ભારતમાં અટવાયેલા પાકિસ્તાની હિન્દૂની વતન પરત જવાની ઝંખના

| Updated: August 11, 2021 4:50 pm

પત્નીના મૃત્યુ પછી ત્રણ બાળકો સાથે ભારતમાં અટવાયેલો એક પાકિસ્તાની હિન્દુ સત્તાવાળાઓને પાકિસ્તાનના આઝાદી દિન 14 ઓગસ્ટ પહેલા પરત જવા દેવાની અરજ કરી રહ્યો છે. 

મધ્યપ્રદેશના બાલાઘાટથી ઉર્દૂમાં ફોન પર વાત કરતા 41 વર્ષીય અજીત કુમાર નાગદેવ કહે છે કે તેઓ તૂટી ગયા છે. તેની 38 વર્ષીય પત્ની રેખા કુમારીનું અટારી-વાઘા બોર્ડર ખોલવાના એક દિવસ પહેલા 22 એપ્રિલના રોજ અવસાન થયું હતું. જે જોતાં તેઓ કહે છે કે “હું  શું કરું? બાળકો સામે જોતા કાળજું કપાઈ જાય છે, પણ મારે તો ઉઠી ને જીવન આગળ ધપાવવું જ પડશે ને?” 

તેમની સંભાળ રાખવા માટે મથતા નાગદેવ, તેમના બાળકોના સ્વાસ્થ્યને તથા તેમનાં ભણતરની ચિંતાથી ઘેરાયેલા છે. તેમજ તેમનાં બાળકો  તેમની માતાને ભૂલી શકતા નથી . 

નિયમિત ભોજન વિના તેમના ભાડાના નાના ઘરમાં અટવાયેલા રહીને તેમનું વજન ઘટી ગયું છે. નાગદેવે કહ્યું કે તેમનું વજન 20 કિલો ઘટી ગયું છે. ભારતમાંના તેમના સંબંધીઓ પણ વિભિક્ત કુટુંબોમાં રહેતા પરપ્રાંતી છે.   

કોરોના મહામારીએ નાગદેવની આજીવિકા પર પહેલેથી જ અસર કરી હતી અને રેખાના મૃત્યુ બાદ તે બાળકોને એકલા મુકીને કામ માટે જઈ શકતો નથી. 

દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશન આર્થિક મદદ કરી રહ્યું છે, પરંતુ નાગદેવને દયાદાનની ખેવના નથી. તે માત્ર પોતાના બાળકોની સંભાળ રાખી શકાય એ હેતુથી પાકિસ્તાનના ઉસ્તા મોહમ્મદમાં તેના સંયુક્ત કુટુંબના ઘરે પાછા જવા માંગે છે, જ્યાં તેના પાંચ ભાઈઓ પણ તેમના પરિવારો સાથે રહે છે. 

પાકિસ્તાનના રહીમયાર ખાનમાં તાજેતરમાં એક હિન્દુ મંદિર પર થયેલા હુમલાથી નાગદેવનો પરત ફરવાનો ઈરાદો ઢીલો પડ્યો નથી, કારણ કે તેમનુ માનવું છે કે મુશ્કેલી દરેક જગ્યાએ  છે, પાકિસ્તાનમાં અમારા મિત્રો અને સથવારો છે અને અલ્લાહ, ભગવાન તેમને મદદ કરશે. 

રેખા તથા લવલીનાના પાસપોર્ટ

જ્યારે નાગદેવ અને રેખાએ, પોતાના બે નાના બાળકો સાથે 2010માં ઉસ્તા મોહમ્મદને છોડ્યું, ત્યારે તેમણે ધાર્યું હતું કે તેઓ ભારતમાં વધુ સારું જીવન પામશે. સપ્ટેમ્બર 2012માં એમની દીકરી લોવિનાનો જન્મ ભારતમાં થયો. થોડા વર્ષો પછી, રેખાની તબિયત બગડવાની શરૂઆત થઈ અને તેઓએ વતન પરત જવાની તૈયારી કરવા માંડી ત્યાં રોગચાળો ત્રાટક્યો અને સરહદો બંધ થઈ ગઈ. 

રેખાનું અવસાન થતા પરિવાર ફસાઈ ગયો કારણ કે લોવીનના પાસપોર્ટ પર તેની માતાના નોંધાયેલું હતું. હવે મૃત પત્નીના પાકિસ્તાની પાસપોર્ટ પર દીકરી સાથે એક પુરુષનું સરહદ પાર કરવું અઘરું બની ગયું હતું.  

એક મહિના પછી, નાગદેવ અને લોવીનાને લગભગ 12 કલાકની ટ્રેન મુસાફરી કરી પાસપોર્ટ માટે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન ખાતે જવું પડ્યું. આવી મહામારીમાં પણ કોન્સ્યુલેટમાં અરજીઓનું નિરાકરણ ઓનલાઈન થતું નથી અને આ ઉપરાંત પાક ડોમેઈન ભારતમાં કામ કરતું નથી.

મિશને તેમની મુસાફરીનો ખર્ચ ઉપાડી લીધો, અર્જન્ટ પાસપોર્ટની ફીમાંથી મુક્તિ આપી અને તે જ દિવસે લોવિનાનો પાસપોર્ટ જારી કરાવડાવ્યો. પરંતુ કોવિડ -19 મહામારીને કારણે સરહદ બંધ હોવાથી, પરિવાર ભારતમાં ફસાયેલો છે. 

દિલ્હીસ્થિત પાકિસ્તાન હાઇકમિશનના જણાવ્યા અનુસાર ભારતમાં રોકાયેલા 600થી વધુ પાકિસ્તાનીઓ પાછા જવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમનું પરત જવું  પાકિસ્તાનના નેશનલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આધારિત છે. હવે પછીની  સરહદ પાર કરવાની તારીખની જાહેરાત થવાની બાકી છે. 

દિલ્હીની પાકિસ્તાન કોન્સુલેટ દ્વારા કટોકટીના કેસોમાં સરહદ પાર કરવા દેવા મંજૂરી આપવા માટે પહેલેથી જ ઇસ્લામાબાદ સાથે મુદ્દો ઉવેખ્યો છે અને પુછાવ્યું છે કે શું આ કિસ્સાને ખાસ ગણી અલગથી છૂટ આપી શકાય કે કેમ.  

સંપર્ક કરવામાં આવતા, પાકિસ્તાની સંસદ સભ્ય ડો. રમેશ કુમાર વાંકવાણીએ કહ્યું કે તેઓ શક્ય હશે એ બધું જ કરશે. તેમના મિત્ર સેનેટર મુશાહિદ હુસેને પણ આ બાબતે સહાનુભૂતિ ધરાવી છે અને મદદ કરવા હૈયાધારણ આપી છે. 

મુશાહિદ હુસૈન કહે છે કે “પાકિસ્તાન અને ભારત બંને સરકારોએ ભારતમાં અટવાયેલા પાકિસ્તાનીઓ, ખાસ કરીને હિન્દુ પાકિસ્તાનીઓ સાથે સંકળાયેલા માનવીય સંકટને દૂર કરવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ.”

મુશાહિદે વધુમાં કહ્યું કે “અમલદારશાહીની લાલ ફિતાશાહી  અને ક્ષુલ્લક  રાજકીય ચડસાચડસી,  સરહદની બંને બાજુના પરિવારોને ફરીથી જોડવાના ઉમદા પ્રયત્નોમાં આડે ના  આવવી જોઈએ અને એમાં પણ જયારે કે આવી મહામારી દરમિયાન, જ્યારે પરિવારોએ એકબીજાને સાંત્વના આપવા માટે સાથે રહેવાની જરૂર હોય.”

જો કે પાકિસ્તાની એનસીઓસી આવી છૂટ આપશે તેવી કોઈને આશા નથી. 

નાગદેવની દુર્દશાથી વ્યથિત, દિલ્હીના આઇટી પ્રોફેશનલ સમીર ગુપ્તાએ પરિવારના હવાઈ ભાડા માટે નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘અમન કી  આશા’ જેવી શાંતિ પહેલ સાથે એકાદ દાયકાથી જોડાયેલા ગુપ્તા કહે છે. “તમામ પ્રકારના રાજકારણ અને અમલદારશાહીથી માનવતા ઉપર ઉઠવી જોઈએ. બંને દેશોના લોકોએ સાથે મળીને તેમને પરત લાવવા માટે બધા પ્રયત્નો કરવા જોઈએ, અન્ય ત્રાહિત દેશોથી થઇને જવું પડે તો પણ અમે તેને પરત લઈ જઈશું.”

આ વાતને ધર્મ કે દેશભક્તિ સાથે કંઈ લાગતુંવળગતું નથી. આ કિસ્સામાં તો માત્ર પોતીકાંઓની લાગણીની હૂંફની ઝંખના રાખતું એક શોકગ્રસ્ત કુટુંબ છે જે વતન પરત જવા માંગે છે. 

આ લેખ બીના સરવર દ્વારા લખાયો છે અને સૌપ્રથમ સપન ન્યૂઝમાં પ્રકાશિત થયો હતો.

Your email address will not be published.