ઓનલાઈન ફ્રોડઃ 10 મહિનાનો પગાર 10 મિનિટમાં બેન્ક ખાતામાંથી ચોરાઈ ગયોઃ જાણો પોલીસે કઈ રીતે રૂપિયા પાછા અપાવ્યા

| Updated: October 21, 2021 8:50 pm

ઓનલાઈન શોપિંગ કે નાણાકીય ટ્રાન્સફર કરવામાં ઘણી સગવડતા રહે છે, પરંતુ ઓનલાઈન ચિટર ટોળકીઓ ટેકનિકલ છીંડાનો ઉપયોગ કરીને ગમે તેને છેતરી શકે છે.

કચ્છના ભુજના એક યુવાનને આવો જ અનુભવ થયો હતો. યુવાને દશ મહિના સુધી પગારની બચત કરીને બેન્કમાં જમા કર્યો હતો, પરંતુ એક ભૂલના કારણે 10 મિનિટમાં તેની રકમ ઉડી ગઈ હતી. સદનસીબે પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી તેને તરત રૂપિયા પાછા પણ મળી ગયા હતા.

પગારની રકમ બેંક ખાતામાંથી ઉપડી જતા જ યુવાન તાબડતોબ ભુજના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક પગલાં લઈને માત્ર 10 મિનિટમાં યુવાનને રૂપિયા પરત અપાવ્યા હતા.

યુવાને સરહદી વિભાગ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જઈને પીઆઈ બી.એસ. સુથારને ફરિયાદ કરી કે, તેમના 10 મહિનાના પગારની 80 હજારની રકમ કોઈ અપરાધીએ ઓનલાઈન ઉપાડી લીધી છે. તપાસ કરતા જાણવા મળ્યું કે યુપીઆઈથી 10 મિનિટમાં આરોપીએ આ રકમ ટ્રાન્સફર કરી હતી. આ અંગે એએસઆઈ હિતેશ ઝાલાને કાર્યવાહી માટે સૂચના અપાઈ જેમાં તરત જ સામાવાળાના વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસનો અભ્યાસ કરીને પેમેન્ટ ગેટવેનો ટેલિફોનિક અને ઈ-મેલથી સંપર્ક કરી 80 હજારમાંથી પૈકી 65708 રૂપિયા તાત્કાલિક પાછા અપાવ્યા હતા.

અરજદાર હજુ પોલીસને અરજી લખતા હતા ત્યાંજ પોલીસે તેને નાણાં પરત અપાવી દીધા હતા. નાણા પરત મળ્યા બાદ ભોગ બનનાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે, શોપિંગ વેબસાઈટ પરથી ખરીદી કરી હતી. જે આર્ટીકલ તેમને સમયસર ન મળતા ગુગલ પર વેબસાઈટનો નંબર સર્ચ કર્યો હતો. જ્યાં તેની સાથે વાત દરમિયાન આ ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.

(અહેવાલઃ ગોવિંદ મહેશ્વરી)

Your email address will not be published. Required fields are marked *