે વીસ વર્ષની વયે મેઘદૂતની યાદમાં મેઘદૂત નામની કવિતા લખી, એકત્રીસ વર્ષે મેઘદૂત નિબંધ લખ્યો. પાંત્રીસ વર્ષે મેઘદૂત સોનેટ લખ્યું, ચાલીસમાં વર્ષે નવ વર્ષા અને એકતાલીસમા વર્ષે બેકારની વાત નિબંધમાં મેઘદૂત પર લખ્યું.

એકસઠમા વર્ષે મેઘદૂત નામની લઘુકથા લખી. એકોતેર, બોતેરમાં વર્ષે વિચ્છેદ અને યક્ષ નામની કવિતાઓ લખી. જીવનના અંતિમ તબક્કે સિત્યોતેર વર્ષે ફરીથી મેઘદૂતની યાદ આવતાં યક્ષ નામની નવેસરથી કવિતા લખી…શબ્દની રમતમાં નીર’જ’ એટલે કમળ અને નીર’દ’ એટલે મેઘ, એ જ રીતે જલમાં જ અને દનો પ્રયોગ કરીને જલજ એટલે કમળ અને જલદ એટલે મેઘ.
કાલીદાસ માટે એક મત એવો પણ છે કે, સમાજની ખામીઓ તરફ કે સામાન્ય પ્રજા પરત્વે ખાસ રસ દેખાડ્યો નથી…
અષાઢ મહીનાના પહેલા દિવસે મેઘદૂતની વાત પર આવીએ.

કાલીદાસનું એકસો વીસ જેટલા શ્લોક ધરાવતું મહાકાવ્ય મેઘદૂતની અષાઢસ્ય પ્રથમ દિવસે પંક્તિ કાવ્ય સાથે અમર થઈ ગઇ.
મોટાભાગના મંદાક્રાંતા છંદમાં રચાયેલા શ્લોકવાળું મેઘદૂત પૂર્વમેઘ અને ઉત્તરમેઘ એમ બે ભાગમાં વહેંચાયેલું છે કુલ 120 શ્લોકમાંથી 65 પૂર્વમેઘ અને 55 ઉત્તરમેઘમાં છે.

આધુનિક જિંદગી માટે લેશન શીખવતું મેઘદૂત સરળ વાર્તા છે.
યક્ષ કુબેર પાસે કામ કરે છે. યક્ષને એક જવાબદારી સોંપવામાં આવી છે, સવારે કુબેરની શિવપૂજા પહેલાં તાજા કમળના પુષ્પો ભેગા કરી યથાસ્થળે પહોંચતા કરવા.

યક્ષના લગ્ન થાય છે, નવા લગ્ન અને સુંદર પત્ની એટલે બીજા કામો પરત્વે બેદરકારી કરે છે.
વહેલી સવારે પુષ્પો એકઠા કરવા કરતાં પત્ની સાથે રહેવું યક્ષને ગમતું એટલે ચાલાકી કરી. રોજ રાત્રે જ પુષ્પો એકઠા કરીને યથાસ્થળે મૂકી દેવાના.

એક દિવસ પૂજા કરતાં કુબેરને ભમરો કરડે છે. કુબેર સમજી જાય છે કે ફૂલ ફ્રેશ નથી. પોતાના સેવકો દ્વારા તપાસ કરતાં ખબર પડે છે કે યક્ષ આગલી રાત્રે જ ફૂલ એકઠા કરે છે.

કુબેરને ગુસ્સો આવે છે અને યક્ષને તેની પ્રિય પત્નીથી એક વર્ષ વિયોગ કરવાનો શ્રાપ મળે છે. યક્ષ હિમાલયના અલકાપૂરીથી દૂર રામગીરી પર્વત પર વસવાટ કરે છે.

પહેલું મેનેજમેન્ટ લેસન, બોસ ઇઝ ઓલ્વેઝ રાઇટ. જે કામ બોસ કરવા કહે એમાં બહુ હોંશિયારી મારવી નહીં.
આપણા કરતાં તે વધુ સમજદાર છે એવું માની લેવું. જો હોંશિયારી મારો તો વિયોગની તૈયારી રાખવી. ક્લિયર?
બાય ધ વે, રામગિરી ક્યાં આવ્યું? વિદ્વાનોએ અનેક મત રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશનું ચિત્રકૂટ, આંધ્રપ્રદેશમાં, છત્તીસગઢ, નાગપુર પાસે રામગિરી પણ આપણી ભાષામાં તો જ્યાં વિરહની વેદના છે ત્યાં રામગિરી પર્વત છે.

મેઘદૂતની કથા અહીંથી શરૂ થાય છે, જોતજોતામાં સમય પસાર થાય છે અને સજાના અંતિમ ભાગમાં અષાઢ મહીનો આવે છે.
યક્ષ અષાઢ મહીનાના પ્રથમ દિવસે આકાશમાં પસાર થતાં મેઘને પોતાની પ્રિયતમા માટે સંદેશો મોકલે છે અને તે અષાઢસ્ય પ્રથમ દિવસે સંદેશો મોકલે છે, સમજ્યા?

પ્રશ્ન એ પણ થાય કે પ્રિયતમાને સંદેશો આપવા શા માટે મેઘને પસંદ કરવામાં આવ્યો? એક તો સંદેશો આપનારો હોંશિયાર અને અત્યંત વિશ્વાસુ હોવો જોઈએ.

ઘણી વાર એવું બનતું હોય છે કે સંદેશો લઇ જનારો પાછો આવીને સામાની વાત સાચી હોય એ રીતે આપણને શીખવાડતો હોય છે . હા, એ એટલો પણ હોંશિયાર ન હોવો જોઈએ કે પોતાનું સેટિંગ કરી લે.

પ્રથમ 13 શ્લોકોમાં, યક્ષ મેઘને વિનંતી કરે છે કે તેની પત્નીને વિરહનો સંદેશો પહોંચાડે જે દેવોની નગરી અલકાપુરીમાં છે.
યક્ષને પ્રિયતમાનો વિરહ હતો પણ કુબેર માટે નિષ્ઠા પણ હતી. સજાના આઠ મહીના પૂરા કર્યા પછી જ સંદેશો મોકલવાની તૈયારી કરી. મેસેજ આપવા યોગ્ય સમયની રાહ જોવી.

13 થી 65મા શ્લોકમાં રામગિરિ પર્વતથી અલકાપુરી તરફના માર્ગ પરના ઘણા સુંદર સ્થળો અને દૃશ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે.

આપણા માટે એટલું કે મેસેજ મેસેજ રમતા પહેલા યોગ્ય ભૂમિકા તૈયાર કરવી પડે. તમારી પ્રોડક્ટ વેચતા પહેલાં વાતાવરણ બનાવવું પડે, ગરમી શરૂ થતાં પહેલાં દુનિયાનું તાપમાન વધતું જાય છે. ભવિષ્યમાં દરિયો ઉંચો આવશે જેવા આર્ટિકલ વાંચી વાંચીને એસીનું વેચાણ વધી ગયું, શું સમજ્યા?

આગળ યાત્રાના સ્થળોનું વર્ણન છે. કાલીદાસના યુગથી આ વાત કહેવામાં આવે છે કે પ્રકૃતિ વચ્ચે રખડો. વૈશ્વિક નાગરિક બનવું હોય તો દુનિયા જોવી પડે. ખભે કોથળોને દેશ મોકળો કરવો પડે.

અલકાપુરીની સ્વર્ગીય સુંદરતા અને જીવનશૈલીનું વર્ણન શ્લોક 66 થી 79 માં કરવામાં આવ્યું છે.
કાલિદાસ ઉંચી ઊંચાઈએથી વાદળ દ્વારા જોઈ શકાય તેવા સ્થળોનું અદભૂત રીતે વર્ણન કરે છે, જેમ કે વિંધ્ય પર્વત પર નર્મદા નદીની ધારાઓ હાથીની પીઠ પરની રંગોળીની રચના જેવી લાગે છે.

અહીં મેઘદૂતનો એક ભાગ પૂરો અને બીજો ભાગ જેને ઉત્તર મેઘ કહે છે એ શરૂ.
યક્ષ મેસેજ પહોંચાડવાનો સમય પણ જણાવે છે, બહુ વહેલી સવાર નહીં પણ વહેલી સવાર તો ખરી પણ મેસેજ આપતાં ઠંડો પવન વહેવો જરૂરી અને ત્યાં પણ વાતાવરણ રોમેન્ટિક બનવું જરૂરી છે.

શ્લોક 80 થી 86 કુબેરના રાજવી મહેલની નજીક સ્થિત યક્ષ પોતાના સુંદર ઘરનું વર્ણન છે. યક્ષનું ઘર કુબેરના મહેલની ઉત્તરે આવેલું છે. એક નાનો કૂવો છે જેની દિવાલ પર નીલમણિ જડેલા છે, સુવર્ણ કમળ બારમાસી ખીલે છે. નજીકમાં સોનેરી કેળના વૃક્ષો, અશોક અને બકુલ વૃક્ષોની વચ્ચે નીલમના શિખર સાથેનો એક નાનો પર્વત છે. આ બે વૃક્ષોની વચ્ચે યક્ષની પત્નીના પાળેલા મોર માટે સોનાની લાકડી મૂકવામાં આવી છે. આ નિશાનીઓ મેઘને યક્ષનું ઘર શોધવામાં મદદ કરશે.

યક્ષની સુંદર પત્ની અને તેના પતિથી અલગ થવાને કારણે તેના મનોસ્થિતિનું વર્ણન 87 થી 106 શ્લોકોમાં કરવામાં આવ્યું છે.
શ્લોક 106 થી 117 માં યક્ષ તરફથી તેની પત્ની માટેનો સંદેશ છે. મેઘદૂતના છેલ્લા ત્રણ શ્લોકોમાં તે તેની મદદ કરવા બદલ વાદળનો આભાર માને છે અને શુભેચ્છા પાઠવે છે કે તેની મુસાફરી સરળ રહે.

મિન્સ પોતાની વાત કર્યા યક્ષ મેઘની ફીની વાત પણ કરી લે છે. કોઈ કામ મફતમાં થતું નથી. યક્ષ એડવાન્સ ચૂકવે છે, જા મેઘ તારી પ્રેમિકા વીજળીથી તારો ક્યારે પણ વિયોગ નહીં થાય.

અને છેલ્લે આ કાવ્ય જેટલું લાંબુ લખવું હોય એટલું લખાય પણ એકસો વીસ શ્લોકમાં પુરું…એટલે સમય પર એક્ઝિટ લેતાં આવડવું એ પણ એક કળા છે, સમજે?

લેખન અને સંકલન
દેવલ શાસ્ત્રી

આ પણ વાંચો: બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીથી થતાં રોગો અને તેના ઉપાયો પર પ્રકાશ પાડતા પુસ્તકમાં માઇકાના પ્રાધ્યાપક સહલેખક

Your email address will not be published.